Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 89

એથાન એઝાહીનું માસ્કીલ.

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
    સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
    અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
    અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
    અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”

પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
    અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
    જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
    જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
    દેવ ભયાવહ અને સન્માનનીય છે.
હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
    તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
    તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
    તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
    તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
    તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
    તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
    મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
    તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
    તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
    અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
    અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
    અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
    અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
    મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
    અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
    અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
    અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
    ને હું નિરંતર પ્રેમ રાખીશ;
    મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
    અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
    તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
    અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
    અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
    સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
    તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
    અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
    અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
    અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
    અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
    મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
    હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
    અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
    સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
    તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
    તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
    અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
    અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
    અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
    અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
    અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
    અને તમે તેને શરમાવ્યો છે.

46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
    શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
    શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
    શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
    શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
    જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
    અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!

52 યહોવાની સદાય સ્તુતિ કરો.
    આમીન તથા આમીન!

ન્યાયાધીશો 12:1-7

યફતાનો એફ્રાઈમ લોકો પર હુમલો

12 એફ્રાઈમના કુળસમૂહ યુદ્ધ માંટે ભેગા થયા અને સાફોન ગયા. તેમણે યફતાને કહ્યું, “તું અમને બોલાવ્યા વિના આમ્મોનીઓ સામે લડવા કેમ ગયો? અમે તને તથા તારા ઘરને પણ સળગાવી દઈશું.”

યફતાએ તેઓને કહ્યું, “માંરે અને માંરા માંણસોને આમ્મોનીઓ સાથે ભારે ઝધડો થયો હતો. મેં તમને મદદ માંટે બોલાવ્યા હતાં, પણ તમે અમને તેમનાથી બચાવવા આવ્યા નહિ, મેં જોયું કે તમે અમને મદદ કરવા આવ્યા નહોતાં, તેથી તમાંરી મદદ વિના હું એકલો માંરા જીવના જોખમે આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા ગયો, યહોવાએ મને માંરા દુશ્મનો પર વિજય અપાવ્યો, તો પછી તમે આજે માંરી સાથે લડવા શા માંટે આવો છો?”

ત્યાર પછી યફતાએ ગિલયાદના બધા માંણસોને એકત્રિત કર્યા અને એફ્રાઈમના કુળસમૂહ સાથે લડાઈ કરી અને તેઓને હરાવ્યા; કારણ કે, એફ્રાઈમના લોકો તેમને હંમેશા કહેતા, “તમે સર્વ જે ગિલયાદમાં રહો છો, એફ્રાઈમથી ભાગી આવેલા છો, તમાંરી પાસે તમાંરી પોતાની જમીન નથી તમે એફ્રાઈમ અને મનાશ્શા વચ્ચે રહો.”

તેણે એફ્રાઈમના સૈન્યની પાછળ આવેલા યર્દનના આરા કબજે કરી લીધા, કોઈ એફ્રાઈમી યર્દન ઓળંગીને નાસી જવા પ્રયત્ન કરે તો ગિલયાદના રક્ષકો તેને પડકારતા. “શું તું એફ્રાઈમના કુળનો છે?” જો તે “ના” કહે તો તેઓ કહેતા, “કે બોલ, ‘શિબ્બોલેથ’” પણ તે “સિબ્બોલેથ” બોલતો, કારણ તે એનો ચોખ્ખો ઉચ્ચાર કરી શકતો નહિ, એટલે તેઓ તેને પકડીને યર્દનના ઘાટ ઉપર માંરી નાખતા, તે યુદ્ધમાં 42,000 એફ્રાઈમીઓ માંર્યા ગયા હતાં.

ગિલયાદનો યફતા છ વર્ષ ઈસ્રાએલનો ન્યાયાધીશ તરીકે હતો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને ગિલયાદમાં તેના પોતાના શહેરમાં દફનાવવામાં આવ્યો.

પ્રેરિતોનાં કૃત્યો 5:12-26

દેવ તરફથી સાબિતી

12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો. 13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા. 14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા. 15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે. તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે. 16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.

યહૂદિઓનો પ્રેરિતોને અટકાવવાનો પ્રયત્ન

17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ. 18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા. 19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું, 20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.” 21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો.

પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા. 22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી. 23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!” 24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”

25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!” 26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.

યોહાન 3:1-21

ઈસુ અને નિકોદેમસ

ત્યાં નિકોદેમસ નામનો માણસ હતો નિકોદેમસ ફરોશીઓમાંનો એક હતો. તે એક અગત્યનો યહૂદિ અધિકારી હતો. એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો. નિકોદેમસે કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે. તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ.”

ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”

નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”

પણ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે. મેં તને કહ્યું કે, તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના. પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે. તું ફૂંકાતા પવનને સાંભળે છે, પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે. આત્મામાંથી જન્મેલું છે, તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે.”

નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”

10 ઈસુએ કહ્યું, “તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે. પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી? 11 હું તને સત્ય કહું છું. અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ. અમે જે જોયું છે તે અમે કહીએ છીએ. પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી. 12 મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે. પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી. તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ! 13 ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”

14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે. 15 પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે.”

16 હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 17 દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય. 18 જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી. 19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં. 20 દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે. 21 પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International