Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
દાઉદનું ગીત.
1 યહોવાએ મારા પ્રભુને કહ્યું,
“જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું,
ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”
2 યહોવા સિયોનમાંથી તારા સાર્મથ્યનો રાજદંડ મોકલશે;
તારા શત્રુઓ પર રાજ કર.
3 તારા લોકો તારા યુદ્ધને દિવસે
તારી સાથે જોડાવવા ઇચ્છશે.
સવારે તેં તારા પવિત્ર વસ્રો
ધારણ કરેલા છે.
તારી યુવાવસ્થાનું જોર
તને દોરવે છે.
4 યહોવાએ પ્રતિજ્ઞા કરી,
“તું મલ્ખીસદેકની જેમ,
સદાને માટે યાજક છે;
તેમનું આ વચન તે કદી રદબાતલ કરશે નહિ.”
5 તારી રક્ષા માટે, તારી પાસે પ્રભુ તારા જમણા હાથે ઊભા છે;
તે ધણા રાજાઓનો પોતાના ક્રોધને દિવસે નાશ કરશે.
6 તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે;
અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે,
અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂંદી નાંખશે.
7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે;
નવી તાજગી સાથે પોતાનું માથું ઊંચુ કરશે.
1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
“હે યહોવા મને બચાવો.”
5 યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
આપણા દેવ ખરેખર માયાળુ છે.
6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
7 હે મારા આત્મા, વિશ્રામ કરો!
કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
8 તમે મારા પ્રાણને મૃત્યુથી
અને મારી આંખોને આંસુથી
અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
9 હું જીવલોકમાં જીવતો રહીશ;
અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
“સર્વ માણસો જૂઠાઁ છે.”
12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.
યહોવાની સ્તુતિ થાઓ.
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
2 તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે. 3 સિયોનમાં તથા યરૂશાલેમમાં જેઓ બાકી રહ્યા હશે, જીવવા નિર્માયા હશે તેઓ પવિત્ર કહેવાશે.
4 જ્યારે માલિકે, ન્યાયના પાવક અગ્નિ વડે સિયોનની પુત્રીઓના ગંદવાડને ધોઇ નાખ્યો હશે, અને યરૂશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી નિર્મળ કરી નાખ્યું હશે, 5 યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે. 6 દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.
રભુનું આગમન
13 ભાઈઓ અને બહેનો, જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ વિષે તમે જાણો તેમ અમે ઈચ્છીએ છીએ. જેથી બીજા માણસો જેઓને આશા નથી અને ખેદ કરે છે તેમ તમે તેઓની જેમ ખેદ કરો એવું અમે ઈચ્છતા નથી. 14 અમે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મરણ પામ્યો. પરંતુ અમે એમ પણ વિશ્વાસ કરીએ છીએ કે તે પાછો ઊઠયો. જેઓ ઈસુમાં મરણ પામ્યા છે તેઓને દેવ ફરી ઈસુ સાથે લાવશે.
15 અત્યારે અમે જે તમને જણાવી રહ્યાં છીએ તે પ્રભુનો પોતાનો જ સંદેશ છે. અમે કે જે અત્યારે જીવિત છીએ તે પ્રભુનું પુનરાગમન થાય ત્યારે પણ જીવિત હોઈએ. અમે કે જે ત્યારે જીવિત હોઈશું તે પ્રભુની સાથે હોઈશું. પરંતુ જે લોકો ક્યારનાય મરણ પામ્યા છે તેઓના કરતા પહેલાં નહિ હોઈએ. 16 પ્રભુ પોતે ગર્જનાસહિત આકાશમાંથી ઉતરશે. પ્રમુખ દૂતની[a] વાણી અને દેવના રણશિંગડાના અવાજ સાથે આદેશ આપવામાં આવશે. અને ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે. 17 ત્યાર પછી, આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ જેઓ મરણ પામ્યા હતા તેઓની સાથે ગગનમાં પ્રભુને મળવા સારું આપણને ગગનમાં ઊંછએ ઊઠાવાશે. અને આપણે હમેશ માટે પ્રભુની સાથે રહીશું. 18 તેથી આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.
મંદિરનો વિનાશ
(માથ. 24:1-14; માર્ક 13:1-13)
5 કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”
6 પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ!”
7 કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”
8 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ. 9 જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”
10 પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે. 11 ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.
12 “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે. 13 પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે. 14 બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ. 15 તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ. 16 માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. 17 બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો. 18 પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ. 19 જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International