Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 88

કોરાહના કુટુંબનું એક સ્તુતિગીત. નિર્દેશકને – દર્દનાક બિમારી વિષે, હેમાન એઝાહીનું માસ્કીલ.

હે યહોવા, મારા તારણના દેવ,
    મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
હવે તમે મારી પ્રાર્થના સાંભળો,
    મારા પોકાર તમારે કાને ધરો.
કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે,
    અને હું જલદીથી મૃત્યુ પામીશ.
હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું,
    અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું.
    જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં.
અને હવે તમે તેઓને યાદ કરતાં નથી.
    તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં,
    તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
મારા પર તમારો કોપ અતિ ભારે છે,
    તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;

તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે,
    મારાથી તેઓ દૂર નાસે છે;
હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
    દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવા, મેં તને સદા અરજ કરી છે
    અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો?
    શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?

11 શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં
    તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12 શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે,
    અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13 પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું,
    દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવા, તમે મને તજો છો શા માટે?
    શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે.
    હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે,
    તમારા તરફથી મને ત્રાસ થાય છે;
    અને તેથી હું ભાંગી પડ્યો છું.
17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે,
    અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે.
    ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.

ગીતશાસ્ત્ર 91-92

પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
    તે સર્વસમર્થની છાયામાં રહેશે.
હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
    હું તમારો વિશ્વાસ કરું છું.”
કારણકે તે તને સર્વ ફાંદાઓથી
    અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
    તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
    તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
હવે તું રાત્રે બીશ નહિ
    કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
    કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
તારી બાજુએથી હજાર
    અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
    છતાં તને સ્પશીર્ શકશે નહિ.
તે તમે તમારી પોતાની આંખોથી જોશો
    કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
    તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
    તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
    જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
    તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
    તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
    હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
    સંકટમાં હું તેની સાથે રહીશ
    અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
    અને હું મારું તારણ તેને આપીશ.”

વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.

યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
    પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
    કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
    અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
    હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે!
    તમારા વિચારો બહુ ગહન છે.
ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી,
    અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે,
    ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે.
    પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.

હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે;
    અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે;
    મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે;
    અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.

12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
    અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
    તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
    અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
    તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.

યોએલ 2:28-3:8

બધાં લોકોને પોતાનો આત્મા આપવાની દેવની પ્રતિજ્ઞા

28 “ત્યાર પછી,
    હું મારો આત્મા બધા લોકો પર રેડીશ.
તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે,
    તમારા ઘરડાંઓ સ્વપ્નો જોશે
    અને યુવાનોને સંદર્શનો થશે.
29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો
    અને દાસીઓ ઉપર રેડીશ.
30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક નિશાનીઓ મૂકીશ,
    લોહી અને અગ્નિ તથા ધુમાડાના સ્તંભો
31 યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે
    તે પહેલાઁ સૂર્ય અંધકારરૂપ
    અને ચંદ્ર લોહીરૂપ થઇ જશે.
32 તે સમયે એમ થશે કે, જે કોઇ યહોવાને બોલાવશે તે ભાગી જશે,
    કારણ, યહોવાએ કહ્યું હતું કે,
    યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર દીર્ધજીવીઓ થશે,
અને યરૂશાલેમમાં બાકી રહેલાઓમાંથી જેને યહોવા બોલાવે.
    તેઓ ઉગરી જશે.

યહોવાનો દિવસ પાસે છે

“જુઓ! તે દિવસોમાં એટલે તે સમયે, જ્યારે હું યહૂદા અને યરૂશાલેમનાં ભાગ્ય ફેરવીશ, હું બધા લોકોને ભેગા કરીશ અને તેમને યહોશાફાટની ખીણમાં નીચે લઇ આવીશ; અને તેમને મારા લોકોને, ઈસ્રાએલીઓ મારા ઉત્તરાધિકારીઓને ઇજા કરવા માટે સજા કરીશ. જેઓને તેઓએ વિવિધ દેશોમાં વેરવિખેર કરી, મારી ભૂમિને વિભાજીત કરી હતી. તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને સેવકો તરીકે વહેંચીં લીધા છે. તેઓએ નાના છોકરાઓને વેશ્યાઓ મેળવવા વેંચી નાખ્યાં છે, અને દ્રાક્ષારસ અને મદ્યપાનનાં બદલામાં છોકરીઓ બદલી છે.

“હે તૂર અને સિદોન તથા પલેશેથના બધા પ્રાંતો, તમારે ને મારે શું લેવા દેવા? શું તમે પાછું વાળવા પ્રયત્ન કરો છો? સાવધાન રહો, તમે જો બદલો લેવા માંગશો, તો ઝડપથી હું તમારી તરફ ફરીશ અને ગણતરીઓ તમારા પર વાળીશ! તમે મારાં સોનાચાંદી લઇ લીધાં છે, તથા મારું સર્વ કિંમતી દ્રવ્ય તમારા મંદિરોમાં તમે ઉપાડી ગયા છો.

“વળી તમે યહૂદા અને યરૂશાલેમના લોકોને ગ્રીકોને વેચી દીધા છે, તેઓ તેમને પોતાના વતનમાં દૂર દેશમાં લઇ ગયા છે. પરંતુ હવે હું તમે તેમને જ્યાં વેચ્યાં છે ત્યાંથી જગાડીશ અને તમે જે કર્યું છે તે સમાન જ હું તમારી સાથે કરીશ. હું તમારા પુત્ર અને પુત્રીઓને યહૂદાના વંશજોને વેંચીંશ અને તેઓ તેમને દૂરના દેશ શેબાના લોકોને વેંચી દેશે.” કેમકે આ યહોવાનું વચન છે.

યાકૂબ 1:16-27

16 તેથી મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ વિશે છેતરાશો નહિ. 17 દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે. 18 દેવે સત્યના વચન દ્ધારા આપણને જીવન આપવા નિશ્ચય કર્યો છે. જગતમાં જે તેણે બનાવ્યું છે તેમાં આપણને એ બધામાં ખૂબજ મહત્વના બનાવ્યા છે.

સાંભળવું અને અનુસરવું

19 મારા વહાલા ભાઈઓ અને બહેનો, હંમેશા બોલવામાં ધીમા રહો. કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળવા આતુર રહો. સહેલાઇથી ગુસ્સે ના થાઓ. 20 દેવની ઈચ્છા પ્રમાણે સાચું જીવન જીવવામાં વ્યક્તિનો ગુસ્સો મદદ કરતો નથી. 21 માટે તમારા જીવનમાં રહેલી બધાંજ પ્રકારની દુષ્ટતાઓ અને બધા જ પ્રકારના દુષ્કૃત્યોથી દૂર રહો. નમ્ર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગ્રહણ કરો. તે જ દેવનું શિક્ષણ તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે.

22 દેવના શિક્ષણ પ્રમાણે જ વર્તો; સંદેશો ફક્ત સાંભળવા માટે નથી પરંતુ અમલમાં મૂકવા માટે છે, તેથી તમે તમારી જાતને છેતરશો નહિ. 23 જે વ્યક્તિ ફક્ત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી, તે પોતાનું મુખ આરસીમા જોનારના જેવો છે. 24 તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તરત જ ભૂલી જાય છે. 25 પરંતુ ખરેખર સુખી માણસ તો એ વ્યક્તિ છે જે ધ્યાનપૂર્વક સંપૂર્ણ નિયમનો અભ્યાસ કરે છે કે જે લોકોને મુક્ત કરે છે. અને તે તેનો અભ્યાસ ચાલુ રાખે છે. તેણે જે સાંભળેલું છે તે ભૂલતો નથી. તે દેવનાં વચનોને સાંભળે છે. પછી તે દેવ જે શિક્ષણ આપે છે તેને અનુસરે છે. અને આમ કરવાથી તે તેની જાતને સુખી બનાવે છે.

દેવની ભક્તિનો સાચો રસ્તો

26 જે વ્યક્તિ પોતાને ધાર્મિક (સારો) માને છે પણ જો પોતાની જીભ પર કાબુ રાખતો નથી તો તે પોતાને છેતરે છે. અને તેની ધાર્મિકતાને નિરર્થક બનાવે છે. 27 દેવની દ્દષ્ટિમાં ધાર્મિક એ છે કે જે અનાથ અને વિધવાઓની તેમના દુ:ખના સમયે મુલાકાત લે છે તથા જગતની દુષ્ટતાથી દૂર રહી પોતાની જાતને નિષ્કલંક રાખી, દેવની ઈચ્છાને આધીન રહે છે.

લૂક 16:1-9

સાચુ ધન

16 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એક ધનવાન માણસ હતો. આ ધનવાન માણસે તેના વ્યાપારની દેખરેખ રાખવા માટે એક કારભારી રાખ્યો હતો. પાછળથી તે ધનવાન માણસને ખાનગીમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો કારભારી તેને છેતરે છે. તેથી તેણે તેને અંદર બોલાવ્યો. અને તેને કહ્યું, ‘મેં તારા વિષે ખરાબ વાતો સાંભળી છે. તેં મારા પૈસાનું શું કર્યુ છે તેનો હિસાબ મને આપ. હવે તું મારો કારભારી રહી શકીશ નહિ!’

“તે કારભારીએ તેની જાતે વિચાર્યુ, ‘હું શું કરું? મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે. હું ખોદકામ કરી શકું તેટલો શક્તિશાળી નથી. ભીખ માંગવામાં મને શરમ આવે છે. હું જાણું છું કે હું શું કરીશ! હું એવું કંઈ કરીશ કે જેથી હું જ્યારે મારી નોકરી ગુમાવું ત્યારે બીજા લોકો મને તેઓના ઘરે આવકારે.’

“તેથી કારભારીએ દરેક દેણદારને જેઓને માથે ધણીનું દેવું હતુ તેઓને બોલાવ્યા. તેણે પહેલા માણસને કહ્યું, ‘તારે મારા માલિકનું કેટલું દેવું છે?’ તે માણસે ઉત્તર આપ્યો; ‘મારે તેમનું 8,000 પૌંડ ઓલિવ તેલનું દેવું છે.’ કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું તારું બીલ, જલ્દી બેસી જા, અને બીલની રકમ ઓછી કર, 4,000 પૌંડ લખ.’

“પછી કારભારીએ બીજા માણસને કહ્યું, ‘તારે મારા ધણીનું દેવું કેટલું છે?’ તે માણસ બોલ્યો; ‘મારે તેનું 60,000 પૌંડ ઘઉનું દેવું છે.’ પછી કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું, તારું બીલ તું તેને ઓછું કરી શકે છે. 50,000 પૌંડ લખ.’

“પાછળથી ધણીએ તે અપ્રામાણિક કારભારીને કહ્યું કે તેણે ચતુરાઇથી કામ કર્યુ છે, હા, દુન્યવી માણસો તે સમયના અજવાળાના લોકો કરતાં તેઓના ધંધામાં વધારે ચતુર હોય છે.

“હું તમને કહું છું, આ દુનિયામાં અહીં તમારી પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરી દેવ સાથે મિત્રો કરી લો, પછી જ્યારે તે થઈ રહે ત્યારે તે ઘરમાં તેને કાયમ આવકાર મળશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International