Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
કારણકે તે સારું અને ગમતું છે.
2 યહોવા યરૂશાલેમને બાંધે છે;
તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે;
અને તેઓને નામ દઇને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે!
તેમના સાર્મથ્યનો પાર નથી!
તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
6 યહોવા નમ્રજનોને આધાર આપે છે;
પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
8 તે આકાશને વાદળોથી ઢાંકે છે;
પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
1 યહોવાની સ્તુતિ કરો!
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
2 યહોવાના કાર્યો મહાન છે;
લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
3 તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
4 દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
5 તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
6 તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
7 તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
8 કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
તેઓ સદાને માટે અચળ છે.
9 દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
યહોવા દેવની ફરિયાદ
6 હવે યહોવા શું કહે છે તે તમે સાંભળો:
“ઊઠ, ઊભો થા, અને ડુંગરો
અને પર્વતોને ફરિયાદ સાંભળવા માટે બોલાવ.
2 હે પર્વતો તથા પૃથ્વીના અચલ પાયાઓ,
તમે યહોવાની ફરિયાદ સાંભળો,
કારણકે તેમની ફરિયાદ પોતાના ઇસ્રાએલી લોકો વિરુદ્ધ છે,
તે તેઓની સામે કાયદેસરના પગલાં ભરશે.”
3 યહોવા કહે છે, “હે મારી પ્રજા, મેં તમને શું કર્યુ છે?
તમને કઇ રીતે દુ;ખ આપ્યું છે?
એનો મને જવાબ આપો.
4 હું તમને મિસરમાંથી બહાર લઇ આવ્યો,
મેં તમને ગુલામીમાંથી મુકત કર્યા
અને તમને દોરવણી આપવા માટે મેં મૂસાને,
હારુનને અને મરિયમને મોકલ્યાં હતાં.
5 હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી,
અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો?
યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું,
જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”
દેવ આપણી પાસે શું માગે છે?
6 હું જ્યારે પરાત્પર દેવની ઉપાસના કરવા આવું ત્યારે સાથે શું લેતો આવું?
એક વર્ષના વાછરડાઓનાં અર્પણ સાથે શું અમે યહોવાની સમક્ષ નમન કરીએ?
ના, એમ નહિ!
7 જો તમે હજારો ઘેટાં અને 10,000 કરતાં વધારે જૈતતેલની નદીઓનું તેમને અર્પણ કરો,
તો શું તે રાજી થશે?
શું તેનાથી તેને સંતોષ થશે?
શું હું મારા પ્રથમ જન્મેલા બાળકનું મારા આત્માના પાપ માટે બલિદાન કરું?
મારા અપરાધો માટે મારું પોતાનું શરીર ફળ ભોગવશે.
8 ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે.
અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે,
ફકત તમે ન્યાય આચરો,
દયાભાવને ચાહો
અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.
9 પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ. 10 અમે તો ખ્રિસ્ત માટે મૂર્ખ છીએ. પરંતુ તમે માનો છો કે તમે ખ્રિસ્તમાં ઘણા જ્ઞાની છો. અમે તો નિર્બળ છીએ. પરંતુ તમે માનો છો કે તમે શક્તિશાળી છો. લોકો તમને માન આપે છે, પણ અમારું અપમાન કરે છે. 11 અત્યારે પણ અમારી પાસે પૂરતું ખાવા કે પીવાનું નથી કે અમારી પાસે પૂરતાં કપડાં નથી. અમારે ઘણી વાર માર ખાવો પડે છે. અમારી પાસે કોઈ ઘર નથી. 12 અમારે અમારી જાતે અમારા પોતાના હાથે અમને પોષવા સખત પરિશ્રમ કરવો પડે છે. લોકો અમને શાપ આપે છે. પરંતુ અમે તેમને આશીર્વાદ આપીએ છીએ. લોકો અમને હેરાનગતિ કરે છે, અને અમે તે સ્વીકારીએ છીએ. 13 લોકો અમારા વિષે ખરાબ બોલે છે, પરંતુ અમે તેમને સારી બાબતો કહીએ છીએ. આ ક્ષણે પણ લોકો હજુ પણ અમારી સાથે એવો વર્તાવ કરે છે કે જાણે અમે જગતનો કચરો અને સમાજનો મેલ હોઈએ.
14 હું તમને શરમાવવાનો પ્રયત્ન કરવા માગતો નથી. પરંતુ આ બધી બાબતો હું તમને ચેતવણી આપવા માટે લખી રહ્યો છું. જાણે તમે મારા પોતાના જ પ્રિય બાળકો હો! 15 ખ્રિસ્તમાં તમારી પાસે 10,000 શિક્ષકો હશે, પરંતુ તમારી પાસે અનેક પિતા નહિ હોય. સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા બન્યો છું. 16 તેથી કરીને હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા જેવા બનો.
ઈસુ બીન યહૂદિ સ્ત્રીને મદદ કરે છે
(માર્ક 7:24-30)
21 પછી એ વિસ્તારમાંથી ઈસુ દૂર તૂર અને સિદોનના પ્રદેશમાં ગયો. 22 ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.”
23 પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.”
24 ઈસુએ કહ્યું, “દેવે મને ઈસ્રાએલના (યહૂદિઓ) ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે મોકલ્યો છે.”
25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર!”
26 ઈસુએ કહ્યું, “છોકરાઓની રોટલી લઈન કૂતરાંઓને આપવી એ બરાબર નથી.”
27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”
28 ઈસુએ કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે! તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ.” તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International