Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 120-127

મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.

મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
    અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
    તમે મારા આત્માને બચાવો.

હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
    તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
    અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
    અને કેદારનાં તંબુઓમાં વસું છું.
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
    હું ધરાઇ ગયો છું.
જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
    હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
    મને સહાય ક્યાંથી મળે?
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
    યહોવા પાસેથી મને સહાય મળે છે.
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
    તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
    અને નિદ્રાવશ થતો નથી.
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
    યહોવા તમારા રક્ષક છે.
સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
    અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
    યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
    તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

મંદિરે ચઢવાનું ગીત.

યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
    મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
ફરી એક વખત યરૂશાલેમ
    એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
    અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
    લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
    જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
    અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
    તારામાં શાંતિ થાઓ.
યહોવા અમારા દેવના મંદિરને માટે
    હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

મંદિર ચઢવાનું ગીત.

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
    તેઓને કદી હલાવામાં આવશે નહિ
    તેઓ સદાકાળ ટકી રહેશે.
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
    તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
    નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.

હે યહોવા, જેઓ સારાઁ છે;
    અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
    લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.

ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

મંદિરે ચઢવા માટેનું ગીત.

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
    ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
    ત્યારે વિદેશીઓએ કહ્યું,
    “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
    જેથી અમે આનંદ પામીએ છીએ.

હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
    અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
    તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
    તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.

સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.

જો યહોવા ઘર ન બાંધે તો;
    બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
    ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
    સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
    પ્રત્યેકને આરામ આપે છે.

બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
    તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો તો;
    બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
    જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
    કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

ઝખાર્યા 11:4-17

પછી યહોવા મારા દેવે મને કહ્યું, “જા, અને કસાઇને ત્યાં વધ કરવા માટે લઇ જવા ખવડાવીને પુષ્ટ કરેલા ઘેટાંનો તું હવે પાળક બન. તેઓના નેતાઓ ઘેટાંને ખરીદનારા વેપારી જેવા છે, તેમના વધ કરે છે અને છતાં તેમને દોષિત હોવાની લાગણી થતી નથી, અને તેને વેચનારા કહે છે કે, ‘યહોવાનો આભાર હું ધનવાન બન્યો,’ તેમના પોતાના ભરવાડો પણ તેમના પર દયા બતાવતા નથી.” યહોવા કહે છે, “હું પણ તેઓને દયા દાખવીશ નહિ, હું તેઓને તેઓના પોતાના દુષ્ટ આગેવાનોના ફંદામાં પડવા દઇશ, અને મરવા દઇશ. તેઓ તેમની જમીનને અરણ્યમાં ફેરવી નાખશે અને હું તે જમીનનું તેઓથી રક્ષણ કરીશ નહિ.”

ઘેટાંના વેપારીઓએ મને મજૂરીએ રાખ્યો. વધ થનારા ઘેટાઁઓના ટોળાને હું ચરાવવા લાગ્યો. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કૃપા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” પાડ્યું, અને ઘેટાંઓના ટોળાને ચરાવવાનું શરૂ કર્યું. એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા. તેથી મેં તેઓને કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ, જે મરવાના છે તે ભલે મરતાં, જે નાશ પામવાના છે તે ભલે નાશ પામતાં, જે બાકી રહે તે ભલે એકબીજાને ખાઇ જતાં.” 10 પછી મેં મારી “કૃપા” નામની લાકડી લઇને તેના બે ટુકડા કર્યા. અને બધી પ્રજાઓ સાથે જે કરાર કર્યો હતો તે તોડી નાખ્યો. 11 આમ, તે દિવસે તે કરારને રદ કરવામાં આવ્યો અને ઘેટાંના જે વેપારીઓ મારા પર નજર રાખી રહ્યાં હતા તેઓ સમજી ગયા કે એ યહોવાનો સંદેશો હતો.

12 પછી મેં તેઓના આગેવાનોને કહ્યું, “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. નહિ તો રહેવા દો.” અને તેમણે મને મજૂરી લેખે ચાંદીની ત્રીસ મહોર આપી. 13 પછી મને યહોવાએ કહ્યું, “તેથી આ રીતે તેઓએ તારું મોટું મૂલ્ય આંક્યું છે. તે નાણાંની મોટી રકમ તું મંદિરના ખજાનામાં નાખી દે.” તેથી મેં તે ત્રીસ સિક્કા લઇને યહોવાના મંદિરનાં ખજાનામાં નાખી દીધાં. 14 પછી મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી, એમ સૂચવવા કે યહૂદિયા અને ઇસ્રાએલ વચ્ચે એકતા તૂટી ગઇ છે.

15 પછી યહોવાએ મને કહ્યું, “તું ફરીથી પાળકની જવાબદારી લઇ લે, આ વખતે મારે નકામા અને દુષ્ટ પાળક તરીકે ભાગ ભજવવાનો હતો.” 16 યહોવાએ મને કહ્યું, “આ વખતે હું આ ઢોરના ટોળાઓને એવો પાળક આપીશ કે જે ખોવાયેલાઓને શોધશે નહિ, ઘેટાંઓની સંભાળ રાખશે નહિ, માંદા થયેલાઓને સાજા કરશે નહિ, કે પુષ્ટોને ખાવાનું આપશે નહિ, પરંતુ ચરબી યુકતોને તે પૂરેપૂરા ખાઇ જશે.”

17 એ ઘેટાંને છોડી જનાર
    નકામા પાળકને ચિંતા!
દેવની તરવાર તેની જમણી આંખ
    અને તેના હાથ પર ઘા કરો!
    તેનો હાથ સૂકાઇ જાઓ
    અને તેની જમણી આંખ આંધળી થઇ જાઓ.

1 કરિંથીઓ 3:10-23

10 એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો. બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ. 11 પાયાનું તો ક્યારનું ય ચણતર થઈ યૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ બીજો પાયો બનાવી શકે નહિ. પાયો કે જે ક્યારનો ય ચણાઈ ચૂક્યો છે તે ઈસુ ખ્રિસ્ત છે. 12 તે પાયા પર વ્યક્તિ સોનું, ચાંદી, સમૂલ્ય પથ્થર, લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે. 13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસ[a] અગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે. 14 જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે. 15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે.

16 તમારે જાણવું જોઈએ કે તમે પોતે જ દેવનું મંદિર છો. દેવનો આત્મા તમારામાં નિવાસ કરે છે. 17 જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો.

18 તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે. 19 શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”(A) 20 શાસ્ત્રલેખોમાં તો આવું પણ લખેલું છે કે, “પ્રભુ જ્ઞાની માણસોને વિચારોને જાણે છે. તે એમ પણ જાણે છે કે તેમના વિચારોનું કશું જ મૂલ્ય નથી.”(B) 21 તેથી તમારે માણસો વિષે બડાશ મારવી જાઈએ નહિ. દરેક વસ્તુઓ તમારી જ છે. 22 પાઉલ, અપોલોસ અને કેફા: વિશ્વ, જીવન, મૃત્યુ, વર્તમાન તેમજ ભવિષ્ય-આ બધી જ વસ્તુઓ તમારી છે. 23 અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે.

લૂક 18:31-43

ઈસુ મૃત્યુમાંથી ઊઠશે

(માથ. 20:17-19; માર્ક 10:32-34)

31 પછી ઈસુએ બાર પ્રેરિતો સાથે એકલા વાત કરી. ઈસુએ તેઓને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો! આપણે યરૂશાલેમ જઇએ છીએ. દેવે પ્રબોધકોને જે કંઈ માણસના દીકરા વિષે લખવાનું કહ્યું હતું તે બનશે! 32 તેના લોકો તેના વિરોધી બનશે. અને તેને બીનયહૂદિ લોકોને સ્વાધીન કરશે. લોકો તેની મશ્કરી કરશે, તેને અપમાનિત કરશે અને તેની પર થૂંકશે. 33 તેઓ તેને કોરડા મારશે અને પછી મારી નાખશે. પણ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે સજીવન થઈને ઊઠશે.” 34 શિષ્યોએ આ સમજવા પ્રયત્ન કર્યો, પણ તેઓ તમજી શક્યા નહિ, તેનો અર્થ તેઓનાથી ગુપ્ત રહ્યો.

ઈસુ આંધળા માણસને સાજો કરે છે

(માથ. 20:29-34; માર્ક 10:46-52)

35 ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો. ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો. આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો. 36 જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો, તેણે પૂછયું, “શું થઈ રહ્યું છે?”

37 લોકોએ તેને કહ્યું કે, “નાસરેથનો ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે.”

38 આંધળો માણસ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે, “ઈસુ, દાઉદના દીકરા! કૃપા કરીને મને મદદ કર!”

39 જે લોકો આગળ હતા અને સમૂહને દોરતા હતા તેઓએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને શાંતિ જાળવવા કહ્યું, પણ ઔંધળો માણસ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાઉદના દીકરા! મને મદદ કર!”

40 ઈસુ ત્યાં થોભી ગયો અને બોલ્યો, “પેલા આંધળા માણસને મારી પાસે લાવ!” જ્યારે આંધળો માણસ નજીક આવ્યો, ઈસુએ તેને પૂછયું કે, 41 “તારી ઈચ્છા મારી પાસે શું કરાવવાની છે?”

આંધળા માણસે કહ્યું કે, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.”

42 ઈસુએ તેને કહ્યું કે, “જો! તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”

43 પછી તે માણસ જોઈ શક્યો. તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો. બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International