Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:1-24

આલેફ

જેઓ પવિત્ર જીવન જીવે છે,
    તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે,
    તેઓ સર્વ આશીર્વાદિત છે.
તેઓ કદી ખરાબ કામ કરતા નથી,
    અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
તમે અમને નિયમો આપ્યાં છે,
    તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે
    તેમ હું ઇચ્છુ છું.
પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ
    હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ;
    ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
હું તમારા વિધિઓને અનુસરીશ,
    તેથી કૃપા કરી મને છોડશો નહિ!

બેથ

જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
    તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
    તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
    જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
    મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
    મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
    હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
    હું તેમને ભૂલી જઇશ નહિ.

ગિમેલ

17 મને તમારા સેવકને બદલો આપો;
    જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
    મારી આંખો ઉઘાડો.
19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું;
    તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
20 મારું હૃદય તમારા ન્યાયવચનો
    માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
21 તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી.
    તેમને ઠપકો આપો છો.
22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો;
    કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
23 સરદારો પણ આસનો પર બેઠાબેઠા
    મારી વિરુદ્ધ બોલતા હતા;
    પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
24 હું તમારા નિયમોને માનું છું. અને હા,
    તેઓ મારા સલાહકારો પણ છે.

ગીતશાસ્ત્ર 12-14

નિર્દેશક માટે, શેમીનીથ મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, રક્ષા કરો;
    દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે
    તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે.
    લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો
    અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.
તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું;
હોઠ અમારા પોતાના છે,
    અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”

યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ
    અને તમારું રક્ષણ કરવા આવીશ,
કારણ કે ગરીબો લૂટાયા
    તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે.
    તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”

યહોવાના શબ્દો સાત વખત
    ભઠ્ઠીમાં તપાવેલી
    ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

હે યહોવા, તેઓને સંભાળજો;
    આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે.
    અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
    શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
    જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
    કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?

હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
    જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
    મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.

મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
    તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
    કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
    તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.

યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
    કે કોઇ ડાહ્યાં લોકો છે
    કે જેમને દેવની મદદની જરૂર છે.
પણ ના! ત્યાં કોઇ નથી.
    બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
    દૂર થઇ ગયા છે.

તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
    અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
    તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
    કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
    પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.

ભલે ઇસ્રાએલનું તારણ
    સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
    ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
    અને ઇસ્રાએલ સુખી થશે.

અયૂબ 6:1

અયૂબનો જવાબ

પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:

અયૂબ 7

અયૂબે કહ્યું:

“શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી?
    શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી?
એ તો આતુરતાથી છાંયડાની રાહ જોનાર સેવક
    અને પોતાના પગારની રાહ જોનાર મહેનતાણુ લઇ કામે રહેલા કામદાર જેવી છે.
મારે અર્થહીન મહિનાઓ
    અને કંટાળાભરેલી રાત્રિઓ પસાર કરવી પડે છે.
હું જ્યારે સૂવા જાઉ છું
    ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’
રાત્રિ પસાર થયા કરે છે. હું
    સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.
મારા શરીર પર ધૂળ જામી જાય છે અને એમાં કીડા પડ્યાં છે.
    મારી ચામડી સૂકાઇને તરડાઇ ગઇ છે.

“મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે,
    અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.
દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે.
    હું ફરી કંઇ સારું જોઇશ નહિ.
દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી
    તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ.
જેમ વાદળાં વિખેરાઇ અને અલોપ થઇ જાય છે,
    જે કબરમાં જાય છે ને ફરી કદી ઉપર આવશે નહિ.
10 તે પોતાને ઘેર ફરી કદી પાછો ફરશે નહિ,
    તે કુટુંબથી અને ઘરથી હમેશ માટે દૂર થઇ જશે.

11 “મને મારો ઊભરો ઠાલવવા દો,
    મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ.
    હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.
12 હે દેવ! તમે મને એકલો શા માટે મૂકતા નથી?
    શું હું સમુદ્ર કે સમુદ્રનું પ્રચંડ પ્રાણી છું કે તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 જ્યારે હું એમ કહું છું, હવે પથારીમાં સૂઇ જાઉં
    ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે.
14 ત્યારે તમે મને ભયાનક સ્વપ્નો દ્વારા બીવડાવો છો.
    અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 ત્યાં હું જીવવાને બદલે ગુંગળાઇને
    મરી જાઉ તો વધારે સારું.
16 હવે હું ત્રાસી ગયો છું.
    મારે કાયમ માટે જીવવું નથી.
મને એકલો રહેવા દો.
    મારા જીવનનો કોઇ અર્થ નથી!
17 દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો?
    તમારે શા માટે તેને માન આપવું જોઇએ?
    તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?
18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો
    અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 શા માટે તમે મને છોડી દેતાં નથી?
    હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને એકલો કેમ મૂકતા નથી?
20 દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય,
    કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું?
તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે?
    જેથી હું બોજારૂપ થઇ ગયો છું?
21 તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી?
    તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી?
થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ.
    તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”

પ્રેરિતોનાં કૃત્યો 10:1-16

પિતર અને કર્નેલિયસ

10 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો. કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો. એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”

કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?”

તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે. સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.” જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો. કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.

બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો. 10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. 11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું. 12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. 13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”

14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”

15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!” 16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું.

યોહાન 7:1-13

ઈસુ અને તેના ભાઈઓ

આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં. તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો. તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે. જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.” (ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)

ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે. જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે. તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.” ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.

10 તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો. 11 યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”

12 ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.” 13 પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International