Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
6 જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
હું ફકત યહોવામાં ભરોસો કરું છું;
7 યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ
તમે મારું સઘળું દુ:ખ જોયું છે,
મારા આત્માની વ્યથા નિહાળી છે.
8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી,
તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.
9 હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું,
મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ,
મારો પ્રાણ ક્ષીણ થાય છે.
10 મારા જીવનનો અંત આવે છે.
ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે.
મારા પાપોએ મારી શકિત હણી લીધી છે
અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.
11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે,
અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે.
મારા સબંધીઓને મારો ભય લાગે છે;
તેથી તેઓ મને અવગણે છે.
જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું;
હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.
13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે.
તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.
14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું
મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
17 હે યહોવા, હું નિરાશ થઇશ નહિં;
કારણકે મેં તમને પ્રાર્થના કરી છે.
દુષ્ટજનોને લજ્જિત કરી
અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.
18 જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે
અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.
19 જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે,
તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે.
અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.
20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો,
અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો.
તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે.
જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.
22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે,
વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.
23 હે યહોવાના સર્વ ભકતો,
તમે તેમનાં પર પ્રેમ રાખો;
વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે,
અને અભિમાનીને શિક્ષા કરે છે.
24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે.
ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
2 તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
અને મારું રક્ષણ કરો.
3 ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
મારા આત્માને ખાત્રીથી કહો કે,
“તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”
4 જેઓ મારા જીવના તરસ્યા છે
તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
તેઓ રઝળી પડો અને પાછા હઠો.
5 તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
6 હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
યહોવાનો દૂત તેમની પાછળ પડો.
7 તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
9 પણ હું યહોવાથી આનંદિત થઇશ,
અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
“હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.
17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.
18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
હવે તમે શાંત બેસી રહેશો નહિ;
અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”
28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.
દશ આજ્ઞાઓ
5 બધા ઇસ્રાએલી લોકોને બોલાવીને મૂસાએ તેઓને કહ્યું, “હે ઇસ્રાએલીઓ, આજે હું તમને જે કાયદાઓ અને નિયમો સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો અને એ શીખી લો અને ચોક્કસ એનું પાલન કરો. 2 આપણા દેવ યહોવાએ આપણી સાથે હોરેબમાં કરાર કર્યો હતો. 3 એ કરાર યહોવાએ આપણા પિતૃઓ સાથે નહિ પણ આપણી સાથે કર્યો હતો, જેઓ આજે અહીં જીવતા રહ્યા છે. 4 યહોવા તમાંરી સાથે ત્યાં પર્વત પર અગ્નિમાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા, 5 તે સમયે યહોવાના શબ્દો તમને સંભળાવવા હું મધ્યસ્થ તરીકે ઊભો હતો, કારણ કે, તમને અગ્નિનો ભય લાગતો હતો અને તમે પર્વત પર તેમની પાસે ગયા ન્હોતા. અને મેં તમને તે કહી સંભળાવ્યા હતા. તેમણે કહ્યું હતું:
6 “ગુલામીના દેશ મિસરમાંથી તમને મુકત કરી બહાર લાવનાર હું જ તમાંરો દેવ છું.
7 “માંરા સિવાય તમાંરે કોઈ પણ અન્ય દેવની ઉપાસના કરવી જોઈએ નહિ.
8 “ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર કે પૃથ્વી નીચેના જળમાં વસનાર પશુ, પક્ષી કે જળચર પ્રાણીની મૂર્તિ તમાંરે બનાવવી નહિ. 9 અને તમાંરે તેને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી નહિ. કારણ કે, હું તમાંરો દેવ યહોવા અનન્ય નિષ્ઠાની અપેક્ષા રાખનાર દેવ છું. જે માંરો તિરસ્કાર કરે છે, તેમનાં સંતાનોને હું ત્રીજી તથા ચોથી પેઢી સુધી તેમનાં પાપોની શિક્ષા કરું છું. 10 પરંતુ જે લોકો માંરા પર પ્રેમભાવ રાખે છે અને માંરી આજ્ઞાઓનું પાલન કરે છે, તેઓની હજારો પેઢી સુધી હું તેમના પર કૃપા કરું છું.
11 “તમાંરી ઇચ્છા તમે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની ના હોય તો તમાંરે તમાંરા દેવનું યહોવાનું નામ નકામું ના લેવું. જે કોઈ યહોવાનું નામ નકામું લે છે તેને તે શિક્ષા કર્યા વગર રહેતો નથી.
12 “તમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ વિશ્રામવારને પવિત્ર રાખજો. 13 બાકીના છ દિવસો તમાંરે તમાંરા રોજના બધા કામકાજ કરવાં. 14 પરંતુ સાતમો દિવસ તો વિશ્રામવાર છે, તમાંરા દેવ યહોવાનો દિવસ છે. તે દિવસે તમાંરે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહિ, તમાંરે કે તમાંરા પુત્રો કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ કે તમાંરી દાસીએ, તમાંરા બળદોએ કે ગધેડાઓએ કે પછી બીજા કોઈ પશુએ, તેમજ તમાંરા ગામોમાં વસતા કોઈ પણ વિદેશીએ પણ કામ ન કરવું, જેથી તમાંરા દાસ–દાસીઓ પણ તમાંરી જેમ આરામ કરે. 15 તમાંરે વિશ્રામ દિવસનું પાલન કરવાનું છે. યહોવા તમને આ આજ્ઞા આપે છે કે જેથી તમે યાદ રાખો કે તમે મિસરમાં ગુલામો હતાં, અને યહોવા તમાંરા દેવે તેની મહાન હાથ વડે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને મિસરમાંથી બહાર લાવ્યાં.
16 “યહોવાની આજ્ઞા પ્રમાંણે તમાંરે તમાંરા માંતા અને પિતાનો આદર કરવો, કે જેથી યહોવા તમાંરા દેવ તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં તમે લાંબા સમય માંટે સારુ જીવો.
17 “તારે હત્યા કરવી નહિ,
18 “તારે વ્યભિચાર કરવો નહિ.
19 “તારે ચોરી કરવી નહિ.
20 “તારે બીજા લોકો વિરુદ્ધ ખોટી સાક્ષી પૂરવી નહિ.
21 “તમાંરા પડોશીની પત્નીની કામના કરવી નહિ, તેમ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડાં કે અન્ય કોઈ પણ વસ્તુનો કબજો કરવાની ઇચ્છા કરવી નહિ.”
લોકો દેવથી ડરી ગયાં
22 “આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. એ પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે એ આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.
માટીની બરણીઓમાં આધ્યાત્મિક ખજાનો
4 દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી. 2 પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ. 3 સુવાર્તા જે અમે પ્રગટ કરીએ છીએ તે કદાચ ગૂઢ હોઈ શકે. પરંતુ જે લોકો ભટકી ગયા છે તેમને માટે જ તે ગૂઢ છે. 4 આ જગત (શેતાન) ના શાસકે જેઓ વિશ્વાસુ નથી તેઓનાં માનસને અંધ કરી દીધાં છે. તેઓ સુવાર્તાના પ્રકાશ (સત્ય) ને જોઈ શકતા નથી; એ સુવાર્તા જે ખ્રિસ્તના મહિમા વિષે છે. ખ્રિસ્ત એ એક છે, જે આબેહૂબ દેવ સમાન છે. 5 અમે અમારા વિષે ઉપદેશ નથી આપતા. પરંતુ અમે ઉપદેશ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે; અને અમે ઉપદેશ આપીએ છીએ કે ખ્રિસ્ત થકી અમે તમારા સેવકો છીએ. 6 દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.
7 આ ખજાનો અમને દેવ તરફથી મળ્યો છે. પરંતુ અમે તો માત્ર માટીનાં પાત્રો જેવા છીએ જે આ ખજાનાને ગ્રહણ કરે છે. આ બતાવે છે કે આ પરાક્રમની અધિકતા દેવ અર્પિત છે, અમારી નથી. 8 અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી. 9 ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો. 10 અમારા શરીરમાં ઈસુનું મરણ છે. અમે આ મરણ સદા ઊંચકીને ફરીએ છીએ કે જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રતિબિંબિત થાય. 11 અમે જીવિત છીએ, પરંતુ ઈસુ માટે હંમેશા અમે મરણનો સામને કરીએ છીએ. અમારી સાથે આમ થયું કે જેથી અમારા ક્ષણભંગુર શરીરમાં ઈસુનું જીવન પ્રતિબિંબિત થાય. 12 મરણ અમારામાં કાર્યશીલ છે. પરંતુ જીવન તમારામાં કાર્યશીલ છે.
10 જે માણસ નાની વસ્તુઓમાં વિશ્વાસુ માલૂમ પડે છે તે મોટી બાબતોમાં પણ વિશ્વાસુ રહેવાનો, પણ જે વ્યક્તિ નાની વસ્તુઓમાં અપ્રામાણિક છે તે મોટી વસ્તુઓમાં પણ અપ્રામાણિક રહેવાની. 11 જો તમે જગતનાં ધન સંબંધી અવિશ્વાસુ હશો તો ખરા ધન (સ્વર્ગીય) માટે તમારો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય 12 અને જો તમે બીજાની માલિકીની સંપત્તિ સંબંધી વિશ્વાસુ ન રહો તો તમને તમારુંજે છે તે કેવી રીતે સોંપી શકાય
13 “કોઈ પણ ચાકર એક સાથે એક જ સમયે બે ધણીઓની સેવા કરી શકે નહિ. તે ચાકર એક ધણીનો તિરસ્કાર કરશે અને બીજા ધણીને પ્રેમ કરશે અથવા તે એક ધણીને વફાદાર રહેશે અને બીજાની પરવા કરશે નહિ. તમે એક સાથે દેવ અને ધન બંનેની સેવા કરી શકો નહિ.”
દેવનો અપરિવર્તનશીલ કાયદો
(માથ. 11:12-13)
14 ફરોશીઓ આ બધી વાતો ધ્યાનથી સાંભળતા હતા. ફરોશીઓએ ઈસુની ટીકા કરી કારણ કે તેઓ પૈસાને ચાહતા હતા. 15 ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ દેવ જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે દેવની આગળ તો ધિક્કારને પાત્ર છે.
16 “લોકોએ મૂસાના નિયમો અને પ્રબોધકોના ઉપદેશો પ્રમાણે જીવવું જોઈએ. એવું દેવે ઈચ્છયું. પણ યોહાન બાપ્તિસ્ત આવ્યો તે સમયથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવી રહી છે. ઘણા લોકો દેવના રાજ્યમાં પ્રવેશવા ખૂબ પ્રયત્નો કરી રહ્યાં છે. 17 આકાશ અને પૃથ્વી માટે જતાં રહેવું વધારે સરળ છે પરંતુ શાસ્ત્રની એક પણ માત્રા બદલી શકાશે નહિ.”
છૂટાછેડા અને પુર્નલગ્ન
18 “જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી કોઈ સ્ત્રીને પરણે છે, તે વ્યભિચારના પાપ માટે દોષિત છે. અને કોઈ માણસ છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International