Beginning
આશ્શૂર એક કેદાર વૃક્ષની જેમ છે
31 યહોયાકીન રાજાને બંદીવાન થયાને અગિયારમે વર્ષે ત્રીજા માસની મધ્યમાં યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: 2 “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના સર્વ લોકોને તું કહે:
“‘તારા જેવો મહાન
અને વૈભવી બીજો કોણ છે?
3 તું બાબિલના સુંદર ઘટાદાર શાખાઓવાળા કેદારવૃક્ષ સમો છે.
તારો છાંયો ખૂબ વિશાળ છે અને તું એટલો ઉંચો છે કે
તું વાદળાને અડકે છે.
4 વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે.
પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે.
તેના રોપાઓની આસપાસ
નદીઓ વહેતી હતી;
અને તેના વહેણાંથી વનમાંના
સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.
5 પુષ્કળ પાણીને લીધે જંગલના બીજા
સર્વ વૃક્ષો કરતાં તે ઊંચું થયું
અને તેની ડાળીઓ ભરાવદાર
અને પુષ્કળ થઇ.
6 દરેક જાતના પંખીઓએ
તેમાં માળા બાંધ્યા,
એની છાયામાં બધાં જંગલી પશુઓએ
બચ્ચાંને જન્મ આપ્યાં
અને અસંખ્ય પ્રજાઓએ
એની છાયામાં વિશ્રામ કર્યો.
7 એ વૃક્ષ સુંદર અને મજબૂત હતું.
અને તેની ડાળીઓ વિસ્તરેલી હતી,
કારણ કે તેનાં મૂળ પાણી
સુધી ઊંડા પહોંચેલા હતા.
8 દેવના ઉદ્યાનનું કોઇ પણ દેવદાર વૃક્ષ
તેની બરાબરી કરી શકતું નહોતું, કોઇ પણ સરુના
કે ચિનારના વૃક્ષને એના જેવી શાખા નહોતી,
મેદાનના કોઇ પણ વૃક્ષોને
તેની સુંદરતા સાથે સરખાવી ન શકાય.
દેવના ઉદ્યાનનું કોઇ પણ વૃક્ષ તેની બરોબરી ન કરી શકે.
9 મેં યહોવાએ, તેને ઘટાદાર
અને વિશાળ ડાળીઓ આપીને જે શોભા આપી હતી
તેથી એદેનવાડીના બીજાં
વૃક્ષો તેની ઇર્ષા કરતા.’”
10 તેથી હવે હું, યહોવા મારા માલિક, આ પ્રમાણે કહું છું: “એ વૃક્ષ વધતું વધતું વાદળને અડે એટલું ઊંચું થયું, પણ એ જેમ જેમ ઊંચું થતું ગયું તેમ તેમ એનો ગર્વ વધતો ગયો. 11 તેથી મેં તેને પ્રજાઓમાં જે પરાક્રમી રાજા છે તેના હાથમાં સોંપી દીધું છે. તે તેની દુષ્ટતાની તેને યોગ્ય શિક્ષા કરશે. મેં પોતે તેને ફેંકી દીધું છે. 12 પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે. 13 પક્ષીઓ તેના તૂટી ગયેલા થડ પર બેસશે અને વન્ય પશુઓ તેની ડાળીઓ પર સૂઇ જશે.
14 “તેથી કરીને હવે પછી કોઇ પણ વૃક્ષ, તેને ભરપુર પાણી મળ્યું હશે તોયે, એટલું ઊંચું નહિ વધે કે વાદળને અડી શકે. બધાં જ વૃક્ષો ર્મત્ય માનવીની જેમ મરવાને સજાર્યા છે. અને જેઓ ઊંડી ખીણમાં નીચે જાય છે અને જેઓ બીજી દુનિયામાં વસે છે તેમને જઇ મળશે.”
15 યહોવા મારા માલિક કહે છે: “જ્યારે તેનું પતન થયું, અને જ્યારે તે નીચે મૃત્યુની જગ્યાએ (શેઓલ) ઊતરી ગયું ત્યારે મેં સમુદ્રો પાસે તેને માટે શોક પળાવ્યો અને તેઓના પ્રવાહોને રોક્યા. તેથી લબાનોનના સર્વ વૃક્ષો મૂચ્છિર્ત થઇ ગયા. 16 તેના પડવાના અવાજથી પ્રજાઓ ભયભીત થઇને થથરી ગઇ, કારણ કે કબરમાં જનારાઓ સાથે મેં તેને પણ કબરમાં ધકેલી દીધું, એદનવાડીના બીજાં ગવિર્ષ્ઠ વૃક્ષો અને લબાનોનના પસંદગી પામેલા શ્રેષ્ઠ વૃક્ષો તેને પોતાની વચ્ચે કબરમાં જોઇને દિલાસો પામ્યાં. 17 તેની છાયામાં વસતી બધી પ્રજાઓ પણ, પહેલા જેઓ કપાઇ ગયા હતા તેમની વચ્ચે શેઓલમાં પહોંચી જશે.
18 “એ વૃક્ષ એટલે મિસરનો રાજા અને તેની વિશાળ સેના. એદનમાંના વૃક્ષો પણ એટલાં ઊંચા કે ભવ્ય નહોતાં. પણ અત્યારે હવે એદનમાંના વૃક્ષોની જેમ એ કબરમાં પહોંચી જશે.
“અને યુદ્ધમાં ખપી ગયેલા દુષ્ટો સાથે પોઢી જશે.” આ યહોવા મારા માલિકના વચન છે.
ફારુન: એક સિંહ અથવા દૈત્ય?
32 યહોયાકીન રાજાને બંદીવાન થવાને બારમે વરસે બારમા મહનિના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન માટે વિલાપ ગીત ગા અને તેને કહે કે:
“‘તું પોતાને પ્રજાઓનો સિંહ માને છે,
પણ તું છે પાણીમાંના મગર જેવો.
તું નદીનું પાણી ચારેબાજુ ઉડાડે છે,
તારા પગથી પાણી અશુદ્ધ કરી નાખે છે
અને નદીના પાણી દૂષિત કરે છે.’”
3 યહોવા મારા માલિક કહે છે:
“તને મારી જાળમાં પકડી લેવા માટે હું
ઘણી પ્રજાઓનું સૈન્ય મોકલીશ,
તેઓ તને ખેંચી લાવશે,
4 હું તને ખુલ્લી જમીન પર પછાડીશ
અને ભલે પશુપંખીઓ તારી પર આવે,
બધાં પ્રાણીઓને તેઓ ધરાઇ જાય
ત્યાં સુધી તારું માંસ ખાવા દઇશ.
5 હું ટેકરીઓને તારા માંસના ટુકડાઓથી ઢાંકી દઇશ
અને ખીણોને તારા હાડકાથી ભરી દઇશ.
6 તારા લોહીથી હું ધરતીને તર કરી દઇશ.
તારા લોહીથી પર્વતો છંટાઇ જશે
અને નદીનાળા ઊભરાઇ જશે.
7 જ્યારે હું તને હોલવી દઇશ ત્યારે હું આકાશને ઢાંકી દઇશ,
અને તારાઓને અંધકારમય કરી નાખીશ.
હું સૂર્યને વાદળોથી ઢાંકી દઇશ અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.
8 હું આકાશના બધા નક્ષત્રોને અંધકારમાં ડુબાડી દઇશ
અને તારા આખા દેશમાં અંધકાર ફેલાવી દઇશ.”
આ યહોવા મારા માલિકના વચન છે.
9 “અને હું ઘણા દેશોને ક્રોધિત કરીશ; જ્યારે હું તારા ટુકડાઓને એવા ભૂમિ પ્રદેશોમાં નાંખી દઇશ, જેના વિષે તું હજી જાણતો નથી. 10 તારા હાલ જોઇને તેઓ આઘાત પામશે. તેમના રાજાઓ પોતાની સામે મારી તરવારને ઘૂમતી જોઇ ભયભીત થઇ જશે. તારા પતનના દિવસે તેઓ બધા પોતાનો જીવ જવાના ભયથી થથરી જશે.”
11 કારણ કે યહોવા મારા માલિક કહે છે; “બાબિલના રાજાની તરવાર તારો પીછો પકડશે. 12 હું બાબિલના રાજાના અતિ હિંસક વિશાળ સૈન્ય દ્વારા તારો વિનાશ કરીશ, અને તેઓ મિસરની મિલકતને લૂંટી લેશે. અને આખી સેનાનો નાશ કરી નાખશે. 13 તારી નદીઓ પાસે ચરનાર તારાં સર્વ ઘેટાંબકરાં અને ઢોરઢાંખરનો હું નાશ કરીશ. કોઇ માણસ કે પશુ જીવતા નહિ હોય કે જે તે પાણીને ડહોળે. 14 હું તારા બધાં જળાશયોને ઠરીને સ્વચ્છ થવા દઇશ અને તારી નદીઓને જૈતૂનના તેલની જેમ શાંતપણે વહેતી કરીશ.” યહોવા મારા માલિકે આ કહ્યું. 15 “જ્યારે હું મિસરને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ અને ત્યાંની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.
16 “મિસરના દુ:ખોને લીધે તેઓ વિલાપ ગીતો ગાશે. મિસર અને તેની પ્રજા માટે રાષ્ટ્રોની દીકરીઓ મરશિયા ગાશે.” આ યહોવા મારા માલિકના વચન છે.
મિસરનું નાશ પામવું
17 ત્યાર બાદ બારમા વર્ષમાં મહિનાના પંદરમાં દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, મિસરની સમગ્ર સેના માટે શોક કર. શેઓલમાં નીચે ઉતરતાં બીજા મજબૂત લોકોની સાથે તું તેઓને નરકમાં મોકલી આપ.”
19 તેને કહે, “હે મિસર, તું સૌદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે? નીચે ઉતરી જા, અને બેસુન્નતોની કબરમાં જઇને પોઢી જા.
20 “મિસરને તરવારને સુપ્રત કરવામાં આવશે. તે અને તેની સમગ્ર સેના યુદ્ધમાં મરી ગયેલાઓ વચ્ચે પહોંચી જશે.
21 “જ્યારે તે પોતાના સર્વ મિત્રો સાથે કબરમાં જશે ત્યારે પરાક્રમી યોદ્ધાઓ ત્યાં તેઓનું સ્વાગત કરશે. જે પ્રજાઓનો તેણે ધિક્કાર કર્યો હતો તેઓની સાથે તે રહેશે. એ બધા તરવારથી માર્યા ગયેલાઓ છે.
22 “આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે. તેની આસપાસ તેના સર્વ લોકોની કબરો આવેલી છે. તે સર્વ તરવારથી માર્યા ગયા હતા. 23 તેઓની કબરો નીચે નરકમાં છે અને તેઓના સૈન્યની કબરો ત્યાં ચારે તરફ છે. લોકોને ત્રાસ પમાડનાર પોતે જ શત્રુઓના હાથે મૃત્યુ પામ્યા છે.
24 “એલામના મહાન રાજાઓ પણ ત્યાં પોતાના લોકોની સાથે મૃત્યુ પામેલા છે. તેઓ જીવતા હતા ત્યારે પ્રજાઓ માટે ત્રાસદાયક હતા. પરંતુ હવે તેઓ નરકમાં સબડે છે કબરમાં ઊતરી જનાર સામાન્ય માણસોની જેમ તેઓ લજ્જિત થયા છે. 25 એલામ યુદ્ધમાં માર્યા ગયેલાઓની વચમાં પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના યોદ્ધાઓની કબરો આવેલી છે. એ બધા વિશ્વાસઘાતી લોકો યુદ્ધમાં માર્યા ગયા હતા. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે બધાને ભયથી થથરાવી મૂકતા હતા. પણ અત્યારે તો તેઓ પોતાની લજ્જાની સાથે નરકમાં જઇને પડ્યાં છે, અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની દશા ભોગવે છે.
26 “મેશેખ અને તુબાલના રાજાઓ પણ ત્યાં છે અને તેઓની આસપાસ તેઓનાં સૈન્યોની કબરો છે. તેઓ બધા દુષ્ટો છે. એ વખતે બધા લોકોને તેઓ કંપાવતા હતા, પણ હવે તેઓ મરેલા પડ્યા છે. 27 પરંતુ પ્રાચીનકાળમાં રાજાઓને શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની ઢાલ તેમના શરીર પર મૂકીને તથા તેમની તરવાર તેમના માથાં નીચે મૂકીને મહાન આદર સાથે તેઓને દફનાવવામાં આવતાં હતાં. પરંતુ તું આદર સાથે મૃત્યુ પામીશ નહિ, પરંતુ તારા પાપ તારા હાડકાં પર રહેશે, કારણ જ્યારે તું જીવતો હતો ત્યારે તેં લોકોને ખુબજ હેરાન કર્યા હતા.
28 “પરંતુ, તને પણ બેસુન્નતોની સાથે મૃત્યુલોકમાં નીચે લઇ જવાશે અને તારી કબર જેઓ યુદ્ધમાં માર્યા ગયા છે તેમની સાથે હશે.
29 “પોતાના રાજાઓ અને સેનાપતિઓ સહિત ત્યાં અદોમ પણ છે. એ બધા બળવાન યોદ્ધાઓ હતા. પરંતુ અત્યારે એ દુષ્ટો યુદ્ધમાં માર્યા ગયેલાઓ ભેગા પોઢયા છે.
30 “ઉત્તરના સર્વ સરદારો ત્યાં છે, સર્વ સિદોનીઓની હત્યા થઇ છે. એક વખત તેઓ લોકોને કંપાવતા હતા, પણ અત્યારે તેઓ લજ્જિત થઇને મૃત્યુ પામ્યા છે. બીજા હત્યા થયેલા દુષ્ટોની સાથે તેઓ અપમાનિત થઇને દુષ્ટોની સ્થિતિમાં જ પૃથ્વીના ઊંડાણમાં પડ્યા છે.
31 “મિસરનો રાજા ફારુન એમને બધાને જોઇને યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સંખ્યાબંધ માણસોનાં મૃત્યુનો શોક ભૂલી જશે અને આશ્વાસન પામશે. એમ યહોવા મારા માલિક કહે છે.
32 “પ્રજાઓમાં ત્રાસ ફેલાવવા માટે મેં તેનો ઉપયોગ કર્યો હતો, છતાં તરવારથી હત્યા થયેલા સર્વ વિશ્વાસઘાતીઓ સાથે ફારુન અને તેના સૈન્યને પણ તરવારથી હણી કાઢવામાં આવશે.” એમ યહોવા મારા માલિક કહે છે.
લોકો માટે યહોવાનો ચોકીદાર હઝકિયેલ
33 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્ય પુત્ર, તું તારા દેશબંધુઓને જઇને આ જણાવ; ‘જ્યારે હું, યહોવા, કોઇ દેશ સામે લશ્કર મોકલું છું, ત્યારે ત્યાંના લોકો પોતામાંના એકજણને પસંદ કરીને સંત્રી તરીકે નીમે છે. 3 જ્યારે તે લશ્કરને દેશ પર ચઢી આવતું જુએ છે ત્યારે તે લોકોને ચેતવવા રણશિંગુ ફૂંકે છે. 4 રણશિંગાનો અવાજ સાંભળવાં છતાં જો કોઇ ચેતે નહિ અને લશ્કર આવીને તેને મારી નાખે તો તેની જવાબદારી તેની પોતાની છે. 5 કારણ કે તેણે રણશિંગાનો અવાજ સાંભળ્યો પણ તે ચેત્યો નહિ; જો ચેત્યો હોત તો બચી ગયો હોત.
6 “‘પણ લશ્કરને આવતું જોઇને જો સંત્રી રણશિંગુ ન ફૂંકે અને લોકોને ન ચેતવે અને લશ્કર આવીને કોઇને મારી નાખે, તો તે પોતાને પાપે મર્યો હોવા છતાં હું એને માટે સંત્રીને જવાબદાર ઠેરવીશ.’
7 “હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલીઓનો સંત્રી નીમ્યો છે, જ્યારે જ્યારે તું મારી વાણી સાંભળે, ત્યારે ત્યારે મારા તરફથી તું તેમને ચેતવણી આપજે. 8 જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ. 9 પરંતુ જો તે ખોટો રસ્તો છોડી દેવાની તેને ચેતવણી આપી હોય છતાં તેણે તે નહિ છોડ્યો હોય; તો તે પોતાના પાપે મરશે પણ તું બચી જશે.
દેવ લોકોનો નાશ કરતા ન હતા
10 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલી લોકોને કહે કે તમે આ પ્રમાણે કહો છો: ‘અમારાં પાપોનો બોજ અમારા માથા પર વધી ગયો છે. અપરાધોને લીધે અમે ક્ષીણ થતા જઇએ છીએ, અમે શી રીતે જીવીશું?’
11 “તું એમને કહે કે, ‘હું યહોવા, મારા જીવના સમ ખાઇને કહું છું કે, દુષ્ટ માણસ મરી જાય એમાં મને આનંદ નથી આવતો. હું ઇચ્છું છું કે દુષ્ટ માણસ પોતાના ભૂંડા માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે, પાછા ફરો તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, હે ઇસ્રાએલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’
12 “હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓને કહે કે, ‘કોઇ પુણ્યશાળી માણસ પાપ કરે તો તેનું પુણ્ય તેને બચાવી નહિ શકે. જો કોઇ દુષ્ટ માણસ તેનો દુષ્ટ રસ્તો છોડી દે તો તેનાં કરેલા પાપો તેને પડવા નહિ દે, અને કોઇ પુણ્યશાળી માણસ પાપ કરવાનું શરૂ કરે તો તે જીવતો નહિ રહે.’
13 “હું કોઇ પુણ્યશાળી માણસને કહું કે, તું જીવશે, અને તે મારું પુણ્ય મને બચાવશે એમ માનીને પાપ કરે, તો તેનું કોઇ પુણ્ય સંભારવામાં નહિ આવે, પણ તેણે પાપ કર્યું એટલે તે મરવાનો જ.
14 “હું દુષ્ટ માણસને કહું કે તું મૃત્યુ પામશે, પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે યોગ્ય તથા ભલું છે તે કરે. 15 જો એ ગીરો રાખેલી વસ્તુ પાછી આપે, ચોરેલી વસ્તુ પાછી સોંપી દે અને કશું ખોટું ન કરતાં સાચા જીવનના નિયમો પાળે તો તે જરૂર જીવશે, મરશે નહિ, 16 એણે કરેલું કોઇ પણ પાપ સંભારવામાં નહિ આવે; કારણ કે તેણે નીતિમત્તા અને ન્યાયનો માર્ગ અનુસર્યો છે એટલે એ ચોક્કસ જીવશે.
17 “તેમ છતાં તારા દેશબંધુઓ કહે છે કે, ‘યહોવાનો વ્યવહાર ન્યાયી નથી.’
“પણ હકીકત એ છે કે તેઓનો પોતાનો વ્યવહાર ન્યાયી નથી. 18 હું ફરીથી કહું છું કે જો ન્યાયી માણસ પોતાના ન્યાયી કૃત્યો મૂકી દઇને ભૂંડાઇઓ તરફ વળશે તો તે મૃત્યુ પામશે. 19 પણ જો કોઇ પાપી માણસ પાપનો રસ્તો છોડીને નીતિમત્તા અને ન્યાયના માર્ગે ચાલે ત્યારે તેણે કરેલા સત્કર્મોને કારણે તે જીવશે. 20 છતાં તમે ઇસ્રાએલી લોકો કહો છો એ યહોવાનો વ્યવહાર ન્યાયી નથી, પરંતુ હું તમારામાંના દરેકનો ન્યાય તમારાં કામ પ્રમાણે કરીશ.”
યરૂશાલેમ લઇ લેવાયું
21 અમારા દેશવટાના બારમાં વરસમાં દશમાં મહિનાના પાચમા દિવસે યરૂશાલેમથી નાસી છૂટેલો એક માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું, “નગરનું પતન થયું છે.”
22 તે આવ્યો તે પહેલાની સાંજે મને યહોવાની શકિતનો અનુભવ થયો હતો અને સવારમાં તે મારી પાસે આવ્યો તે પહેલાં યહોવાએ મારું મોં ખોલી નાખ્યું હતું. મને વાચા પ્રાપ્ત થઇ ચૂકી હતી અને પછી હું મૂંગો નહોતો. 23 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું: 24 “હે મનુષ્યના પુત્ર, યહૂદાના બચી ગયેલા લોકો ખંડિયેર થયેલા નગરોમાં રહે છે. તેઓ એમ કહે છે, ‘ઇબ્રાહિમ એક જ માણસ હતો છતાં તેણે સમગ્ર દેશનો કબ્જો મેળવ્યો! અમે તો ઘણા છીએ, એટલે એ દેશ અમારો જ છે.’
25 “માટે તું તેઓને કહે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘તમે લોહીવાળું માંસ ખાઓ છો, મૂર્તિપૂજા કરો છો અને ખૂન કરો છો. છતાં શું તમે એમ માનો છો કે હું તમને દેશ પાછો આપીશ? 26 તમે તરવાર પર આધાર રાખો છો, ધૃણાસ્પદ રિવાજો પાળો છો, એકબીજાની સ્ત્રીઓ જોડે વ્યભિચાર કરો છો, છતાં તમે દેશનો કબજો તમારી પાસે રહે એમ ઇચ્છો છો!’
27 “‘તેઓને કહે; “યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, જેઓ ખંડિયેર નગરોમાં રહે છે, તેઓ સર્વ તરવારથી ચોક્કસ માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓ જંગલી પ્રાણીઓનું ભોજન બનશે, જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ રોગથી મૃત્યુ પામશે. 28 હું આ દેશને ઉજ્જડ કરીશ અને તેના અભિમાની સાર્મથ્યનો અંત આવશે. પર્વત પર વસાવેલા ઇસ્રાએલના નગરોને હું ઉજ્જડ કરીશ, જેથી કોઇ ત્યાંથી પસાર થશે નહિ. 29 તેમણે આચરેલા ધૃણાસ્પદ આચારોને કારણે હું દેશને વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ ત્યારે તે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”
30 “‘હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓ કોટની રાંગે અને ઘરના બારણા પાછળ તારે વિષે વાતો કરે છે; “ચાલો, યહોવાનો શો સંદેશો છે તે સાંભળીએ તો ખરા!” 31 એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે.
32 “‘તેઓ તારી સામે એવી રીતે જુએ છે, જાણે તું કોઇ સુંદર અવાજવાળો ગાયક હોય અથવા જાણે તું કોઇ કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય. તારા સંદેશાઓ તેમના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ તેઓ કરતા નથી, ને તેના તરફ ધ્યાન પણ આપતા નથી! 33 પરંતુ જ્યારે તમારાં વચનો સાચા પડશે અને ચોક્કસ તેમ થશે જ, ત્યારે તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક આવ્યો હતો.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International