Book of Common Prayer
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
“તમે મારા માલિક છો.
મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
“એવાં સ્રી પુરુષના સંગમાંજ
મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
અને મારો આત્મા પણ ખુશ છે;
તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
શેઓલને સોંપશો નહિ.
તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
2 હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
તમે સત્યને જોઇ શકો છો.
3 તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
4 મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
અને મારો પગ કદી લપસ્યો નથી.
6 હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
અને તેનો જવાબ આપો.
7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
8 તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
9 મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.
13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
તેઓને પાડી નાખી પરાજીત કરી દો
અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.
15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.
નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.
1 હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 દેવ, તમે પવિત્ર છો.
તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
અને મને તુચ્છ ગણે છે.
7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
“તે જરૂર તને ઉગારશે કારણ
તે તને ખૂબ પસંદ કરે છે.”
9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 જેમ પાણી વહી જાય તેમ,
મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે;
અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે!
તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે
અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.
19 હે યહોવા, મારાથી દૂર ન જશો.
હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 મને આ તરવારથી બચાવો,
મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 મને સિંહોના જડબામાંથી બચાવો.
તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.[a]
22 હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ.
હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
7 ત્યારબાદ મૂસાએ યહોશુઆને બોલાવડાવીને બધા ઇસ્રાએલીઓ સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થજે, દૃઢ રહેજે, કારણ, તારે આ લોકોને યહોવાએ એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં લઈ જવાના છે. અને તારે એ લોકોને તે દેશની ભૂમિ વહેંચી આપવાની છે, 8 યહોવા જાતે તારી આગેવાની લેશે, તે તારી સાથે રહેશે, તે તારા પ્રત્યે અવિશ્વાસુ બનશે નહિ; કે તને એકલોે પણ મૂકશે નહિ, માંટે તું જરાય ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”
નિયમનું પારાયણ
9 મૂસાએ આ નિયમ લખીને યહોવાના નિયમના ગ્રંથમાં ઉપાડનાર લેવી યાજકોને અને બધા આગેવાનોને પણ તે નિયમની એક એક નકલ આપી. 10 અને તેઓને એવી આજ્ઞા કરી કે, “દર સાતમે વર્ષે, એટલે કે મુકિત માંટે નક્કી કરેલા વર્ષે માંડવાન ઉત્સવ વખતે, 11 જયારે બધા ઇસ્રાએલીઓ યહોવા તમાંરા દેવે પસંદ કરેલા સ્થાને દેવને મળવા આવે ત્યારે તમાંરે આ નિયમો જાહેરમાં વાંચી સંભળાવવો, કે જેથી ઇસ્રાએલના લોકો તેઓને સાંભળી શકે. 12 તમાંરે સૌ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તમાંરા ભેગા વસતા વિદેશીઓને આ સાંભળવા માંટે સભામાં એકત્ર કરવાં, જેથી તેઓ યહોવાથી ગભરાઇને જીવતાં શીખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. 13 અને આ નિયમથી જાણીતા નહિ એવા તેમના વંશજો પણ એ સાંભળશે, યર્દન નદીની સામેની ભૂમિ કે જે તમે કબજે કરવા જઇ રહ્યાં છો તેમાં યહોવા તમાંરા દેવથી ગભરાતા શીખે.”
મૂસા ઇસ્રાએલીઓને ચેતવણી સાથે છે
24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો અથથી ઇતિ સૂધી એક પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું. 25 ત્યાર પછી આમ કહીં તેણે યહોવાના કરારકોશને ઉપાડવાની લેવીઓને આજ્ઞા કરી, 26 “આ નિયમના ગ્રંથમાં લો અને તેને તમાંરા દેવ યહોવાની કરારકોશની જોડે રાખો, જેથી એ ઇસ્રાએલી પ્રજાને ગંભીર ચેતવણી તરીકે તે ત્યાં જ રહે. 27 મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો! 28 હવે તમાંરા બધા કુળસમૂહોના આગેવાનો, વડીલો અને અમલદારોને માંરી આગળ ભેગા કરો, જેથી હું તેઓ સાથે વાત કરું. અને આકાશ તથા પૃથ્વીને તેઓની વિરુદ્ધ સાક્ષી તરીકે રાખું. 29 મને ખબર છે કે માંરા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો, મેં તમને જે માંર્ગ અપનાવવાની આજ્ઞા કરી હતી તે માંર્ગ છોડી દઈને તમે યહોવાથી તથા તેમની આજ્ઞાઓથી ભટકી જશો, તેથી ભવિષ્યમાં તમાંરા પર આફત ઊતરવાની છે, કારણ કે યહોવાની નજરમાં જે ભૂંડું છે તે તમે કરશો અને તમે યહોવાને ખૂબ ગુસ્સે કરશો.”
મૂસાનું વિદાયગીત
30 પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજના સાંભળતાં એ આખા ગીતનો પાઠ કર્યો:
32 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો,
અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ.
2 માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે,
માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે
ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ,
ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.
3 હું યહોવાની મહાનતા પ્રગટ કરીશ આવો, આવો, અને તેની મહાનતા ગાઓ.
4 “યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;
કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે,
તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે.
તે સર્વદા વિશ્વાસપાત્ર છે!
તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.
10 ભાઈઓ તથા બહેનો, મારી સૌથી મોટી ઈચ્છા એ છે કે યહૂદિઓ તારણ પામે. દેવને મારી એ જ પ્રાર્થના છે. 2 યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી. 3 દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ. 4 ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય.
5 નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે, “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”(A) 6 પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો, ‘ઉપર આકાશમાં કોણ જશે?’” (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”) 7 “અથવા તમે આમ પણ પૂછશો નહિ, ‘કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?’” (એનો અર્થ છે, “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”)
8 શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.(B) 9 જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે. 10 હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે.
11 હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”(C) 12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે. 13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”(D)
15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે) 16 “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે. 17 જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ. 18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.
19 “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે. 20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. 21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.
22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.
23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. 24 કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે. 25 જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.
26 “તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ. 27 જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે. 28 જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે.
29 “એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ:
‘સૂરજ અંધકારરૂપ થઈ જશે,
અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ.
અને તારાઓ આકાશમાંથી ખરી પડશે.
આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’[a]
30 “એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે. 31 માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International