Book of Common Prayer
કોફ
145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
રેશ
153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
શીન
161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
યર્મિયા વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ
18 યહોવાએ પોતે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું પછી તેણે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે. 19 હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.” 20 ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે.
21 તેથી યહોવા કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના માણસોને હું સજા કરીશ, તેઓ કહે છે: “તું યહોવાના નામનો પ્રબોધ ન કરીશ નહી તો અમે તને મારી નાખશું.” 22 તેથી યહોવા અનાથોથના લોકો વિષે આ પ્રમાણે કહે છે, “હું તેમને સજા કરીશ, તેમના યુવાનો તરવારથી મરશે અને તેમનાં પુત્રપુત્રી દુકાળમાં મરશે. 23 પરંતુ જ્યારે અનાથોથના લોકોને શિક્ષા કરવાનો સમય આવશે, ત્યારે હું તેમના પર આફત ઉતારીશ અને એક પણ વ્યકિત જીવતો રહેવા નહિ પામે.”
ઈસુ મુસીબતો વિષે ચેતવે છે
(માર્ક 13:9-13; લૂ. 21:12-17)
16 “સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ. 17 લોકોથી ચેતના રહેજો, કારણ એ લોકો તમારી ધરપકડ કરશે. તમને ન્યાય માટે લઈ જશે અને સભાસ્થાનોમાં લઈ જઈ તમારા પર કોરડા ફટકારાશે. 18 તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. 19 જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે. 20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.
21 “ભાઈઓ, ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે. પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે. 22 જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે.
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
મંદિર ચઢવાનું ગીત.
1 જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
તેઓને કદી હલાવામાં આવશે નહિ
તેઓ સદાકાળ ટકી રહેશે.
2 જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
3 કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.
4 હે યહોવા, જેઓ સારાઁ છે;
અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
5 દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.
ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!
કેવી રીતે જીવવું તે વિશે સાવધ રહો
12 તમે અશક્ત બની ગયા છો માટે તમારી જાતને ફરીથી વધુ બળવાન બનાવો. 13 સત્યના માર્ગે ચાલો તો તમે બચી જશો તેમાં તમારે કાંઇજ ગુમાવવાનું નથી.
14 બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ. 15 સાવધ રહો, તમારામાંથી કોઈ દેવની કૃપા મેળવવામાં નિષ્ફળ ન જાય, કોઈ તમારામાં કડવાશના બી ના ઉગાડે. કારણ કે તેવા માણસો ઘણા લોકોના જીવન બરબાદ કરી શકે છે. 16 તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. એક ભોજનના બદલામાં મોટો પુત્ર હોવાને લીધે જયેષ્ટ હકનો સોદો કરનાર એસાવની જેમ તમારામાંથી તમે કોઈ સાંસારિક મનવાળો ન બને. 17 યાદ રાખો, પાછળથી એસાવે આશીર્વાદ મેળવવા ભારે રુંદન સહિત પસ્તાવો કર્યો પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું અને પિતાએ આશીર્વાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ એસાવે જે કઈ કર્યુ છે તેમાંથી તે પાછો ફરી શકે તેમ નહોતો.
18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા. 19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવર પહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.”(A) એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા. 21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”(B)
22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International