Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 22-24

22 પછી દાઉદે કહ્યું, “આ યહોવાનું મંદિર છે અને આ ઇસ્રાએલ માટેની દહાનાર્પણની વેદી છે.”

મંદિરના બાંધકામની તૈયારી

દાઉદે ઇસ્રાએલ રહેતા બધા વિદેશીઓને ભેગા કરવાનો હુકમ આપ્યો. અને તેમને દેવનું મંદિર બાંધવા માટે પથ્થરો ઘડવા સલાટ તરીકે કામે લગાડી દીધા. તેણે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યુ અને જોખ્યું જોખાય નહિ એટલું કાંસુ, અને પાર વગરનું દેવદારનું લાકડું પણ ભેગું કર્યું. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે પુષ્કળ દેવદારનુ લાકડું લઇ આવ્યા હતા.

દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.

પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવી, ઇસ્રાયેલના દેવ યહોવા માટે એક મંદિર બાંધવાની આજ્ઞા કરી. તેણે કહ્યું, “પુત્ર મેં યહોવા દેવને માટે મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો. પણ યહોવાએ મને કહ્યું, ‘તે મારા દેખતાં પુષ્કળ ખૂનરેજી કરી છે અને મોટાં યુદ્ધો કર્યા છે, એટલે તારે મારા માટે મંદિર બાંધવાનું નથી; પણ તને એક પુત્ર થશે; તે શાંતિપૂર્વક રાજ્ય કરશે, કારણકે આસપાસના શત્રુ દેશો તરફથી હું તેને સુરક્ષિત બનાવીશ. તેને સુલેમાન નામ અપાશે અને તેના રાજ્યકાળ દરમ્યાન ઇસ્રાએલ શાંતિ અનુભવશે. 10 તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઇશ, અને હું ઇસ્રાએલમાં તેનું શાસન કાયમ કરીશ.’

11 “હવે, પુત્ર સુલેમાન, ભલે તમારા દેવ યહોવા તને સહાય કરે અને તેણે કહ્યા પ્રમાણે એમનું મંદિર બાંધવામા તને સફળતા મળે તે માટે આશીર્વાદ આપે. 12 તારા દેવ યહોવા તને શાણપણ અને વિવેકબુદ્ધિ આપે જેથી તે તને ઇસ્રાયેલમાં રાજ્યસત્તા આપે ત્યારે તું એના નિયમ મુજબ રાજ્ય ચલાવે. 13 યહોવાએ ઇસ્રાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો જણાવેલાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે તો જ તું સફળ થશે. બળવાન થજે, મક્કમ રહેજે. હિંમત હારીશ નહિ કે ગભરાઇશ નહિ.

14 “મેં પુષ્કળ મહેનત કરીને યહોવાના મંદિર માટે 3,750 ટન સોનું, 37,500 ટન ચાંદી, અને જોખ્યું જોખાય નહિ તેટલું કાંસુ અને લોઢું એકઠાં કર્યા છે. લાકડાં અને પથ્થર પણ મેં ભેગા કર્યા છે, પણ તારે થોડા વધારે એકઠાં કરવા પડશે. 15 તારી પાસે પુષ્કળ કારીગરો છે, સલાટો, કડીયાઓ, સુથારો 16 અને સોનાચાંદીના અને કાંસાના તથા લોઢાના બધી જાતના કામમાં અસંખ્ય કારીગરો પણ છે. માટે હવે કામ શરૂ કરી દે અને યહોવા તને સહાય કરો.”

17 પછી દાઉદે ઇસ્રાએલના સર્વ આગેવાનોને આજ્ઞા કરી કે તેઓ તેના પુત્રને આ કાર્યમાં મદદ કરે. 18 વળી તેણે કહ્યું, “યહોવા તમારા દેવ તમારી સાથે છે. આસપાસની પ્રજાઓ સાથે તેમણે તમને શાંતિ આપી છે, કારણકે યહોવાના નામમાં અને તેમના લોકોને માટે મેં તેઓ પર જીત મેળવી છે. 19 આથી હવે પૂરા હૃદયથી યહોવા, તમારા દેવના હૂકમોને પાળો. ઊભા થાવ અને યહોવા આપણા દેવ માટે પવિત્રસ્થાન બનાવો. ટૂંક સમયમાં તમે યહોવાના કરારકોશને અને દેવના પવિત્ર વાસણોને મંદિરમાં લાવશો જે યહોવાને નામે સમર્પિત કરવામાં આવશે.”

લેવીઓની ફરજો

23 હવે દાઉદ ઘણો વૃદ્ધ થયો હતો તેથી તેણે તેના પુત્ર સુલેમાન પાસે ઇસ્રાએલના રાજા તરીકે રાજ્ય કરવાનું શરૂ કરાવ્યું. દાઉદે ઇસ્રાએલના બધા આગેવાનોને, યાજકોને અને લેવીઓને બોલાવ્યા. ત્રીસ વર્ષના અને તેની ઉપરના લેવીઓની ગણતરી કરવામાં આવી તો પુરુષોની સંખ્યા 38,000 થઇ. “એમાંના 24,000 ને યહોવાના મંદિરની સેવા સોંપવામાં આવી. 6,000 ને અમલદારો અને ન્યાયાધીશો નીમવામાં આવ્યા. ચાર હજારને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યા અને 4,000ને દાઉદે બનાવેલા વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ ગાવા માટે નિયુકત કરવામાં આવ્યા.”

પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.

ગેશોર્નનું કુલસમૂહ

ગેશોર્નના પુત્રો હતા: લાઅદાન અને શિમઇ. લાઅદાનના પુત્રો: પહેલો યહીયેલ પછી ઝેથામ અને યોએલ, એમ કુલ ત્રણ. એ લોકો લાઅદાનના વંશજોનાં કુટુંબોના વડા હતા. શિમઇને ત્રણ પુત્રો હતા: શલોમોથ, હઝીએલ, અને હારાન.

10 શલોમોથને ચાર પુત્રો હતા: યાહાથ, ઝીઝાહ, યેઉશ, અને બરીઆહ. 11 યાહાથ જ્યેષ્ઠ હતો અને ઝીઝાહ બીજો હતો; યાહાથ અને બરીઆહને ઘણા પુત્રો ન હતા તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.

કોહાથનું કુલસમૂહ

12 કેહાથના ચાર પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ. 13 આમ્રામનાપુત્રો: હારુન અને મૂસા. હારુનને અને તેના વંશજોને કાયમને માટે જુદા પાડવામાં આવ્યા હતા. તેમણે ઉપાસનાની સાધનસામગ્રી સંભાળવાની હતી, યહોવા આગળ ધૂપ કરવાનો હતો, તેની યાજક તરીકે સેવા કરવાની હતી, અને તેને નામે આશીર્વાદ આપવાના હતા.

14 દેવના સેવક મૂસાના વંશજોને લેવીઓમાં ગણવામાં આવ્યા હતા. 15 મૂસાને બે પુત્રો હતા: ગેશોર્મ અને એલીએઝેર, 16 ગેશોર્મનો સૌથી મોટો પુત્ર હતો; શબુએલ, 17 એલીએઝરનો સૌથી મોટો પુત્ર રહાબ્યા; એલીએઝેરને બીજા પુત્રો ન હતા, પણ રહાબ્યાને ઘણા હતા.

18 યિસ્હારનો સૌથી મોટો પુત્ર શલોમીથ.

19 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ.

20 ઉઝઝીએલના પુત્રો: સૌથી મોટો મીખાહ અને બીજો યિશ્શિયા.

મરારીનું કુલસમૂહ

21 મરારીના પુત્રો: માહલી અને મૂશી. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. 22 એલઆઝાર મરી ગયો ત્યારે તેને કોઇ પુત્ર નહોતો. બધી પુત્રીઓ જ હતી. તેના ભાઇ કીશના પુત્રો તેમને પરણ્યા. 23 મૂશીને ત્રણ પુત્રો હતા; માહલી, એદેર અને યરેમોથ.

લેવીના કામ

24 લેવીના વંશજોના વીસ વર્ષ અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી કરીને પર પ્રમાણે વિભાગો અને પેટાવિભાગોમાં તેઓનું વગીર્કરણ કરવામાં આવ્યું. યહોવાના મંદિરમાં જુદી જુદી સેવાઓ માટે તેઓને નિયુકત કરવામાં આવ્યાં.

25 દાઉદે કહ્યું, “ઇસ્રાએલના યહોવા દેવે આપણને શાંતિ બક્ષી છે. યહોવા હંમેશા યરૂશાલેમમાં નિવાસ કરશે. 26 હવે લેવીઓને પવિત્ર મંડપ અને તેની સામગ્રીને લઇને એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાની જરૂર પડશે નહિ.”

27 મૃત્યુ પહેલા દાઉદે જે છેલ્લું કામ કર્યુ તે જે વીસ વરસ કે તેથી વધારે ઉમર વાળા હતા. લેવીના કુલસમૂહના વંશજોની ગણતરી કરી.

28 લેવીઓને સોંપાયેલા કામ; યાજકોને એટલે હારુનના વંશજોને મંદિરમાં બલિદાનની વિધિમાં મદદ કરવી. આંગણાઓની તેમજ ઓરડાઓની જવાબદારી યહોવાના પવિત્ર મંદિરમાંની પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં મદદ કરવી. 29 દેવને ધરાવેલી રોટલી માટે, ખાદ્યાર્પણ માટેના લોટ માટે, ખમીર વગરની રોટલી માટે, શેકેલા ખાદ્યાર્પણ માટે તેલથી મોયેલા લોટ માટે તેમજ મંદિરમાં ધરાવેલી વસ્તુઓના વજન અને માપ માટે તેઓ જ જવાબદાર હતા. 30 વળી, તેમણે જ દરરોજ સવારે અને સાંજે યહોવાના ભજન-કીર્તન કરવાનાં હતા. 31 વિશ્રામવાર, ચંદ્ર દર્શન અને અન્ય તેહવારોને દિવસે યહોવાને દહનાર્પણો ચઢાવતી વખતે તેમણે ઠરાવેલી સંખ્યામાં સતત યહોવાની સેવામાં મદદમાં રહેવાનું હતું. 32 લેવીઓએ મુલાકાત મંડપની અને પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. તેઓ તેમના હારુનવંશી સંબંધીઓને યહોવાનાં મંદિરની સંભાળ રાખવામાં મદદ કરવાની હતી.

યાજકોની ફરજો

24 હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર. નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા એ દરમ્યાન જ નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા. દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા. એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો. બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.

નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.

પહેલું સમૂહ યહોયારીબનું હતું;

બીજુ સમૂહ યદાયાનું હતું;

ત્રીજું સમૂહ હારીમનું હતું;

ચોથું સમૂહ સેઓરીમનું હતું;

પાંચમું સમૂહ માલ્કિયાનું હતું;

છઠ્ઠું સમૂહ મીયામીનનું હતું;

10 સાતમું સમૂહ હાક્કોસનું હતું;

આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;

11 નવમું સમૂહ યેશૂઆનું હતું;

દસમું સમૂહ શખાન્યાનું હતું;

12 અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું;

બારમું સમૂહ યાકીમનું હતું;

13 તેરમું સમૂહ હુપ્પાહનું હતું;

ચૌદમું સમૂહ યેશેબઆબનું હતું;

14 પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું,

સોળમું સમૂહ ઇમ્મેરનું હતું;

15 સત્તરમું સમૂહ હેઝીરનું હતું;

અઢારમું સમૂહ હાપ્પિસ્સેસનું હતું;

16 ઓગણીસમું સમૂહ પથાહ્યાનું હતું;

વીસમું સમૂહ યહેઝકેલનું હતું;

17 એકવીસમું સમૂહ યાખીનનું હતું;

બાવીસમુઁ સમૂહ ગામૂલનું હતું;

18 ત્રેવીસમું સમૂહ દલાયાનું હતું;

ચોવીસમું સમૂહ માઆઝયાનીનું હતું.

19 આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.

બાકીના લેવીઓ

20 લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે:

આમ્રામનો વંશજ શુબાએલ

અને શુબાએલનો વંશજ યહદયા;

21 રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;

22 યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;

23 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા,

બીજો અમાર્યા,

ત્રીજો યાહઝીએલ અને

ચોથો યકામઆમ;

24 ઉઝઝીયેલના વંશજ

મીખાહનો પુત્ર શામીર;

25 મીખાહનો ભાઇ યિશ્શિયા,

યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા;

26 મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,

27 મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.

28 માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.

29 કીશનો યરાહમએલ.

30 મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ.

આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા. 31 બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International