Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 2-5

મંદિરના બાંધકામનું આયોજન

સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો. તેણે 70,000 લોકોને હમાલ તરીકે સામાન ઊંચકવા માટે, 80,000 માણસોને પર્વતોમાં પથ્થરો કાપવા માટે તથા 3,600 લોકોને તેઓના ઉપર દેખરેખ રાખવા મુકાદમો તરીકે રાખ્યા.

ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે,

“તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું. અત્યારે હું મારા દેવ યહોવા માટે મંદિર બાંધવા માંગુ છું, જ્યાં તેની સમક્ષ નિત્ય ધૂપ થાય, નિત્ય એની સામે રોટલી અપિર્ત થતી રહે, વિશ્રામવારોએ, અમાસને દિવસે અને અમારા દેવ યહોવા દ્વારા ઠરાવાયેલા બીજા ઉત્સવોને દિવસે સવારેને સાંજે દહનાર્પણ અપાય, કારણકે ઇસ્રાએલને માથે એ કાયમી ફરજ છે.

“હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે. પરંતુ તેમને માટે યોગ્ય નિવાસસ્થાન કોણ બાંધી શકે? અપાર ઊંચામાં ઊંચું આકાશ પણ તેને સમાવી શકતું નથી. તો પછી હું કોણ કે તેને માટે મંદિર બાંધું? એ તો માત્ર તેની સમક્ષ ધૂપ કરીને તેમનું ભજન કરવાનું સ્થાન જ બનશે.

“તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણાંત કારીગરોને મોકલી આપો. વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે. તેઓને સહાય કરવા માટે હું મારા માણસો મોકલી આપીશ. હું જે મંદિર બાંધુ છું તે માટે પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું જોઇશે કારણકે તે મંદિર બહુ જ મોટું અને અતિ ભવ્ય બનશે. 10 તમારા વૃક્ષો પાડનારા માણસો માટે હું 1,25,000 બુશેલ ઘઉં, 1,25,000 બુશેલ જવ, 1,15,000 ગેલન દ્રાક્ષારસ અને 1,15,000 ગેલન તેલ મોકલીશ.”

11 તૂરના રાજા હૂરામે રાજા સુલેમાનને પત્ર દ્વારા નીચેનો જવાબ મોકલ્યો,

“યહોવાને તેના લોકો માટે પ્રેમ છે માટે તેણે આપને તેમના રાજા બનાવ્યા છે.” 12 હૂરામે વધુમાં લખ્યું છે, “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે, અને રાજા દાઉદને જ્ઞાની, બુદ્ધિશાળી અને સમજુ પુત્ર આપ્યો છે, જે યહોવાને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બંધાવનાર છે. 13 હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે. 14 એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. એ સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, એ બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત એ કોતરી શકે છે. એ મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે.

15 “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો. 16 અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.”

17 સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ. 18 તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને આ લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા.

મંદિરના બાંધકામનો પ્રારંભ

સુલેમાને યહોવાનું મંદિર બાંધવાની શરૂઆત કરી, જ્યા એના પિતા દાઉદને મોરિયા પર્વત પર યહોવાએ દર્શન આપ્યા હતા. એ જગ્યા યબૂસી ઓર્નાન ઘઉં ઝૂડવાની ખળી ઉપર હતી. સુલેમાન બાંધકામ શરૂ કરે તે પહેલા દાઉદે તે જગ્યા તૈયાર કરી હતી. સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.

હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો. મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. મંદિરની અંદરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાંથી જડી દીધેલી હતી અને તેમને શુદ્ધ સોનાથી મઢી દીધી હતી અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરેલી હતી. તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું. તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.

મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ 20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું. સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં. 10 તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા. 11 એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ, 5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી. 12 એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી 13 આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં.

14 તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.

15 મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા, 16 તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં. 17 એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.

હૂરામનું કાર્ય અને મંદિર માટેની સામગ્રી

ત્યારબાદ તેણે કાંસામાંથી 20 હાથ લાંબી, 20 હાથ પહોળી અને 10 હાથ ઊંચી વેદી બનાવડાવી. તેણે ઢાળેલી ધાતુનો હોજ પણ કરાવ્યો. એનો આકાર ગોળ હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. એ 5 હાથ ઊંચો હતો અને તેનો પરિઘ 30 હાથનો હતો. એ હોજની ફરતે બહારની બાજુએ બળદના પૂતાળાની બે હારમાળા હતી, દરેક તેના પરિઘમાં દસ હાથ ગોળ હતી. જે હોજની સાથે જ ઢાળેલી હતી. એ હોજ બાર બળદની પ્રતિમા ઉપર ગોઠવેલો હતો. ત્રણના મોંઢા ઉત્તર તરફ અને ત્રણના મોંઢા પૂર્વ અને ત્રણના મોંઢા પશ્ચિમ અને ત્રણના મોંઢા દક્ષિણ તરફ હતા. તેમની પૂછડીઓ અંદરના ભાગમાં હતી. હોજ એ બળદો પર બેસાડેલો હતો. એની જાડાઇ ત્રણ ઇંચ હતી. અને તેનો આકાર ખીલેલાં કમળ જેવો હતો. તેમાં 17,500 ગેલન પાણી સમાતું હતું.

એ કુંડ યાજકોને હાથપગ ધોવા માટે કરાવ્યો હતો. તેણે દહનાર્પણના પશુને ધોવા માટે દસ કૂંડીઓ કરાવી અને પાંચ ડાબી બાજુએ અને પાંચ જમણી બાજુએ મૂકાવી.

સુલેમાને, આ દીપવૃક્ષ માટે બનાવેલી યોજના અનુસાર, સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને પછી તેણે આ દીપવૃક્ષો મંદિરમાં અંદર મૂકાવ્યાં; પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ. સુલેમાને 10 મેજ બનાવીને મંદિરમાં મૂકાવ્યાં. એણે મંદિરમાં 5 મેજ જમણી બાજુએ અને 5 મેજ ડાબી બાજુએ મૂક્યા. વળી તેણે સોનાના 100 કટોરા બનાવ્યાં. તેણે યાજકો માટે અલગ ચોક કરાવ્યો, એણે સામાન્ય લોકો માટે એક મોટું પ્રાંગણ બનાવ્યું. તેના દરવાજા ત્રાંબાથી મઢેલા હતાં. 10 યાજકો માટેનો મોટો કાંસાનો હોજ મંદિરના બહારના ભાગમાં અગ્નિ ખૂણામાં મૂકવામાં આવ્યો હતો.

11 હૂરામે કૂંડા, પાવડા અને ડોયા પણ બનાવ્યાં. આ રીતે તેણે દેવના મંદિરમાં રાજા સુલેમાન તરફથી માથે લીધેલું મંદિરનું બધું કામ પૂરું કર્યું. 12 એટલે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપર બે કળશ, તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ, 13 અને એ બે જાળીને માટે 400 દાડમ; એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી. 14 તેણે ઘોડીઓ બનાવી અને તેના ઉપર કટોરાઓ મૂક્યાં. 15 એક કુંડ અને એને જેના પર મૂક્યો હતો એ બાર બળદો. 16 રાખ માટેના કૂંડા, પાવડીઓ અને ચીપિયા. 17 આ બધી વસ્તુઓ, મુખ્ય કારીગર હૂરામે, યહોવાના મંદિર માટે, રાજા સુલેમાન તરફથી અપાયેલા કાંસામાંથી બનાવી. આ બધું તેણે સુકકોથ અને સરેદાહની વચ્ચેની યર્દન નદીની ખીણમાં માટીનાં બીબા વાપરીને બનાવ્યું હતું. 18 સુલેમાને એ વસ્તુઓ મોટા જથ્થામાં બનાવી, અને એમાં વપરાયેલા કાંસાના વજનનો કોઇ હિસાબ નહોતો.

19 તદુપરાંત સુલેમાને દેવના મંદિર માટે બીજા સાધનો પણ બનાવડાવ્યાં; સોનાની વેદી, અને રોટલી ધરાવવાનો સોનાનો બાજઠ. 20 યજ્ઞવેદી આગળ મૂકવા માટેનું દીપવૃક્ષ જેનાં શુદ્ધ સોનામાંથી બનાવેલી દીવીઓમાં અખંડ જ્યોત બળતી હોય. 21 શુદ્ધ સોનાનાં ફૂલ, કોડિયાં, ચીપિયા, 22 દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ-આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા.

યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમર્પિત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી.

કરારકોશની મંદિરમાં સ્થાપના

ત્યારબાદ સુલેમાને, યહોવાના કરારકોશને સિયોનમાંથી લઇ આવવા માટે, ઇસ્રાએલના બધા આગેવાનોને બધા કુળસમૂહોના અને કુટુંબોના વડીલોને બોલાવ્યા. ઇસ્રાએલના સર્વ પુરુષો એથાનિમ એટલે કે સાતમા મહિનામાં માંડવાપર્વને ટાણે રાજા સમક્ષ ભેગા થયા.

ઇસ્રાએલના સર્વ વડીલો આવી ગયા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો. લેવીઓ તથા યાજકો કરારકોશને અને મુલાકાતમંડપને તેમાની બધી પવિત્ર સાધનસામગ્રી સહિત ઉપાડી મંદિરે લઇ ગયા. રાજા સુલેમાને અને ભેગા થયેલા આખા ઇસ્રાએલી સમાજે કરારકોશ સમક્ષ ગણ્યાં ગણાય નહિ એટલા ઘેટાં અને બળદોની આહુતિ ચઢાવી. ત્યારબાદ યાજકો યહોવાના કરારકોશને તેને સ્થાને ગર્ભગૃહમાં લઇ આવ્યાં એટલેકે પરમપવિત્રસ્થાનમાં કરૂબ દેવદૂતોની પાંખો નીચે. કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી. કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં જ છે. 10 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.

11 બધા યાજકોએ પોતાને વિશુદ્ધ કર્યા હતાં જ્યારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેઓ સાથે ઉભા હતાં પણ હમેશ મુજબના સમૂહમાં ન હતાં. 12 તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા. 13 વાજિંત્રો વગાડનારા અને ગીત ગાનારા એક સૂરે યહોવાની આરાધના કરતા હતા. અને આભાર માનતા હતા. તેઓના ગીતો સાથે રણશિંગડા, ઝાંઝ, અને અન્ય વાજિંત્રોનો મોટો અવાજ દૂર સુધી ફેલાતો હતો. તેઓ સર્વ પણ યહોવાની સ્તુતિ કરતા હતા, અને આભાર માનતા હતા:

“દેવ ઉત્તમ છે!
    તેમનો પ્રેમ સર્વકાળ ટકે છે.”

14 તે જ સમયે તેજસ્વી વાદળરૂપે યહોવાનું ગૌરવ ઉતરી આવ્યું. અને મંદિર તેનાથી ભરાઇ ગયું, તેથી યાજકો સેવા કરવા માટે મંદિરમાં ઊભા રહી શક્યાં નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International