Book of Common Prayer
1 યહોવા શાસન કરે છે.
હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
સુખી થાઓ!
2 તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
3 અગ્નિ તેમની આગળ ચાલે છે
અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
4 તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
5 પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
6 તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.
7 મૂર્તિઓનું પૂજન કરનારા
અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
અને યહોવાની ઉપાસના કરશે.
8 હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
9 હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
અને તેનાં પવિત્ર નામને માન આપો!
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
1 હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
2 હે પૃથ્વીના ન્યાયાધીશ,
ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
3 હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
કેટલી વધારે?
4 તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
5 હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
6 તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
અનાથની હત્યા કરે છે.
7 તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
8 હે મૂર્ખ લોકો,
ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
તમે ક્યારે ડાહ્યાં થશો?
9 જે કાનનો ઘડનાર છે,
તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.
16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.
1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
2 તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
3 કારણ, યહોવા મહાન દેવ છે;
તે સર્વ દેવો પર મહાન રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
પણ બનાવી તેમના તે માલિક છે.
6 આવો આપણે તેને ભજીએ અને નમીએ;
ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
7 કારણ તે આપણા દેવ છે,
આપણે તેના ચારાના લોક
અને તેના હાથના ઘેટાં છીએ.
આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
તે લોકો અવિનયી છે.
તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
20 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, 21 “તમે આ લોકોના સમાંજમાંથી બહાર નીકળી જાઓ, એટલે હું તત્કાળ એ સર્વનો નાશ કરું.”
22 પરંતુ મૂસાએ અને હારુને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, “હે દેવ, તમે જ બધા જીવોના જીવનદાતા છો, એક જ વ્યક્તિના પાપને કારણે શું તમે સમગ્ર સમાંજ પ્રત્યે ક્રોધાયમાંન થશો?” 23 એટલે યહોવાએ મૂસાને કહ્યું, 24 “તું એ લોકોને કહે કે તેઓ કોરાહ, દાથાન અને અબીરામના તંબુ આગળથી દૂર ખસી જાય.”
25 ત્યારપછી મૂસાએ ઇસ્રાએલીઓના વડીલો સાથે દાથાન અને અબીરામની પાસે જઈને આખા સમાંજને ઉદેશીને કહ્યું, 26 “તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”
27 તેથી કોરાહ, દાથાન અને અબીરામના તંબુઓ આગળથી બધા લોકો દૂર ચાલ્યા ગયા, દાથાન અને અબીરામ પોતાની પત્નીઓ, પુત્રો અને બાળકો સાથે પોતાના તંબુમાંથી બહાર આવીને પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
28 મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને ખાતરી થશે કે મેં જે કંઈ કર્યું છે તે કરવા માંટે મને યહોવાએ મોકલ્યો છે; કારણ કે હું કાંઈ માંરી મરજી મુજબ આ બધાં કાર્યો કરતો નથી. 29 જો આ લોકો બીજા બધા માંણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માંનવું કે યહોવાએ મને મોકલ્યો નથી, 30 પણ જો યહોવા ચમત્કાર કરે અને ધરતી પોતાનું મુખ ઉધાડે અને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને ગળી જાય અને તેઓ જીવતા મૃત્યુલોકોમાં પહોંચી જાય તો તમાંરે જાણવું કે, એ લોકોએ યહોવાનું અપમાંન કર્યું છે.”
31 મૂસા બોલી રહ્યો કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી; 32 ધરતીએ ખોલેલા મુખમાં તેમનાં કુટુંબો, તેમનાં તંબુઓ, તેઓ અને તેઓના સાથીઓ અને તેઓનું સર્વસ્વ જતુ રહ્યું. 33 તેઓ પોતાના સર્વસ્વ સાથે જીવતા મૃત્યુલોકમાં પહોંચી ગયા; ધરતી પાછી સંધાઈ ગઈ. આમાં તેઓનો સર્વનાશ થઈ ગયો, તેઓ સમુદાયમાંથી જતાં રહ્યાં.
34 તેમની ચીસો સાંભળીને ત્યાં આસપાસ ઊભેલા બધાં ઇસ્રાએલીઓ ભયભીત થઈને ભાગવા માંડયા. રખેને તેઓને પણ “ધરતી હડપ કરી જાય.”
35 પછી યહોવાનો અગ્નિ આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા 250 માંણસોને ભશ્મ કરી ગયો.
ઈબ્રાહિમનું દૃષ્ટાંત
4 તો આપણા લોકોના પૂર્વજ ઈબ્રાહિમ વિષે આપણે શું કહી શકીએ છીએ? વિશ્વાસ વિષે તેઓ શું શીખ્યા? 2 જે કામો ઈબ્રાહિમે કર્યા એનાથી જ દેવે તેને ન્યાયી ઠરાવ્યો હોત તો તેને બડાશ મારવાનું બહાનું મળી જાત. પરંતુ ઈબ્રાહિમ દેવ આગળ બડાશ મારી શક્યો નહિ. 3 ધર્મશાસ્ત્ર કહે છે: “ઈબ્રાહિમ દેવમાં માનતો હતો. અને દેવે તેના વિશ્વાસનો સ્વીકાર કર્યો. તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી ઠરાવ્યો.”(A)
4 જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે. 5 પરંતુ મનુષ્ય એવું કોઈ પણ કામ કરી શકતો નથી કે જે તેને દેવ સાથે ન્યાયી ઠરાવી શકે. તેથી તે માણસે દેવમાં વિશ્વાસ રાખવોજ જોઈએ. પછી જ દેવ તે વ્યક્તિના વિશ્વાસનો સ્વીકાર કરે છે અને તે વિશ્વાસ તેને દેવ સાથે ન્યાયી ઠરાવે છે. દેવ એક છે જે અધર્મીને પણ ન્યાયી બનાવે છે. 6 દાઉદે આ જ વાત કહી છે. દાઉદે કહ્યું છે કે કોઈ વ્યક્તિએ કેવાં કેવાં કામો કર્યા છે એ જોયા વગર દેવ જ્યારે તેને એક સારા માણસ તરીકે સ્વીકારી લે છે.
7 “તેને ધન્ય છે.
જ્યારે લોકોના અપરાધો માફ કરાય છે,
અને જેઓનાં પાપો ઢંકાઈ જાય છે, તેઓને ધન્ય છે!
8 અને જ્યારે પ્રભુ કોઈ વ્યક્તિને લેખે પાપ નહિ ગણીને સ્વીકારી લે છે ત્યારે,
તે માણસને ધન્ય છે!” (B)
9 તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને જ આ આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે જ તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો. 10 તો આ કેવી રીતે થયું? ઈબ્રાહિમે તેની સુન્નત કરાવી તે પહેલા કે ત્યાર પછી દેવે તેનો સ્વીકાર કર્યો? તેની સુન્નત પહેલા જ દેવે તેને સ્વીકારી લીધો હતો. 11 ઈબ્રાહિમ જ્યારે સુન્નત વગરનો હતો ત્યારે તે વિશ્વાસના માર્ગે દેવ સાથે ન્યાયી થયો હતો. તે સાબિત કરવા માટે પાછળથી તેણે સુન્નત કરાવી. આ રીતે ઈબ્રાહિમ જે બધા લોકોએ સુન્નત નથી કરાવી તેના પૂર્વજ છે તેથી દેવે આ લોકોને દેવ સાથે ન્યાયી હોવાની માન્યતા આપી છે. 12 જે લોકોની સુન્નત કરવામાં આવી છે તેમનો પૂર્વજ પણ ઈબ્રાહિમ જ છે. માત્ર તેઓની સુન્નતને કારણે ઈબ્રાહિમને પિતાનું સ્થાન મળ્યું નથી. આપણા પૂર્વજ ઈબ્રાહિમ સુન્નત પહેલા જે વિશ્વાસ ઘરાવતો હતો, એવું વિશ્વાસભર્યુ જીવન જો તેઓ જીવે તો જ ઈબ્રાહિમ તેમનો પિતા ગણાય.
23 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું, કે ધનવાનના માટે આકાશના રાજ્યમાં પ્રવેશ કરવો કઠિન છે. 24 હા, તેથી તો હું વારંવાર કહું છુ કે પૈસાદાર લોકોને આકાશના રાજ્યમાં પ્રવેશ કરવો એના કરતાં સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે.”
25 જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું અને પૂછયું, “તો પછી કોને બચાવી શકશે?”
26 ઈસુએ તેમને જોઈને કહ્યું, “લોકોને માટે આ અશક્ય છે. ફક્ત દેવને માટે બધું જ શક્ય છે.”
27 પિતરે ઈસુને કહ્યું, “અમે બધુજ છોડીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”
28 ઈસુએ તેને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યારે નવા યુગમાં માણસનો દીકરો તેના મહિમાના રાજ્યાસન પર બિરાજશે તે વખતે તમે પણ બાર રાજ્યાસન પર બેસશો. અને મારી પાછળ આવનારા ઈસ્રાએલના બારે કુળનો ન્યાય કરશો. 29 મારા નામને માટે જેઓએ ઘરો, ભાઈઓ, માતા પિતા, બાળકો, જમીનજાગીરનો ત્યાગ કર્યો છે તેઓ તેના કરતાં ઘણાંજ યોગ્ય છે. તેઓ સોગણું મેળવશે અને અનંતજીવનનો વારસો પામશે. 30 પરંતુ ઘણા એવા છે જેઓનું હમણા જીવનમાં ઊંચું સ્થાન છે પણ ભવિષ્યમાં તે નીચલી કક્ષાએ ઉતરશે અને હમણા જે નીચલી કક્ષાએ છે તે ભવિષ્યમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International