Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 72

સુલેમાનનું ગીત.

હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
    અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
    તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
    આબાદી ને સમૃદ્ધિ લાવશે.
તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
    અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
    અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
જેમ ખેતરો પર વરસાદ પડે છે,
    વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
    અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
    અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
તેની સમક્ષ રણવાસીઓ નમશે,
    અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
    તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
    અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
    પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
    અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
    તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
    રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
    ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
    પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
    ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
    અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
    તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.

18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
    એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
    સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!

20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.

ગીતશાસ્ત્ર 119:73-96

યોદ

73 તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે;
    તમારી આજ્ઞાઓ શીખવો;
    અને તેનું પાલન કરવાની સમજ આપો.
74 તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે;
    કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
75 હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે.
    અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
76 તમારા વચન પ્રમાણે તમારા સેવકને
    તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો,
    તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78 ભલે અભિમાનીઓ લજ્જા પામો, તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે
    અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે.
    છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
79 ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે
    અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે;
    તેઓ મારી પાસે આવો.
80 તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિર્દોષ શુદ્ધ રહો;
    તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો;
    જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.

કાફ

81 મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે.
    પણ હું તમારા વચનની આશા રાખું છું.
82 તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે.
    જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે.
    તમે મને ક્યારે આશ્વાસન આપશો?
83 હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું,
    પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
84 કેટલા દિવસ છે તારા સેવકના?
    તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
85 જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા;
    તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે.
    તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87 તેઓએ લગભગ મને મારી નાખ્યો,
    છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો;
    એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

લામેદ

89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે;
    તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ,
    તે સર્વ તમારા સેવકો છે.
92 જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં;
    તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત.
93 હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને,
    કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
94 હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ,
    મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે;
    છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે,
    પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.

અયૂબ 42

અયૂબનો જવાબ

42 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:

“હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે.
    તને કોઇ અટકાવી શકે તેમ નથી.
યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’
    મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી,
    મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.

“તેં કહ્યું હતું કે, ‘સવાલ પૂછવાનો વારો મારો છે
    ને જવાબ આપવાનો વારો તારો છે.’
આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું
    પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.
અને યહોવા, મને શરમ આવે છે.
    હું ખૂબ દિલગીર છું.
જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ,
    હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”

યહોવા અયૂબને એની સંપતિ પાછી આપે છેં

યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ. તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”

અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું. 11 અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી.

12 યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી. 13 તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. 14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું. 15 સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.

16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ. 17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો.

પ્રેરિતોનાં કૃત્યો 16:16-24

પાઉલ અને સિલાસ કારાવાસમાં

16 જ્યારે અમે પ્રાર્થના માટેની જગ્યાએ જતા હતા ત્યારે એક વખતે અમારી સાથે કંઈક બન્યું. એક જુવાન દાસી અમને મળી. તેનામાં એક અગમસૂચક આત્મા[a] હતો. આ આત્મા તેને ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવાનું સાર્મથ્ય આપતો. આમ કરવાથી તેણે ખૂબ પૈસા તેના માલિકને કમાવી આપ્યા. 17 આ છોકરી પાઉલને અને અમને અનુસરી. તેણીએ મોટે સાદે કહ્યું, “આ માણસો પરાત્પર દેવના સેવકો છે! તેઓ તમને કહે છે તમારું તારણ કેવી રીતે થશે?” 18 ઘણા દિવસો સુધી તેણે આ કરવાનું ચાલુ રાખ્યું. પાઉલ બેચેન હતો. તેથી તેણે તેના તરફ ફરીને આત્માને કહ્યું, “ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી હું તને આજ્ઞા કરું છું કે તું એનામાંથી બહાર નીકળી જા!” તરત જ તે આત્મા બહાર નીકળી ગયો.

19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા. 20 તે માણસો પાઉલ અને સિલાસને આગેવાનોની આગળ લાવ્યા અને કહ્યું, “આ માણસો યહૂદિઓ છે. તેઓ આપણા શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરે છે, 21 તેઓ લોકોને એવું કહે છે, જે આપણા માટે યોગ્ય નથી. આપણે રોમન નાગરિકો છીએ. આપણે આ વસ્તુઓ કરી શકીએ નહિ.”

22 લોકો પાઉલ અને સિલાસની વિરૂદ્ધ થયા પછી તે આગેવાનોએ પાઉલ અને સિલાસના વસ્ત્રો ફાડી નાખ્યાં અને પાઉલ અને સિલાસને ફટકા મારવાની આજ્ઞા કરી. 23 તે માણસોએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી આગેવાનોએ પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા. તે આગેવાનોએ દરોગાને કહ્યું, “સખ્ત જાપ્તા નીચે તેઓની ચોકી કરજે.” 24 દરોગાએ આ ખાસ હુકમ પાળ્યો, તેથી તેણે પાઉલ અને સિલાસને જેલમાં ખૂબ દૂર અંદરની બાજુએ પૂર્યા. તેણે તેઓના પગ બે લાકડાના મોટા ટૂકડાઓ વચ્ચે બાંધી દીધા.

યોહાન 12:20-26

ઈસુ જીવન અને મૃત્યુ વિષે વાત કરે છે

20 ત્યાં કેટલાક ગ્રીક લોકો પણ હતા. પાસ્ખાપર્વમાં જે લોકો યરૂશાલેમથી આવેલા હતા તે ભજન કરવા ગયા. 21 આ ગ્રીક લોકો ફિલિપ પાસે ગયા. (ફિલિપ ગાલીલના બેથસૈદાનો હતો.) ગ્રીક લોકોએ કહ્યું, “સાહેબ, અમારી ઈચ્છા ઈસુને મળવાની છે.” 22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને કહ્યું.

23 ઈસુએ તેઓને કહ્યું, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું તમને સત્ય કહું છું એક ઘઉંનો દાણો જમીન પર પડે છે અને મરી જાય છે. પછી તે ઊગે છે અને ઘણા બીજ બનાવે છે. પણ જો તે કદી મરી નહિ જાય, તો પછી તે ફક્ત એક સાદો દાણો જ રહેશે. 25 જે વ્યક્તિ તેના પોતાના જીવ પર પ્રીતિ કરે છે તે જીવન ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ દુનિયામાં પોતાના જીવને ધિક્કારે છે તે જીવન ને ટકાવે છે. તેને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International