Book of Common Prayer
કોફ
145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
રેશ
153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
શીન
161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
તાવ
169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
મંદિર ચઢવા માટેનું ગીત.
1 ઇસ્રાએલને કહેવા દો,
“મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
2 મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
પણ તેઓ મને હરાવી ન શક્યા!
3 પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
4 પરંતુ યહોવા તો ન્યાયી છે,
દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
અને હારીને ભાગી જાય.
6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
શત્રુઓનો વિનાશ-યરૂશાલેમનો ઉદ્ધાર
12 ઇસ્રાએલને લગતી દેવ વાણી, આકાશને ફેલાવનાર અને પૃથ્વીને સ્થિર કરનાર તથા માણસની અંદર જીવ પૂરનાર યહોવાના આ વચન છે: 2 “હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે. 3 તે દિવસે હું યરૂશાલેમને બધી પ્રજાઓ માટે ભારે શિલારૂપ બનાવી દઇશ. જે કોઇ તેને ઉપાડવા જશે તે ભયંકર રીતે ઘવાશે. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓ ભેગી થઇને તેનો સામનો કરશે. 4 તે દિવસ તેની સામે થનાર સૈન્યોને હું મૂંઝવી નાખીશ અને તેઓને મૂર્ખા બનાવીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી નજર રાખીશ. પણ તેના દુશ્મનોને આંધળા કરી નાખીશ. 5 અને યહૂદિયાના કુળના સરદારો લોકોને પ્રોત્સાહન આપશે તેઓ કહેશે, ‘સૈન્યોનો યહોવા તમારા દેવ છે જેણે આપણને પ્રબળ કર્યા છે.’ 6 તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને વનમાં આગ લગાડનાર ચિંગારી સમાન અને ઘાસની ગંજીને આગ ચાંપનાર મશાલ સમાન બનાવીશ. તે જમણી અને ડાબી બાજુના પડોશી દેશોને બાળી નાખશે પણ યરૂશાલેમ અડગ રહેશે.”
7 યહોવા, પહેલાં યહૂદિયાના ગામોને વિજયી બનાવશે, તે બતાવવા કે દાઉદનું કુળ અને યરૂશાલેમ યહૂદિયાના બીજા લોકો કરતા ચડિયાતા નથી. 8 તે દિવસે હું યરૂશાલેમના વતનીઓનું રક્ષણ કરીશ, જેથી તેઓમાંનો નબળામાં નબળો માણસ પણ દાઉદ જેવો બળવાન બની જશે. અને દાઉદના કુટુંબો દેવની જેમ, યહોવાના દૂતની જેમ તેમની આગળ હશે.
9 “તે દિવસે હું યરૂશાલેમની સામે ચઢી આવનાર બધી પ્રજાઓનો નાશ કરનાર છું. 10 પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે.
ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદ
3 આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. 4 વિશ્વનું સર્જન થયું તે પહેલા ખ્રિસ્તમાં દેવે અમને પસંદ કર્યા છે. દેવે અમને તેની પાસે પવિત્ર અને નિર્દોષ થઈએ તે માટે પસંદ કર્યા. 5 અને ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત દેવે, વિશ્વનું સર્જન થયું તે પહેલા પણ આપણને તેના સંતાન બનાવવા નકકી કર્યુ. દેવ આમ કરવા ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તે પ્રસન્ન હતો. 6 તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
7 ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો. દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે. 8 દેવે તે કૃપા આપણને ઊદારતાથી અને મુક્તપને આપી. તેની રહસ્યપૂર્ણ યોજનાની માહિતી દેવે આપણને પૂરી સમજ અને જ્ઞાનથી આપી. 9 આપણે તેના ગૂઢ રહસ્યોને જાણીએ. આ બધી જ દેવની ઈચ્છા હતી. અને ખ્રિસ્ત થકી આમ કરવાનું તેનું આયોજન હતું. 10 દેવની યોજના યોગ્ય સમયે તેના આયોજનને પરિપૂર્ણ કરવાની હતી. દેવનું આયોજન હતું કે ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગમાંની અને પૃથ્વીની દરેક વસ્તુનું એકીકરણ થાય.
11 ખ્રિસ્તમાં આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યુ હતું. કારણ કે દેવ એ જ ઈચ્છતો હતો. અને દેવ એક છે જે ઈચ્છે છે અને માંગે છે તેને અનુરૂપ બધી વસ્તુઓને કરી શકે છે. 12 જેઓને ખ્રિસ્તમાં આશા હતી તેવા આપણે સૌથી પહેલા લોકો હતા. અને આપણે દેવના મહિમાની સ્તુતિ કરીએ તે માટે આપણે પસંદ કરાયા હતા. 13 તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું. 14 દેવે તેના લોકોને જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ થશે, તેની ખાતરી તે આ પવિત્ર આત્મા છે. જે લોકો દેવના છે તેઓને આના થકી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ સર્વનો ધ્યેય દેવના મહિમાને માટે સ્તુતિ કરવાનો છે.
જાખ્ખી
19 ઈસુ યરેખોના શહેરમાં થઈને જતા હતો. 2 યરેખોમાં જાખ્ખી નામનો માણસ રહેતો હતો. તે ઘણો શ્રીમંત અને કર ઉઘરાવનાર મુખ્ય માણસ હતો. 3 તેણે પણ ઈસુને જોવાની ઈચ્છા હતી. ત્યાં બીજા ઘણા લોકો હતા તેઓની ઈચ્છા પણ ઈસુને જોવાની હતી. જાખ્ખી એટલો ઠીંગણો હતો કે લોકોની ભીડમાં જોઈ શકતો નહિ. 4 તેથી ઈસુ જે જગ્યાએ આવવાનો હતો તે જાણીને તે ત્યાં દોડી ગયો. પછી જાખ્ખી એક ગુલ્લરના ઝાડ પર ચડ્યો જેથી તે ઈસુને જોઈ શકે.
5 જ્યારે ઈસુ તે જગ્યાએ આવ્યો ને ઊચે જોયું તો ત્યાં ઝાડ પર જાખ્ખીને જોયો. ઈસુએ તેને કહ્યું કે, “જાખ્ખી, જલદી નીચે આવ! હું આજે તારે ઘેર રહેવાનો છું.”
6 પછી જાખ્ખી જલ્દી નીચે આવ્યો. ઈસુને તેને ઘેર આવકારીને તે ખુશ થયો. 7 બધા લોકોએ આ જોયું. તેઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ, ઈસુ કેવા માણસ સાથે રહે છે. જાખ્ખી એક પાપી છે!”
8 જાખ્ખીએ પ્રભુને કહ્યું, “હું સારું કરવા ઈચ્છું છું. હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપીશ. જો કોઈ વ્યક્તિને છેતરી હશે તો હું તેને ચારગણું વધારે પાછું આપીશ!”
9 ઈસુએ કહ્યું કે, “આ એક સજ્જન માણસ છે. સાચે જ તે ઈબ્રાહિમના પરિવારનો છે. તેથી આજે જાખ્ખીનું તેનાં પાપોમાંથી તારણ થયું છે! 10 માણસનો દીકરો ખોવાયેલા માણસોને શોધવા અને તેઓને તારવા આવ્યો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International