Book of Common Prayer
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,
હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”
સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
2 મેં મારી જાતને શાંત કરી છે.
મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.
મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા
અને સદાય ભરોસો રાખ.
મંદિર પરના ચઢાણ માટેનું ગીત.
1 હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
2 યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
3 “જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
4 ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
5 વળી મારી આંખોને ઊંઘ
અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”
6 દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
7 પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
8 હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
તમારા વિશ્રામસ્થાનમાં આવો.
9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
“હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.
13 હે યહોવા, તમે સિયોનને
તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
“મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.
મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
અને શોભાયમાન છે!
2 તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3 વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.
મંદિર પર ચઢવા માટેનું ગીત.
1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
તમે યહોવાને સ્તુત્ય માનો.
2 પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
અને યહોવાની સ્તુતિ કરો.
3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
તમને આશીર્વાદ આપો!
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
અયૂબની કસોટી
1 ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો. 2 તેનો પરિવાર મોટો હતો. અયૂબને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ દશ સંતાન હતા. 3 તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.
4 અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા. 5 તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય.
6 એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો. 7 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં ગયો હતો?”
શેતાને યહોવાને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ ભટકતો હતો.”
8 પછી યહોવાએ શેતાનને કહ્યું, “તો પછી તેં મારા સેવક અયૂબને જોયો હશે! તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ વસ્તુનો ઇન્કાર કરનાર છે.”
9 શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે? 10 તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે. 11 એક વાર તેની સંપત્તિને સ્પર્શ કરો, પછી જુઓ, એ કેવો તમારી સામો થાય છે? તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ?”
12 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ,”
એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.
અયૂબનું બધું જતું રહ્યું
13 એક દિવસે તેના પુત્રો અને તેની પુત્રીઓ તેઓનો મોટા ભાઈના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતા હતા. તે સમયે, 14 એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા. 15 એટલામાં અચાનક શબાઇમ લોકોએ અમારા પર હુમલો કર્યો. અને તમારા બધા પશુઓને ઊપાડી ગયા અને બધા સેવકોને મારી નાંખ્યા, ફકત હું જ બચી ગયો છું તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.”
17 તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.”
18 જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ. 19 પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
20 પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી. 21 કહ્યું કે,
“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું
નગ્ન આવ્યો હતો
અને મારા મૃત્યુ સમયે
પણ મારી પાસે કશું જ નહિ હોય.
યહોવાએ આપ્યું,
અને યહોવાએ લઇ લીધું છે;
યહોવાના નામને ધન્ય હો.”
22 આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.
ઈથિઓપિયાના એક માણસને ફિલિપનો બોધ
26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
27 તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો. 28 હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.” 30 તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
31 તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું. 32 શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:
“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો.
તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ.
તે કંઈ જ બોલ્યો નહિ.
33 તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા.
પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો;
તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” (A)
34 તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?” 35 ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી.
36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.” 37 ફિલિપે જવાબ આપ્યો, જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.” 38 પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો. 40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:22-27; માર્ક 6:45-52)
16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
લોકો ઈસુને શોધે છે
22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.
ઈસુ, જીવનની રોટલી
25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International