Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 30

મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
    કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
    તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
    અને તમે મને સાજો કર્યો છે.
હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
    તમે મને કબરમાં પડવા દીધો નથી.

હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
    અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
    પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
    પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
    હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
હે યહોવા, તમે મારા પર કૃપા કરી
    મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
    તમે મને ભયભીત કર્યો છે.
હે યહોવા, મેં તમને પોકાર કર્યો
    અને મેં તમને વિનંતી કરી.
“હે યહોવા, હું મરી જઇશ તો
    તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
    તમારી સ્તુતિ કરી શકશે?
    શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
    મારી અરજીને સંભળો મને સહાય કરો.”

11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
    મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
    અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
    હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 32

દાઉદનું ગીત. માસ્કીલ.

જેના દોષને માફી મળી છે,
    તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
    તેને ધન્ય છે અને તે જ સુખી છે.
જેને યહોવા દોષિત ગણતા નથી,
    અને જેના આત્મામાં કંઇ કપટ નથી
    તે માણસ આશીર્વાદિત છે.

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
    તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
    અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
આખો દિવસ અને આખી રાત,
    તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
    તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
    મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
    અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.

તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
    ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
    પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
જીવનનાં સર્વ સંકટોમાં
    તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
    મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.

યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
    તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
    હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
    તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”

10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
    પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
    હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર 42-43

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
    અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
    તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
    તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
    હું શોક કરતો ફરૂં છું.
હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
    જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
તમે મારા અતિઆનંદ છો,
    તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
    હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
    તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
    તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
    અને મદદ માટે પ્રાર્થના કરીશ.

Error: Book name not found: Sir for the version: Gujarati: પવિત્ર બાઈબલ
પ્રકટીકરણ 10

દૂત અને નાનું ઓળિયું

10 પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા. દૂતે એક નાનું ઓળિયું રાખ્યું હતું. તે ઓળિયું તેના હાથમાં ખુલ્લું હતું. તે દૂતે તેનો જમણો પગ દરિયા પર અને તેનો ડાબો પગ ભૂમિ પર મૂક્યો; તે દૂતે મોટા સાદે સિંહની ગર્જનાની જેમ પોકાર કર્યો; દૂતના પોકાર પછી સાત ગજૅના બોલી.

તે સાત ગજૅના જે બોલી તે લખવાનું મેં શરું કર્યું, પણ પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “તે સાત ગજૅનાએ જે કહ્યું તે લખીશ નહિ. તે વસ્તુઓ ને ગુપ્ત રાખ.”

પછી મે જે દૂતને જોયો તેણે સમુદ્ર પર અને જમીન પર ઊભા રહીને તેનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો. તે જે સદાસવૅકાળ જીવંત છે તેના અધિકારથી તે દૂતે પ્રતિજ્ઞા કરી. તે દેવ એક છે જેણે પૃથ્વી અને પૃથ્વી પર જે બધું છે તે અને આકાશ તથા તેમાં જે કંઈ છે તે, સમુદ્રો, તથા તેમાં જે બધું છે તેનું સર્જન કર્યું. તે દૂતે કહ્યું કે, “હવે વધારે વિલંબ થશે નહિ! તે દિવસોમાં જ્યારે તે સાતમો દૂત તેનુ રણશિંગડું વગાડવા માંડશે, ત્યારે દેવની ગુપ્ત યોજના પૂર્ણ થશે. આ યોજના એક તે સુવાર્તા છે જે દેવે તેના સેવકો એટલે પ્રબોધકોને કહી હતી.”

પછી મેં ફરીથી આકાશમાંથી તે જ વાણી સાંભળી. તે વાણીએ મને કહ્યું કે, “જા અને દૂતના હાથમાંથી જે ખુલ્લું ઓળિયું છે તે લે. આ તે દૂત છે જે સમુદ્ર પર તથા જમીન પર ઊભેલો છે.”

તેથી હું તે દૂત પાસે ગયો અને મને તે નાનું ઓળિયું આપવા કહ્યું. તે દૂતે મને કહ્યું કે, “આ ઓળિયું લે અને તેને ખા. તે તારા પેટમાં કડવું બનશે પણ તે તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.” 10 તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું. મેં તે ઓળિયું ખાધું. મુખમાં તેનો સ્વાદ મધ જેવો મીઠો લાગ્યો પણ મારા ખાધા પછી તે મારા પેટમાં કડવું લાગ્યું. 11 પછી મને કહેવામા આવ્યું હતું કે, “તારે ફરીથી ઘણી જાતિના લોકો, ઘણાં દેશો, ભાષાઓ અને રાજાઓ વિષે પ્રબોધ કરવો જોઈએ.”

લૂક 11:1-13

ઈસુ પ્રાર્થના કરતાં શીખવે છે

(માથ. 6:9-15)

11 એક વખત ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. જ્યારે ઈસુએ પ્રાર્થના કરવાની પૂરી કરી ત્યારે તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું, “યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. પ્રભુ તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો.”

ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરો:

‘ઓ બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું નામ સદા પવિત્ર મનાઓ.
    અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું રાજ્ય આવો.
દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ.
અમે કરેલાં પાપ તું માફ કર,
    કારણ કે અમે અમારા પ્રત્યેક અપરાધીઓને માફ કરીએ છીએ.
અને અમને પરીક્ષણમાં ના લાવો પણ ભૂંડાઇથી અમારો છૂટકો કર.’”

માગવાનું ચાલુ રાખો

(માર્ક 7:7-11)

5-6 પછી ઈસુએ તેઓને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ એક મોડી રાત્રે તમારા મિત્રને ઘરે જાય અને કહે, ‘મારો એક મિત્ર મારી મુલાકાતે શહેરમાં આવ્યો છે. પરંતુ મારી પાસે તેને ખવડાવવા કંઈ નથી. કૃપા કરીને મને ત્રણ રોટલી આપ,’ તમારો મિત્ર ઘરમાંથી જ ઉત્તર આપે છે, ‘ચાલ્યો જા, મને તકલીફ ન આપ! હમણા બારણું બંધ છે. હું અને મારા બાળકો પથારીમાં છીએ. હું હમણા ઊઠીને તને રોટલી આપી શકું તેમ નથી.’ હું તમને કહું છું કે તમે એના મિત્ર હોવા છતાં કદાચ તે ન ઊઠે, પણ તમારા સતત આગ્રહને કારણે તે અવશ્ય ઊઠશે અને તમને જરૂરી બધું જ આપશે. તેથી હું તમને કહું છું. માગવાનું ચાલુ રાખો, અને દેવ તમને આપશે. શોધવાનું ચાલુ રાખો અને તમે તે મેળવશો. બારણું ખખડાવવાનું ચાલું રાખો, અને બારણું તમારા માટે ઉઘડશે. 10 હા, જો એક વ્યક્તિ માંગવાનું ચાલુ રાખે છે તો તે વ્યક્તિ મેળવશે. જો વ્યક્તિ શોધવાનું ચાલુ રાખે છે તો તેને મળે છે. જો વ્યક્તિ ખખડાવવાનું ચાલુ રાખે છે, તો તે વ્યક્તિ માટે બારણું ઉઘડશે. 11 તમારામાંથી કોઈને દીકરો છે? જો તમારો દીકરો તમારી પાસે એક માછલી માગશે તો તમે શું કરશો? શું કોઈ પિતા તેના પુત્રને સર્પ આપશે? ના! તમે તેને એક માછલી જ આપશો. 12 અથવા, જો તમારો દીકરો એક ઇંડુ માંગશે તો શું તમે તેને એક વીંછી આપશો? ના! 13 તમે બીજા લોકો જેવા જ છો, તમે ભૂંડા છો છતાં તમે જાણો છો કે તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી. તેથી તમારા આકાશમાંના બાપ જાણે છે. જે લોકો તેની પાસે માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International