Beginning
શેબાની રાણીની મુલાકાત
9 સુલેમાનનાં અદ્ભૂત ડહાપણ અને તેની કીર્તિ સાંભળીને શેબાની રાણી, તેની કસોટી કરવા માટે અઘરા પ્રશ્ર્નો લઇને યરૂશાલેમ આવી, તે પોતાની સાથે અંગરક્ષકો અને અમલદારોનો મોટો રસાલો અને ઊંટ ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઇને આવી હતી. 2 સુલેમાન આગળ આવીને, તેણે પોતાના મનમાં હતા તે બધાં પ્રશ્ર્નો પૂછયા અને સુલેમાને તેના બધા જ પ્રશ્ર્નોના જવાબ આપ્યા. 3 એક પ્રશ્ર્ન પણ એવો નહોતો જેનો સુલેમાન જવાબ ન આપી શકે. શેબાની રાણીએ જાણ્યું કે, સુલેમાન સાચે જ જ્ઞાની હતો અને તેના મહેલની સુંદરતા અવર્ણનીય હતી. 4 શેબાની રાણીની થાળીમાં પીરસાતી વાનગીઓ, આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો તથા સુંદર પોષાકોમાં અંગરક્ષકો, વહીવટી અમલદારો તથા યહોવાના મંદિરમાં ધરાવાતા દહનાર્પણો જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ.
5 પછી તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારા વિષે તથા તમારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું. 6 અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી, મેં કલ્પના કરી હતી તેના કરતાં તમારું જ્ઞાન અતિ વિશાળ છે! 7 તમારી રાણીઓ કેટલી સુખી છે! સદા તમારી તહેનાતમાં રહેતા અને તમારી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ પણ કેટલાં ભાગ્યશાળી છે! 8 યહોવા તમારા દેવની સ્તુતિ થાઓ! એ તમારા પર પ્રસન્ન છે. ઇસ્રાએલ પર તે એટલો બધો પ્રેમ કરે છે કે, તેમણે તમારા જેવો ન્યાયી રાજા તેઓને આપ્યો છે. દેવ ઇચ્છે છે કે, સદાને માટે ઇસ્રાએલ મહાન અને બળવાન રાજ્ય બને.”
9 ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું, પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યું. શેબાની રાણીએ રાજા સુલેમાનને ભેટ ધરેલાં અત્તરો કદી કોઇએ જોયાં નહોતાં.
10 હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા. 11 એ ચંદનના લાકડામાંથી રાજાએ યહોવાના મંદિરના અને મહેલના પગથિયા, અને ગાયકગણ માટે સિતાર, અને વીણા બનાવડાવ્યાં. આવાં સુંદર વાજિંત્રો યહૂદીયા દેશમાં અગાઉ કદી હતા નહિ.
12 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માંગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન માટે જે ભેટસોગાદ લઇ આવી હતી તેટલી ભેટસોગાદો રાજાએ તેને આપી હતી તે જુદી, ત્યારબાદ તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ફરી.
સુલેમાનની ભવ્ય સંપત્તિ
13 રાજા સુલેમાનને પ્રતિ વર્ષ 22,644 કિલો સોનું આવતું હતું. 14 આ તો વેપારીઓ ને ધંધાંદારીઓ જે સોનું લાવ્યાં હતા તે ઉપરાંતનું હતું. તથા અરબસ્તાનના રાજવીઓ તથા પ્રાંતોના સૂબાઓ પણ રાજાને સોનુંચાંદી આપતા હતા.
15 રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું. 16 વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે “લબાનોનના વનગૃહ” કહેવાતા મહેલમાં મૂકાવી.
17 સુલેમાન રાજાએ પોતાના માટે એક હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું અને તેને સોનાથી મઢાવ્યું. 18 એ સિંહાસનના છ પગથિયાં અને પગ મૂકવાનો બાજઠ પણ સોને મઢેલા હતા. સિંહાસનની દરેક બાજુએ હાથ ટેકવાના હાથા હતા અને તેના દરેક હાથાની બાજુમાં એક સિંહનું પૂતળું હતું. 19 છ પગથિયાં ઉપર દરેક છેડે એક એક એમ બાર સિંહો ઊભા હતા. બીજા કોઇ પણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.
20 સુલેમાન રાજાના સર્વ પ્યાલાઓ શુદ્ધ સોનાનાં હતા અને લબોનોન વનગૃહના સર્વ પાત્રો સોનાનાં હતા. તે દિવસોમાં ચાંદીની કોઇ વિસાત નહોતી.
21 દર ત્રણ વર્ષે રાજાના વહાણો, હૂરામ રાજાના નાવિકો સાથે તાશીર્શ જતાં અને ત્યાંથી સોનું-ચાંદી, હાથીદાંત, વાંદરા અને મોર લાવતાં.
22 આમ પૃથ્વીના સર્વ રાજાઓમાં રાજા સુલેમાન સૌથી શ્રેષ્ઠ, શ્રીમંત અને જ્ઞાની હતો, 23 સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ દેવે સુલેમાનને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે એના દરબારમાં આવતા, 24 તેઓ બધા પ્રતિવર્ષ એક યા બીજી વસ્તું ભેટ સોગાદો રૂપે લઇને આવતા: સોનાચાંદીના વાસણો, કીમતી વસ્રો, શસ્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચરો.
25 સુલેમાન પાસે ઘોડાઓ અને રથો માટે 4,000 તબેલા તેમજ 12,000 ઘોડેસવારો હતા, એમાંના કટેલાંક એણે રથનગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા. 26 યુફ્રેટીસના બધાં રાજાથી માંડીને પલિસ્તીઓની ભૂમિ સુધી અને મિસરની સરહદ સુધી તેની આણ વર્તાતી હતી. 27 સુલેમાને યરૂશાલેમમાં ચાંદીનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં વધારી દીધો કે તે રસ્તા પરના પથ્થરો જેવી સામાન્ય થઇ ગઇ. વળી દેવદારવૃક્ષોનું મુલ્યવાન લાકડું નીચાણ જમીનના ગુલ્લરકાષ્ટ વૃક્ષ જેવું સામાન્ય થઇ ગયું હતું. 28 સુલેમાનને માટે મિસર અને બીજા બધા દેશોમાંથી ઘોડા આયાત કરવામાં આવતા હતા.
સુલેમાનનું મૃત્યુ
29 સુલેમાન રાજાના જીવનની બાકીની વિગતો પ્રબોધક નાથાને લખેલા ઇતિહાસમાં, શીલોની અહિયાના પ્રબોધના પુસ્તકમાં અને નબાટના પુત્ર યરોબઆમ વિષે દ્વો પ્રબોધકને થયેલાં દર્શનના પુસ્તકમાં આપવામાં આવેલી છે. 30 સુલેમાન રાજાએ યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ ઉપર 40 વર્ષ રાજ કર્યુ. 31 ત્યારબાદ તે પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર રહાબઆમ રાજગાદી પર આવ્યો.
રહાબઆમે મૂર્ખતાપૂર્ણ કામ કર્યુ
10 રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા. 2 જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં. 3 કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો.
યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે, 4 “તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તું એ આકરી ગુલામીની ભારે ઝૂંસરી હળવી કર, એટલે અમે તારે તાબે રહીશું. અને અમારા રાજા તરીકે સ્વીકારીશું.”
5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા.
6 ત્યારબાદ રહાબઆમે તેના વડીલોની સલાહ લીધી, જેઓ તેના પિતા સુલેમાન, જીવતા હતાં ત્યારે તેની સાથે હતાં. તેણે પૂછયું, “આ લોકોને શું જવાબ આપવો તેની તમે મને શી સલાહ આપો છો?”
7 તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”
8 પરંતુ વડીલોએ આપેલી સલાહને તેણે ફગાવી દીધી અને પોતાની સાથે ઊછરેલા અને પોતાની તહેનાતમાં રોકાયેલા જુવાનીયાઓની સલાહ લીધી. 9 તેણે પૂછયું, “મિત્રો, અમારા લોકો પર જે ઝૂંસરી લાદેલી હતી તેને મારે હળવી કરવી એવી એ લોકોની વિનંતી છે, તેનો જવાબ આપવાની તમે મને શુ સલાહ આપો છો?”
10 જુવાનીયાઓએ કહ્યું, “તમે તે લોકોને એવો જવાબ આપો કે, ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી વધારે જાડી છે!’ 11 ‘મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને વધુ ભારે બનાવીશ, મારા પિતા તમને ચાબૂકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.’”
12 રાજા રહાબઆમનો નિર્ણય સાંભળવા માટે ત્રણ દિવસ પછી યરોબઆમ તથા લોકો તેની પાસે પાછા આવ્યા. 13 રાજાએ તેઓની સાથે ઊદ્ધતાઇથી વાત કરી, વૃદ્ધ મંત્રીઓની સલાહ તેણે નકારી કાઢી. 14 અને જુવાનીયાઓની સલાહ પર ધ્યાન આપ્યું. તેણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને હજી વધારે ભારે બનાવીશ. મારા પિતા તમને ચાબુકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.” 15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.
16 રાજાનું કહ્યું સાંભળ્યા પછી ઇસ્રાએલી લોકોએ રાજા તરફ પીઠ ફેરવી અને ચાલ્યા ગયા. ગુસ્સે થઇને તેણે પોકાર કર્યો, “દાઉદ અને તેના કુટુંબને ભૂલી જાઓ! અમે અન્ય કોઇને અમારો રાજા બનાવીશું, રહાબઆમ ભલે યહૂદાના કુળ પર રાજ કરે, ચાલો આપણે ઘેર જઇએ!” પછી લોકો ચાલ્યા ગયા. 17 આમ, બધા ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, અને રહાબઆમ યહૂદાના પ્રદેશમાં વસતા ઇસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતો હતો.
18 રાજા રહાબઆમે હદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો હદોરામ વેઠ મજૂરોનો ઉપરી હતો. પરંતુ ઇસ્રાએલીઓએ તેને મારી નાખ્યો. આથી રાજાને રથમા બેસીને યરૂશાલેમ ભાગી જવું પડ્યું. 19 આજ દિવસપર્યંત ઇસ્રાએલ પ્રજાએ દાઉદના વંશજોને પોતાના પર રાજ કરવા દીધું નથી.
11 રહાબઆમે યરૂશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનના કુળસમૂહના કુલ 1,80,000 ચુનંદા યોદ્ધાઓને ભેગા કર્યા. 2 પરંતુ યહોવાએ દેવભકત શમાયાને કહ્યું કે, 3 “યહૂદાના રાજા અને સુલેમાનના પુત્ર રહાબઆમને અને સર્વ ઇસ્રાએલીઓને જે યહૂદા અને બિન્યામીનમાં રહે છે તેઓને કહે કે: 4 ‘આ યહોવાના વચન છે: તમારા ભાઇઓ સામે લડવા જશો નહિ, ભલે સૌ કોઇ પોતપોતાને ઘેર પાછા જાય, જે કાઇં બન્યું છે તે ફકત મારી ઇચ્છાથી જ બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યુ માન્યું અને યરોબઆમની સાથે લડવાનું માંડી વાળ્યું.
યહૂદાને શકિતશાળી બનાવતો રહાબઆમ
5 રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે: 6 બેથલેહેમ, એટામ, તકોઆ 7 બેથ-સુર, સોખો, અદુલ્લામ 8 ગાથ, મારેશાહ, ઝીફ, 9 અદોરાઇમ, લાખીશ અઝેકાહ 10 સોરાહ, આયાલોન, અને હેબ્રોન, આ શહેરો યહૂદામાં અને બિન્યામીનમાં આવેલાં છે, 11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને તેમાં અનાજ, તેલ અને દ્રાક્ષારસનો સંગ્રહ કરી ત્યાં સૈન્યોના વડાઓને મૂકયા. 12 પ્રત્યેક નગરના શાસ્ત્રાગારમાં નગરનું રક્ષણ કરવા માટે તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા, આમ, યહૂદા અને બિન્યામીન તેને વફાદાર રહ્યાં હતા.
13 યાજકો અને લેવીઓ ઉત્તરના રાજ્યમાંથી પોતાના ઘરબાર તજીને તેની સાથે સહમત થવા માટે આવી ગયાં. 14 યરોબઆમ રાજાએ તેઓને ફરજ પરથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે હવે તમારે યહોવાના યાજકો તરીકે કામ કરવું નહિ.
15 તેઓના સ્થાને તેણે બીજાઓને યાજકો બનાવ્યા. આ યાજકોએ લોકોને ઉચ્ચસ્થાનોમાં, યરોબઆમે બનાવેલ વાછરડાંના પૂતળાંની પૂજા કરવા માટે લોકોને ઉત્તેજન આપ્યું. 16 ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા. 17 એ લોકોએ આને કારણે યહૂદાના રાજ્યના બળમાં વધારો કર્યો અને ત્રણ વર્ષ સુધી તેમણે રહાબઆમને ટેકો આપ્યો, કારણ, એ ત્રણ વર્ષ દરમ્યાન તે દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યો હતો.
રહાબઆમનું કુટુંબ
18 રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યું. માહલાથનો પિતા, દાઉદનો પુત્ર યરીમોથ હતો અને તેની માતા દાઉદના ભાઇ અલીઆબની પુત્રી અબીહાઇલ હતી. 19 તેઓને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ, 20 ત્યારબાદ તે આબ્શાલોમની પુત્રી માઅખાહને પરણ્યો અને તેનાથી તેને અબિયા, અત્તાય, ઝીઝા અને શલોમીથ જન્મ્યા. 21 પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબઆમ માઅખાહ ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને 18 પત્નીઓ અને 60 ઉપપત્ની હતી. અને તેમનાથી તેને 28 પુત્રો અને 60 પુત્રીઓ થઈ હતી.
22 રહાબઆમે માઅખાહના પુત્ર અબિયાને બધા ભાઇઓમાં વડો નીમ્યો અને તેને પોતાના પછી રાજા બનાવવાની ષ્ટિએ પાટવી કુંવર ઠરાવ્યો. 23 રહાબઆમે યુકિતપૂર્વક તેના બીજા પુત્રોને યહૂદિયા અને બિન્યામીનના બધા પ્રદેશોમાં કિલ્લેબંદ નગરોમાં રહેવા માટે મોકલી દીધા. તેણે તેઓને મોટા સાલિયાણાં બાંધી આપ્યા. અને પ્રત્યેકને ઘણી સ્રીઓ સાથે પરણાવ્યા.
મિસરના રાજાનો યરૂશાલેમ પર વિજય
12 જ્યારે રહાબઆમનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે અને યહૂદાના કુળસમૂહે યહોવાની સંહિતાનો માર્ગ છોડી દીધો.
2 તેઓએ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંધન કર્યુ તેથી રહાબઆમ રાજાના શાસનના પાંચમે વર્ષે મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર 1,200 રથો તથા 60,000 સવારો લઇને હુમલો કર્યોં. 3 મિસરમાંથી તેની સાથે અસંખ્ય લૂબીઓ, સુક્કીઇઓ તથા કૂશીઓ આવ્યા હતા. 4 યહૂદિયાના તાબાનાં કિલ્લાવાળાં નગરો સર કરતો કરતો તે યરૂશાલેમ સુધી આવી પહોંચ્યો.
5 રહાબઆમ તથા યહૂદિયાના સરદારો, જેઓ પ્રબોધક શીશાકને લીધે યરૂશાલેમમાં એકઠા થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું કે, “તમે મને અને મારા કાનૂનોને તજી દીધા છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધાં છે.” એમ યહોવા કહે છે.
6 ઇસ્રાએલના આગેવાનો અને રાજાઓ પોતે નમ્ર થઇને બોલ્યા, “યહોવાની વાત ન્યાયી છે.”
7 યહોવાએ જ્યારે જોયું કે એ લોકો શરણે થઇ ગયા છે, ત્યારે તેણે ફરી શમાયાને પોતાની વાણી સંભળાવી કે, “એ લોકો શરણે થઇ ગયા છે એટલે હું એમનો નાશ નહિ કરું; હું એમને થોડીવારમાં રાહત આપીશ, હું મારો રોષ શીશાક મારફતે યરૂશાલેમ પર નહિ ઉતારું. 8 પરંતુ એ લોકોએ શીશાકના ગુલામ થવું પડશે, અને ત્યારે તેમને સમજાશે કે મારી સેવા કરવામાં અને વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”
9 મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી અને તે યહોવાના મંદિરમાં તથા રાજમહેલના બધા ભંડાર લૂંટી ગયો. તે સુલેમાને બનાવડાવેલી સોનાની ઢાલો સહિત બધું જ લઇ ગયો. 10 રહાબઆમ રાજાએ તેમને ઠેકાણે પિત્તળની ઢાલો બનાવડાવીને રાજાના મહેલમાં દ્વારપાળોના તથા અમલદારોના હાથમાં સોંપી. 11 જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે રક્ષકો તે ઢાલ લઇને આવતા અને પછીથી શસ્રાગારમાં મૂકી દેતા.
12 રહાબઆમ યહોવાને શરણે થઇ ગયો, વળી યહૂદામાં ધણાં સારા લોકો હતા, તેથી યહોવાએ તેનો સંપૂર્ણ નાશ ન કર્યો.
13 આમ, રહાબઆમ રાજાએ યરૂશાલેમમાં બળવાન થઇને રાજ્ય કર્યુ. તે ગાદીએ આવ્યો અને ત્યારે તેની ઉંમર 41 વર્ષની હતી. તેણે યહોવાએ ઇસ્રાએલના બધા કુળસમૂહોના પ્રદેશોમાંથી પોતાના નામની સ્થાપના માટે પસંદ કરેલા નગર યરૂશાલેમમાં 17 વર્ષ સુધી રાજ્ય કર્યુ. રહાબઆમની માતા આમ્મોનની હતી અને તેનું નામ નાઅમાહ હતું. 14 યહોવાની ભકિત સાચા હૃદયથી ન કરીને, રહાબઆમે ખોટું આચરણ કર્યુ.
15 રહાબઆમનાં અમલના બધા જ કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદૃો દ્રષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબઆમ અને યરોબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું. 16 રહાબઆમ પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International