Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1-4

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
    ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
    તમે મારું ગૌરવ છો;
    શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
    ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
    સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
    તેઓથી હું જરાય ડરીશ નહિ.

હે યહોવા, ઉઠો;
    મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
    કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

યહોવાની પાસે તારણ છે,
    લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.

તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.

એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

ગીતશાસ્ત્ર 7

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

મિખાહ 7:1-7

લોકોના પાપ વિષે મીખાહની વ્યાકુળતા

હું કેટલો ઉદાસ છું!
    કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી
અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી
    અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.
ભૂમિ પરથી બધાંજ ધામિર્ક
    માણસો નાશ પામ્યા છે,
ને મનુષ્યોમાં કોઇ પ્રામાણિક રહ્યો નથી;
    કોઇનું ખૂન કરવાનો લાગ શોધી રહ્યાં છે,
તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે.
    અમલદારો લાંચ માંગે છે,
આદરણીય લોકો પણ નિષ્ઠુરતાથી પોતાના
    સ્વાર્થનીજ વાતો કરે છે અને પોતાનું ધાર્યું કરે છે.
તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે;
    સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે,

ચોકીદારોનો દિવસ આવી રહ્યો છે

પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે.
    તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે;
ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો
    તમે અનુભવ કરશો.
પડોશીનો વિશ્વાસ કરશો નહિ,
    મિત્ર ઉપર આધાર રાખશો નહિ,
તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ
    પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.
કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી.
    પુત્રી માની સામે થાય છે,
ને વહું પોતાની સાસુની સામી થાય છે;
    માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.

યહોવા બચાવનાર છે

પણ હું તો યહોવા તરફ જોઇશ,
    હું મારા તારણ કરનાર દેવની વાટ જોઇશ;
    મારા દેવ મને સાંભળશે.

પ્રેરિતોનાં કૃત્યો 26:1-23

અગ્રીપા સમક્ષ પાઉલ

26 અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું હવે તારા બચાવમાં કહી શકે છે.” પછી પાઉલે તેનો હાથ ઊચો કર્યો અને બોલવાનું શરું કર્યુ. તેણે કહ્યું, “હે રાજા અગ્રીપા, મારા વિરૂદ્ધ યહૂદિઓએ જે બધા આરોપો મૂક્યા છે તે બધાનો હું જવાબ આપીશ. હું માનું છું કે હું ભાગ્યશાળી છું કે આજે હું તમારી સમક્ષ અહી ઊભો રહીને આ કરીશ. મને તારી સાથે વાત કરવાનો ઘણો આનંદ છે કારણ કે તમે બધા યહૂદિઓના રિવાજો તથા બાબતો જેના વિષે યહૂદિઓ દલીલો કરે છે તે વિષે તમે માહિતગાર છો. કૃપા કરીને ધીરજપૂર્વક મને ધ્યાનથી સાંભળો.

“બધાજ યહૂદિઓ મારા આખા જીવન વિષે જાણે છે. શરુંઆતથી મારા પોતાના દેશમાં અને પાછળથી યરૂશાલેમમાં હું જે રીતે જીવતો હતો તે તેઓ જાણે છે. આ યહૂદિઓ મને લાંબા સમયથી જાણે છે. જો તેઓ ઇચ્છે તો, તેઓ તેમને કહી શકશે કે, હું એક સારો ફરોશી હતો. અને ફરોશીઓ અમારા ધર્મના નિયમોનું પાલન, યહૂદિ લોકોના બીજા સમૂહો કરતાં વધારે કાળજીપૂર્વક કરે છે. હમણાં હું ન્યાય માટે ઊભો છું. કારણ કે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તેમા મને આશા છે. આ તે વચન છે કે આપણા લોકોની બાર જાતિઓ તે પ્રાપ્ત કરવાની આશા રાખે છે. આ આશૅંથી યહૂદિઓ રાત દિવસ દેવની સેવા કરે છે. મારા રાજા, યહૂદિઓએ મારા ઉપર તહોમત મૂક્યાં છે કારણ કે હું પણ એ જ વચનની આશા રાખું છું. શા માટે તમે લોકો વિચારો છો કે મૃત્યુ પામેલા લોકોને દેવ ઉઠાડે છે તે અસંભવિત છે?

“જ્યારે હું એક ફરોશી હતો, ત્યારે મેં વિચાર્યુ હતું કે નાઝરેથના ઈસુના નામ વિરૂદ્ધ મારે ઘણું કરવું જોઈએ. 10 અને યરૂશાલેમમાં મેં વિશ્વાસીઓની વિરૂદ્ધ ઘણું કર્યુ. પ્રમુખ યાજકોએ મને આમાંના ઘણા લોકોને કારાવાસમાં પૂરવાનો અધિકાર આપ્યો હતો. જ્યારે ઈસુના શિષ્યોને મારી નાખવામાં આવતા હતા. હું સંમત થતો કે તે એક સારી બાબત હતી. 11 પ્રત્યેક સભાસ્થાનમાં મેં તેઓને શિક્ષા કરી. મેં તેઓની પાસે ઈસુની વિરૂદ્ધમાં ખરાબ કહેવડાવવા પ્રયત્ન કર્યો. હું આ લોકોની વિરૂદ્ધ એટલો બધો ગુસ્સે થયો હતો કે મેં બીજા શહેરોમાં જઈને તેઓને શોધીને તેઓને ઇજા પહોંચાડી.

ઈસુના દર્શન વિષે પાઉલનું કથન

12 “એક વખતે મુખ્ય યાજકોએ મને દમસ્ક જવા માટેની સત્તા અને પરવાનગી આપી. 13 હું દમસ્કના માર્ગ પર હતો. હે રાજા! બપોરનો સમય હતો. મેં આકાશમાંથી પ્રકાશ જોયો. તે પ્રકાશ સૂર્યથી પણ વધારે તેજસ્વી હતો. તે તેજ મારી ચારે બાજુ અને જે માણસો મારી સાથે મુસાફરી કરતાં હતા તેઓના પર પ્રકાશ્યું. 14 અમે બધા જમીન પર પડી ગયા. પછી મેં એક વાણી યહૂદિ ભાષામાં સાંભળી. તે વાણીએ કહ્યું, ‘શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? મારી સાથે લડવામાં તું તારી જાતને જ નુકસાન કરી રહ્યો છે.’

15 “મેં કહ્યું, ‘પ્રભુ! તું કોણ છે?’

“પ્રભુએ કહ્યું, ‘હું ઈસુ છું. તું જેને સતાવે છે તે હું છું. 16 ઊભો થા! મારો સેવક થવા માટે મેં તને પસંદ કર્યો છે. તું મારો સાક્ષી થશે-તેં આજે મારા વિષે જોયું છે. અને પછી હું તને જે બતાવીશ તે તું લોકોને કહીશ. તેના કારણે હું આજે તારી પાસે આવ્યો છું. 17 હું તારા પોતાના લોકોથી તને ઇજા થવા દઇશ નહિ. અને હું તારું બિનયહૂદિઓથી પણ રક્ષણ કરીશ. હું આ લોકો પાસે તને મોકલું છું. 18 તું તે લોકોને સત્ય બતાવ. લોકો અંધકારમાંથી અજવાળામાં પાછા ફરશે. પછી તેઓ શેતાનની સત્તામાંથી પાછા ફરી દેવ તરફ પાછા ફરશે. પછી તેઓના પાપ માફ કરવામાં આવશે. જે લોકો મારામાં વિશ્વાસ રાખીને પવિત્ર થયા છે તેઓ તેમાં ભાગીદાર થશે.’”

પાઉલ તેના કાર્ય વિષે કહે છે

19 પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું: “રાજા અગ્રીપા, જ્યારે મેં આ આકાશી દર્શન જોયું, પછી મેં તેની આજ્ઞા માની. 20 મેં લોકોને કહેવાનું શરું કર્યુ. તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને દેવ પાસે પાછા ફરવું જોઈએ. મેં તે લોકોને કહ્યું કે તેઓએ ખરેખર પસ્તાવો કર્યો છે તે દર્શાવવા તેવાં કામો કરવાં જોઈએ. મેં સર્વ પ્રથમ આ વસ્તુઓ દમસ્કના લોકોને કહી. પછી હું યરૂશાલેમના તથા યહૂદિઓના દરેક ભાગમાં ગયો અને આ વાતો ત્યાં લોકોને કહી અને બિનયહૂદિ લોકો પાસે પણ હું ગયો.

21 “આ કારણથી જ યહૂદિઓએ મને પકડીને અને મંદિરમાં મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. 22 પણ દેવે મને મદદ કરી અને હજુ આજે પણ તે કરે છે. હું અહીં ઊભો છું કારણ કે મને દેવની મદદ મળી છે અને મેં જે કંઈ જોયું છે તે બધું લોકોને હું કહું છું. પણ હું કશું પણ નવું કહેતો નથી. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે તે થશે એ જ વાત હું કહું છું. 23 તેઓએ કહ્યું છે કે ખ્રિસ્ત મૃત્યુ પામશે અને તે પ્રથમ જ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે ખ્રિસ્ત યહૂદિ લોકો અને બિનયહૂદિ લોકો માટે પ્રકાશ લાવશે.”

લૂક 8:26-39

26 ઈસુ અને તેના શિષ્યો ગાલીલથી સરોવરને પેલે પાર હોડી હંકારી ગયા. તેઓ ગેરસાનીઓના લોકોના પ્રદેશમાં આવી પહોંચ્યા. 27 જ્યારે ઈસુ હોડીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે શહેરમાનો એક માણસ ઈસુ પાસે આવ્યો. આ માણસમાં ભૂતો હતાં. તે ઘણા લાંબા સમયથી કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ પણ જ્યાં લોકોના મૃતદેહો દાટવામાં આવતા તે ગુફાઓમાં તે રહેતો.

28-29 અશુદ્ધ આત્મા તેને વારંવાર વળગતો. તેને કાબુમાં રાખવા માટે તેના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવતા. તે માણસ હંમેશા સાંકળો તોડી નાંખતો. અને તેના અંદર રહેલા ભૂતો નિર્જન જગ્યાએ બહાર જવા તેને દબાણ કરતા. પછી ઈસુએ તે અશુદ્ધ આત્માને આ માણસમાંથી બહાર આવવા હુકમ કર્યો તે માણસ ઈસુની આગળ નીચે પડ્યો અને મોટા સાદેથી બૂમો પાડવા લાગ્યો, “ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસેથી શું ઈચ્છે છે? મહેરબાની કરીને મને શિક્ષા કરીશ નહિ!”

30 ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?”

તે માણસે ઉત્તર આપ્યો, “સેના.” (તેણે કહ્યું તેનું નામ સેના હતું કારણ કે ઘણા ભૂતો તેનામાં પેઠાં હતા.) 31 ભૂતોએ ઈસુને વિનંતી કરી કે અમને અનંતકાળના અંધકારમાં મોકલીશ નહિ. 32 ત્યાં એક ટેકરીની બાજુમાં ઘણાં ભૂંડોનું ટોળું ચરતું હતું. ભૂતોએ ઈસુને વિનંતી કરી કે, અમને ભૂંડોમાં પ્રવેશવાની રજા આપો. તેથી ઈસુએ ભૂતોને તેમ કરવાની રજા આપી. 33 પછી ભૂતો માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. પછી ભૂંડોનું ટોળું પહાડની ધાર પરથી સરોવરમાં ધસી પડ્યું. બધાજ ભૂંડો ડૂબીને મરી ગયા.

34 ભૂંડો ચરાવનાર જે થયું હતું તે જોઈને તે પણ ભાગી ગયો. તે માણસોએ એ વાત શહેરમાં અને ગામડાંઓમાં જાહેર કરી. 35 શું બન્યું છે તે જોવા લોકો બહાર આવ્યા. લોકો ઈસુ પાસે આવ્યા ત્યાંરે તે માણસને ઈસુના પગ આગળ બેઠેલો જોયો. તે માણસે કપડાં પહેરેલાં હતા. માનસિક રીતે તે ફરીથી સ્વસ્થ હતો. અને અશુદ્ધ આત્માઓ જતા રહ્યાં હતા. તે લોકો ડરી ગયા. 36 તે લોકો કે જેમણે આ બાબત બનતાં જોઈ હતી તેમણે ઈસુએ આ માણસ કે જનામાં ભૂતો હતાં તેને કેવી રીતે સાજો કર્યો તે બીજા લોકોને કહ્યું. 37 ગેરસાનીઓના બધાજ લોકોએ ઈસુને દૂર ચાલ્યા જવા કહ્યું. તેઓ બધા ડરી ગયા હતા.

તેથી ઈસુ પાછો હોડીમાં બેઠો અને ગાલીલ પાછો ફર્યો. 38 જે માણસ કે જેનામાંથી ભૂતો નીકળ્યાં હતા તેણે ઈસુ સાથે જવા વિનંતી કરી. પણ ઈસુએ તે માણસને વિદાય કર્યો. અને કહ્યું, 39 “તારે ઘરે પાછો જા અને દેવે તારે માટે શું કર્યુ છે તે લોકોને કહે.”

તેથી તે માણસ ગયો અને આખા શહેરમાં કહ્યું કે ઈસુએ તેને માટે શું કર્યુ છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International