Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 120-127

મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.

મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
    અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
    તમે મારા આત્માને બચાવો.

હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
    તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
    અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
    અને કેદારનાં તંબુઓમાં વસું છું.
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
    હું ધરાઇ ગયો છું.
જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
    હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
    મને સહાય ક્યાંથી મળે?
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
    યહોવા પાસેથી મને સહાય મળે છે.
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
    તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
    અને નિદ્રાવશ થતો નથી.
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
    યહોવા તમારા રક્ષક છે.
સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
    અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
    યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
    તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

મંદિરે ચઢવાનું ગીત.

યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
    મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
ફરી એક વખત યરૂશાલેમ
    એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
    અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
    લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
    જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
    અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
    તારામાં શાંતિ થાઓ.
યહોવા અમારા દેવના મંદિરને માટે
    હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

મંદિર ચઢવાનું ગીત.

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
    તેઓને કદી હલાવામાં આવશે નહિ
    તેઓ સદાકાળ ટકી રહેશે.
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
    તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
    નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.

હે યહોવા, જેઓ સારાઁ છે;
    અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
    લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.

ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

મંદિરે ચઢવા માટેનું ગીત.

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
    ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
    ત્યારે વિદેશીઓએ કહ્યું,
    “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
    જેથી અમે આનંદ પામીએ છીએ.

હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
    અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
    તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
    તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.

સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.

જો યહોવા ઘર ન બાંધે તો;
    બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
    ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
    સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
    પ્રત્યેકને આરામ આપે છે.

બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
    તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો તો;
    બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
    જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
    કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

ગણના 22:21-38

બલામ અને તેની ગધેડી

21 આથી બલામ બીજી સવારે પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના આગેવાનો સાથે ગયો. 22 પરંતુ બલામ તેઓની સાથે ગયો તેથી દેવને તેના પર રોષ ચઢયો, જ્યારે બલામ પોતાના બે નોકરો સાથે ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેને રોકવા માંટે તેના રસ્તામાં યહોવાનો દૂત ઊભો રહ્યો.

23 અચાનક રસ્તાની વચ્ચે તરવાર ખેચીને ઊભેલા યહોવાના દૂતને ગધેડીએ જોયો, તેથી ગધેડીએ પોતાનો રસ્તો બદલ્યો અને ખેતરમાં વળી ગઈ. બલામ તેને માંરીને ફરી રસ્તા પર લઈ આવ્યો.

24 પછી યહોવાનો દૂત એક નાળિયા આગળ જઈને ઊભો રહ્યો, જેની બંને બાજુએ પથ્થરોની વાડ કરેલી દ્રાક્ષની વાડીઓ આવેલી હતી. 25 યહોવાના દૂતને જોતા ગધેડી એક તરફ પથ્થરની વાડની નજીક ચાલવા લાગી અને બલામનો પગ દિવાલમાં ચગદાયો, તેથી તેણે ગધેડીને ફરી માંરી.

26 ત્યાંથી આગળ જઈને યહોવાનો દૂત એક એવી સાંકડી જગ્યાએ ઊભો રહ્યો કે, જયાંથી ગધેડી આમતેમ ડાબીજમણી બાજુએ ફંટાઈ શકે નહિ. 27 યહોવાના દૂતને જોઈ તે બલામ સાથે જમીન પર બેસી પડી, તેથી બલામ એકદમ ગુસ્સે થઈ ગયો અને તેણે ગધેડીને ફરીથી લાકડીએ લાકડીએ માંરી.

28 પછી યહોવાએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં મને ત્રણ વખત શા માંટે માંરી?”

29 બલામે મોટા સાદે જવાબ આપ્યો, “કારણ કે તું માંરી ફજેતી કરે છે, અત્યારે જો માંરી પાસે તરવાર હોત તો મેં તને અત્યારે જ કાપી નાખી હોત.”

30 ગધેડીએ બલામને પૂછયું, “જો હું કંઈ તારાથી અજાણી છું? તેં આખુ જીવન તો માંરા પર સવારી કરી છે. માંરા સમગ્ર જીવનમાં મેં પહેલા કદી આવું કર્યુ છે ખરું?”

બલામે કહ્યું, “ના, કદાપી નહિ.”

31 પછી યહોવાએ બલામની આંખો ખોલી, અને તેણે યહોવાના દૂતને રસ્તાની વચ્ચે ઉઘાડી તરવાર લઈને ઊભેલો જોયો અને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

32 યહોવાના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માંટે માંરી! તને અટકાવવા માંટે હું જાતે રસ્તામાં આવીને ઊભો હતો. કારણ કે મને તું જાય એ ગમતું નહોતું. 33 ગધેડીએ મને જોયો એટલે એ ત્રણ વાર બાજુએ ખસી ગઈ. જો એ ખસી ગઈ ના હોત તો મેં તને માંરી નાખ્યો હોત, અને ગધેડીનો બચાવ કર્યો હોત.”

34 પછી બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યુ છે. માંરી ભૂલ થઈ ગઈ છે, મને ખબર નહોતી કે, તમે માંરા માંર્ગમાં આડા ઊભા છો, તમાંરી ઈચ્છા હું ત્યાં ન જાઉં તેવી હોય તો હું પાછો ઘેર જઈશ.” 35 યહોવાના દૂતે બલામને જણાવ્યું, “તું આ લોકો સાથે જા, પણ હું જેટલું કહું તેટલાં શબ્દો જ કહેજે.” આથી બલામ બાલાકના માંણસો સાથે ગયો.

36 રાજા બાલાકે જયારે સાંભળ્યું કે બલામ આવી રહ્યો છે, ત્યારે તે પાટનગર છોડીને તેને મળવા માંટે મોઆબની સરહદ પર આર્નોન પાસે આવેલા આર સુધી ગયો, 37 તેણે બલામને પૂછયું, “મે તમને બોલાવવા માંણસો ન્હોતા મોકલ્યા? તમે આટલો બધો વિલંબ શા માંટે કર્યો? તમને શું એમ લાગ્યું હતું કે હું તમને બદલો નહિ આપી શકું?”

38 એટલે બલામે બાલાકને કહ્યું, “હું અહીં આવ્યો છું તે તું જુએ છે, શું તું એમ માંને છે કે હું ધારું તે કરી શકું છું? હું તો દેવ મને જે બોલાવે છે તે જ બોલું છું.”

રોમનો 7:1-12

લગ્નનું દૃષ્ટાંત

ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે. હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.

એ જ પ્રમાણે, મારા ભાઈઓ તથા બહેનો, ખ્રિસ્તના શરીરની સાથે જ તમારા જૂના શરીરનું મૃત્યુ થયું છે. હવે તમે નિયમના બંધનમાંથી મુક્ત થયા છો. હવે તમે એક માત્ર એવા ખ્રિસ્તના શિષ્ય થયા છો, જે મૃત્યુમાંથી ઊભો થયો હતો. હવે આપણે ખ્રિસ્તના શિષ્ય થયા છીએ. જેથી કરીને દેવની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે. ભૂતકાળમાં તો આપણે જ્યારે દૈહિક હતા, ત્યારે પાપ વાસનાઓને આધીન હતા. અને આપણે જે પાપ કર્યા તે આપણા માટે આધ્યાત્મિક મૃત્યુ નોતરતા હતા. ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.

પાપની વિરૂદ્ધ આપણે સંઘર્ષ

ત્યારે આપણે શું કહીએ, શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ના હોત, કારણ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ના હોત. “તમારે બીજાઓની માલિકીની વસ્તુઓની ઈચ્છા કરવી જોઈએ નહિ.” પણ પાપને તક મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારની અનિષ્ટ ઈચ્છાઓ પૂર્ણ કરવા મને લલચાવ્યો. મારામાં પાપ પેઠું. કારણ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું. 10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો. 11 મને પાપે આજ્ઞાનો ઉપયોગ કરી મૂર્ખ બનાવવાનો રસ્તો શોધ્યો. પાપે મારા આત્મિક મરણને માટે આજ્ઞાનો ઉપયોગ કર્યો.

12 આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે.

માથ્થી 21:23-32

ઈસુના અધિકાર પર યહૂદિનેતાઓની શંકા

(માર્ક 11:27-33; લૂ. 20:1-8)

23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”

24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું. 25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”

તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’ 26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.”

27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”

પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!”

ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છે

28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’

29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો.

30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, ‘દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”

31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”

યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”

ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. 32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International