Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “દૂરના ઓકમાં કબૂતર.” દાઉદનું મિખ્તામ, ગાથમાં પલિસ્તીઓએ તેને પકડ્યો તે વખતે લખાયેલું છે.
1 હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે
તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
2 મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે.
ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
3 જ્યારે મને બીક લાગશે ત્યારે
હું તમારો ભરોસો કરીશ.
4 હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું.
દેવ પર આધાર રાખું છું,
તેથી મને જરાપણ બીક નથી.
માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
5 મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે.
અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
6 તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે,
તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
7 યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો.
તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો.
8 તમે મારી બધી વેદના જોઇ છે.
તમે મારા આંસુઓથી જ્ઞાત છો.
તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે.
અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.
9 હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
10 હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ,
હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
11 મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી,
પછી માણસ મને શું કરનાર છે?
12 હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ,
હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
13 કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે,
તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે,
જેથી હું જીવનનાં અજવાળામાં
દેવની સામે જીવી શકું.
નિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત.
1 હે દેવ, મારા પર દયા કરો, કારણ,
મારો આત્મા તારા શરણ આપ્યો છે,
આ તોફાન શમી જાય ત્યાં સુધી
હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,
તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
3 તે આકાશમાંથી સહાય મોકલશે
અને મને બચાવશે.
જેઓ મને નુકશાન કરવા માગે છે
તેમનાથી મને ઉગારશે.
4 મારું જીવન જોખમમાં છે.
હું માનવભક્ષી સિંહોનાં જેવા
હિંસક દુશ્મનોથી ઘેરાયો છું.
તેમના દાંત તીર ને ભાલાં જેવા છે,
તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.
5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે;
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે;
જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.
7 હે દેવ! મારું હૃદય તૈયાર છે,
મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે.
હું દેવ સ્તોત્રો ગાઇશ.
8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,
હું પ્રભાતમાં વહેલો જાગીશ,
ને હું પરોઢને આવકાર આપીશ.
9 હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.
બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.
તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.
1 ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
2 ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
3 દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
5 ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
છતાંય તેનો સાદ સંભળાતો નથી.
6 હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
7 સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
8 તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.
10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો,
શત્રુ તરફના ભયથી મને ઉગારો.
2 દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે.
તેમનાથી મને છુપાવી દો.
3 તેઓએ તેમની જીભને તરવાર જેવી તીક્ષ્ણ બનાવી છે.
તેમનાં કડવાં શબ્દો તીર જેવાં છે, જે પાછા ખેંચાઇને વીંધવા માટે તૈયાર છે.
4 તેઓ જાડીમાં છુપાય છે અને નિર્દોષો ઊપર તેમનાં તીર ચલાવે છે.
તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે.
આમ કરતાં તેઓ ગભરાતા નથી.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે;
અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે:
“અમને અહીં જોનાર કોણ છે?”
6 તેઓ દુષ્ટકૃત્યો કરવા માટે યોગ્ય તકની ચતુરાઇથી રાહ જુએ છે;
તેઓનાં હૃદયનાં ઊંડાણમાં દુષ્ટ વિચારો
અને ખરાબ યોજનાઓ છે.
7 પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે,
અને એકાએક તેઓને વીંધી નાંખશે.
8 દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે.
અને તેઓ ઠોકર ખાશે;
જે કોઇ તેઓને જોશે
તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.
9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે.
અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે
અને દેવનાં અદ્ભૂત કાર્યો
વિષે બીજાઓને શીખવશે.
10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે.
તે દેવ પર આધાર રાખે છે.
અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.
નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.
1 હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
2 તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
3 અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
4 તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
5 હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
6 દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
7 તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
અને હા, તેઓ ગીતો ગાય છે.
ઉદ્ધાર પામેલાઓનું ગીત
14 પછી મેં જોયું તો ત્યાં મારી આગળ હલવાન હતું. તે સિયોન પહાડ પર ઊંભું હતું. ત્યાં તેની સાથે 1,44,000 લોકો હતા. તેઓ બધાના કપાળ પર તેનું નામ અને તેના પિતાનું નામ લખેલું હતું.
2 અને મેં પાણીના પૂર જેવો ઘોંઘાટ અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. મેં જે અવાજ સાંભળ્યો તે લોકો પોતાની વીણા વગાડતા હોય તેવો હતો. 3 તે લોકોએ રાજ્યાસનની આગળ અને ચાર પ્રાણીઓની અને વડીલોની આગળ એક નવું ગીત ગાયું. તે નવું ગીત ગાઈ શકે તેવા ફક્ત 1,44,000 લોકો હતા. જેઓનો પૃથ્વી પરથી ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. બીજું કોઈ તે ગીત ગાઇ શક્યું નહિ.
4 આ 1,44,000 એવા લોકો છે, જેઓએ સ્ત્રીઓ સાથે કોઈ કુકર્મ કર્યું નથી. તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે. તેઓ જ્યાં જતા ત્યાં હલવાનને અનુસરતા. પૃથ્વી પરના લોકોમાંથી આ 1,44,000નો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. દેવને અને હલવાનને અર્પિત થનાર તેઓ પહેલા હત. 5 આ લોકો અસત્ય બોલવાના દોષિત ન હતા. તેઓ નિર્દોષ છે.
ત્રણ દૂતો
6 પછી મેં બીજા એક દૂતને આકાશમાં ઊંચે ઉડતો જોયો. તે દૂત પાસે સનાતન સુવાર્તા હતી. જે પૃથ્વી પર રહેતા હતા, તે લોકો દરેક રાજ્ય, જાતિ, ભાષા અને પ્રજાના લોકોને બોધ આપવા માટે હતી. 7 તે દૂતે મોટા સાદે વાણીમા કહ્યું કે, “દેવનો ડર રાખો અને તેની આરાધના કરો. તેના માટે દરેક લોકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. દેવની આરાધના કરો, તેણે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને પાણીનાં ઝરાઓ ઉત્પન્ન કર્યા છે.”
8 પછી તે બીજો દૂત પ્રથમ દૂતને અનુસર્યો અને કહ્યું કે, “તેનો વિનાશ થયો છે! તે મહાન બેબિલોનનો વિનાશ થયો છે. તેણે પોતાનો વ્યભિચાર (ને લીધે રેડાયેલો) અને દેવનો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોને પીતાં કર્યા છે.”
9 એ ત્રીજો દૂત પહેલા બે દૂતોને અનુસર્યો, આ ત્રીજા દૂતે મોટા સાદે વાણીમાં કહ્યું કે, “જે તે પ્રાણી અને પ્રાણીની મૂર્તિને પૂજે છે અને તેના કપાળ પર કે તેના હાથ પર તે પ્રાણીની છાપ પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ ઓ માટે ખરાબ સમય હશે. 10 તે વ્યક્તિ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ પીશે. આ દ્રાક્ષારસ દેવના કોપના પ્યાલામાં તેની પૂર્ણ શક્તિથી તૈયાર થયો છે. તે વ્યક્તિ પવિત્ર દૂતો અને હલવાનની આગળ સળગતા ગંધકથી રિબાશે. 11 અને તેઓના ત્રાસમાંથી નીકળતો ધુમાડો સદા સર્વકાળ ઊંચે ચઢશે. જે લોકો પ્રાણીની તથા તેની મૂર્તિની પૂજા કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાત દિવસ આરામ નથી.” 12 આનો અર્થ એ છે કે સંતો ધૈર્યવાન હોવા જોઈએે. તેઓએ દેવની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએે અને ઈસુમાં તેઓએ વિશ્વાસ રાખવો જોઈએ.
13 પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “આ લખ, કે હવે પછી જે મૃત્યુ પામનારાઓ પ્રભુમાં મૃત્યુ પામે છે. તેઓને ધન્ય છે.”
આત્મા કહે છે, “હા, તે સાચું છે. તે લોકો તેઓનાં સખત શ્રમથી આરામ કરશે. તેઓએ જે કંઈ કર્યું છે તે તેઓની સાથે રહે છે.”
ઈસુ વિષે લોકોનો અસ્વીકાર
(માથ. 10:34-36)
49 ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું! 50 મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું. 51 શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! 52 કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.
53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે:
દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે.
પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે.
મા અને પુત્રીમાં ભાગલા પડશે:
પુત્રી તેની માની વિરોધી થશે.
મા તેની પુત્રીની વિરોધી
થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે:
વહુ તેની સાસુની વિરોધી થશે.
સાસુ તેની વહુની વિરોધી થશે.”
સમયને પારખો
(માથ. 16:2-3)
54 પછી ઈસુએ લોકોને કહ્યું, “જ્યારે તમે પશ્ચિમમાં મોટાં વાદળા ઘેરાતાં જુઓ છો ત્યારે તમે કહો છો કે, ‘વર્ષાનું ઝાપટું આવશે;’ અને વરસાદ પડશે. અને ખરેખર વરસાદ પડે છે. 55 જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે,’ અને તમે સાચા છો. 56 ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી?
તમારી સમસ્યા ઉકેલો
(માથ. 5:25-26)
57 “શું સાચું છે તેનો તમે તમારી જાતે કેમ નિર્ણય કરતા નથી? 58 જ્યારે તારા વિરોધી સાથે ફરિયાદ નોંધાવવા માટે ન્યાયાલયમાં જતો હોય તો રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર. જો તું તેનો ઉકેલ નહિ લાવે તો તે તને ન્યાયાધીશ આગળ ઘસડી જશે. રખે ન્યાયાધીશ તને અધિકારીને સોંપે. અને તે તને બંદીખાનામાં નાખે. 59 હું તને કહું છું તું પ્રત્યેક દમડી જે તારે ચુકવવાની છે તે નહિ આપે ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળશે નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International