Book of Common Prayer
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
દાલેથ
25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
હે
33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
એટલે હું તમારા નિયમ પાળીશ;
હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
વાવ
41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
સાતમી મુદ્રા
8 જ્યારે હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે ત્યાં આકાશમાં લગભગ અડધા કલાક સુધી શાંતિ હતી. 2 અને મેં દેવ આગળ ઊભા રહેનારા તે સાત દૂતોને જોયા. તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા હતાં.
3 ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી. 4 દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી. 5 પછી દૂતે ધૂપદાનીને વેદીના અગ્નિથી ભરી. તે દૂતે ધૂપદાની જમીન પર ફેંકી દીધી. પછી ત્યાં વીજળીઓના ચમકારા, ગર્જનાઓઅને વાણીઓ સાથે ધરતીકંપ થવાં લાગ્યાં.
તે સાત દૂતો તેમનાં રણશિંગડા ફૂંકે છે
6 પછી જેમની પાસે સાત રણશિંગડાં હતાં. તે સાત દૂતો તેમના રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા.
7 પ્રથમ દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી રક્તમિશ્રિત કરા તથા અગ્નિ પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં; અને પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું જ લીલું ઘાસ બળી ગયું.
8 બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો, 9 જેથી સમુદ્રમાંના જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મૃત્યુ પામ્યો; અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.
10 તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો. તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો. 11 તે તારાનું નામ કડવાદૌના[a] છે; અને સમગ્ર પાણીનો ત્રીજો ભાગ કડવો બન્યો. ઘણાં લોકો તે કડવું પાણી પીવાથી મૃત્યુ પામ્યાં.
12 તે ચોથા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી સૂર્યના ત્રીજા ભાગ પર અને ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, તેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરુંપ થાય. દિવસ અને રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય.
13 જ્યારે મેં જોયું તો અંતરિક્ષમાં ઊંચે ઊડતાં એક ગરુંડને સાંભળ્યું, તે ગરુંડે મોટે સાદે કહ્યું કે, “અફસોસ! અફસોસ! પૃથ્વી પર રહેનારાં લોકોને માટે અફસોસ! બીજા ત્રણ દૂતો વગાડશે અને તેઓનાં રણશિંગડાના અવાજ પછી આફતો આવશે.”
શેતાનની પડતી
17 જ્યારે 72 માણસો તેઓનો પ્રવાસ કરીને પાછા ફર્યા ત્યારે તેઓ ઘણા પ્રસન્ન હતા. તેઓએ કહ્યું, “પ્રભુ, જ્યારે અમે તારા નામનો ઉપયોગ કર્યો ત્યારે ભૂતો પણ અમને તાબે થયા.”
18 ઈસુએ તે માણસોને કહ્યું, “મેં શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે પડતો જોયો. 19 ધ્યાનથી સાંભળો! મેં તમને સર્પો અને વીંછીઓ પર ચાલવાનો અધિકાર આપ્યો છે. મેં તમને શત્રુંની બધી જ તાકાત કરતાં વધારે તાકાત આપી છે. તમને કશાથી ઇજા થનાર નથી. 20 પણ આનંદ કરો. આત્માઓ તમને તાબે થયા તેથી આનંદી થશો નહિ. એટલે નહિં કે તમારી પાસે સામથ્યૅ છે, તેને બદલે તમારા નામ આકાશમાં લખેલાં છે તેથી આનંદ પામો.”
ઈસુ બાપને પ્રાર્થના કરે છે
(માથ. 11:25-27; 13:16-17)
21 પછી પવિત્ર આત્માથી ઈસુને વધારે આનંદનો અનુભવ થયો. ઈસુએ કહ્યું, “હે બાપ આકાશ અને પૃથ્વીના ધણી, હું તારો આભાર માનુ છું. હું તારી સ્તુતી કરું છું કારણ કે તેં ડાહ્યા અને બુદ્ધીશાળી લોકોથી આ વાતો ગુપ્ત રાખી છે. પણ તેં એ વાતો એવા લોકો કે જે નાનાં બાળકો જેવા છે તેમને તેં પ્રગટ કરી છે. હા બાપ, તેં આ કર્યુ છે કારણ કે તું ખરેખર જે કરવા ઈચ્છતો હતો તે આ જ છે.
22 “મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણે છે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”
23 ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે! 24 હું તમને કહું છું કે તમે હમણા જે જુઓ છો તે જોવા માટે પ્રબોધકો અને રાજા ઈચ્છતા હતા. પણ તેઓ આ વસ્તુઓ જોઈ શક્યા નથી. અને ઘણા પ્રબોધકો અને રાજાઓ તમે જે હમણા સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ તેઓ આ બાબતો સાંભળી શક્યા નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International