Book of Common Prayer
એથાન એઝાહીનું માસ્કીલ.
1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
2 મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 ‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
5 પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
6 આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
7 સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
દેવ ભયાવહ અને સન્માનનીય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
ને હું નિરંતર પ્રેમ રાખીશ;
મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”
38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
અને તમે તેને શરમાવ્યો છે.
46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!
52 યહોવાની સદાય સ્તુતિ કરો.
આમીન તથા આમીન!
કોરાહ, દાથાન, અબીરામ, અને ઓનનું બંડ
16 લેવી કુળના વંશજ કોરાહ, જે કહાથના પુત્ર યિસ્હારનો પુત્ર હતો, રૂબેનના વંશજો દાથાન તથા અબીરામ જે અલીઆબના પુત્રો હતા તથા રૂબેન કુળ સમૂહનો હજુ એક વંશજ ઓન જે પેલેથનો પુત્ર હતો એ ચારે જણ ભેગા થયા અને મૂસા સામે ઉભા થયા. 2 તેમની સાથે 250 ઇસ્રાએલી તેમની ઉશ્કેરણીથી મૂસા વિરુદ્ધ બંડમાં જોડાયા. તેઓ બધા સમાંજના આગેવાનો, પંચના ચૂંટાયેલા અગ્રણી તથા પ્રતિષ્ઠિત માંણસો હતા. 3 તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ થયા અને તેમને કહ્યું, “તમે હવે હદ વટાવો છો, તમાંરી આગેવાનીથી અમે થાકી ગયા છીએ. ઇસ્રાએલના સર્વ લોકો પવિત્ર છે? તેઓની વચ્ચે યહોવાનો વાસ નથી? તમે તમાંરી જાતને યહોવાની મંડળી કરતાં ઊંચી શા માંટે ગણાવો છો?”
4 આ શબ્દો કાને પડતાં જ મૂસા જમીન પર પછાડ ખાઈને પડયો. 5 પછી તેણે કોરાહને અને તેના બધા સાથીમિત્રોને કહ્યું, “આવતી કાલે સવારે યહોવા જાહેર કરશે કે, કોણ યહોવાના છે, અને કોણ ખરેખર પવિત્ર છે, યહોવા એ વ્યક્તિને પસંદ કરી અને તેને પોતાની નજીક બોલાવશે. 6 કોરાહ, તું અને તારા સાથીઓ આ મુજબ કરો: 7 આવતીકાલે તમાંરે ધૂપદાની લઈને તેમાં અગ્નિ અને ધૂપ મૂકવો અને યહોવાને ધરાવવી. યહોવા પસંદ કરશે તે જ ખરેખરો પવિત્ર બનશે. લેવીના પુત્રો તમે જ છો. જે મર્યાદા વટાવો છો.”
8 વળી મૂસાએ વધુમાં કોરાહને કહ્યું, “ઓ લેવીઓ, માંરી વાત સાંભળો. 9 સમગ્ર ઇસ્રાએલી સમાંજમાંથી દેવે તમને પસંદ કર્યા, અને અલગ કર્યા, મંદિરમાં સેવા ઉપાસના અને ઇસ્રાએલી લોકોને દેવની ઉપાસના કરવામાં મદદ કરવા માંટે. એટલું તમાંરા માંટે શું પૂરતું નથી? 10 ફકત તને કોરાહને, તથા તારા અન્ય લેવીબંધુઓને પોતાની આટલી સેવા કરવાનો અધિકાર આપ્યો છે અને હવે તમે યાજકપદની અભિલાષા કરો છો? 11 હારુને કઈ ખોટું કર્યુ છે કે તમે એની સામે ફરિયાદ કરો છો? તું અને તારા સાથીઓ યહોવાની વિરુદ્ધ બળવો કરો છો?”
12 ત્યારબાદ મૂસાએ અલીઆવના પુત્ર દાથાનને અને અબીરામને તેડાવ્યા, પણ તેમણે કહેવડાવ્યું, “અમે નથી આવતા, 13 તું અમને દૂધ અને મધની રેલછેલ હતી એવા દેશમાંથી આ અરણ્યમાં મરવા માંટે લઈ આવ્યો એટલું ઓછું છે કે તું અમાંરા પર પાછો દોર ચલાવવા માંગે છે? 14 તદુપરાંત જે અદભૂત દેશનું તેં વચન આપ્યું હતું તેમાં તું અમને લાવ્યો નથી, તેં અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓ પણ આપી નથી, તને શું લોકોની આંખો કાઢી નાખીશ જેથી તેઓ ઉપર કરેલું નુકશાન જુએ નહિ? ના, અમે તારી પાસે આવવાના નથી.”
15 પછી મૂસાએ ગુસ્સે થઈને યહોવાને કહ્યું, “એમના અર્પણ કરેલાં બલિદાનોનો સ્વીકાર કરશો નહિ, મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી કે તેઓમાંના કોઈનું કશું નુકસાન પણ કર્યુ નથી.”
16 એટલે મૂસાએ કોરાહને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ આવતીકાલે યહોવા સમક્ષ અહીં હાજર થજો. હારુન પણ આવશે. 17 તમાંરામાંનો પ્રત્યેક વ્યક્તિ પોતાની ધૂપદાની સાથે લઈને યહોવા સમક્ષ આવે. ત્યાં આગેવાનો માંટે 250 ધૂપદાનીઓ અને તારા અને હારુન માંટે એક-એક ધૂપદાની હશે.”
18 તેથી તે બધા પોતાની ધૂપદાનીઓ સાથે લાવ્યા અને તેમાં દેવતા મૂકી ધૂપ નાખ્યો; અને મૂસા અને હારુનની સાથે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા. 19 તે દરમ્યાન કોરાહે સમગ્ર સમાંજને મૂસા અને હારુન વિરુદ્ધ ઉશ્કેરીને એ બે જણની સામે ભેગા કર્યા હતા. ત્યાં તો યહોવાના ગૌરવે સમગ્ર સમાંજને દર્શન દીધાં.
કઈ રીતે દેવ લોકોને ઉદ્ધાર યોગ્ય બનાવે છે
21 નિયમશાસ્ત્ર વિના લોકોને સાચા બનાવવા માટે હવે દેવ પાસે એક નવો માર્ગ છે. અને એ નવો માર્ગ દેવે આપણને બતાવ્યો છે. જૂના કરારે અને પ્રબોધકોએ આપણને આ નવા માર્ગ વિષે અગાઉ કહેલું જ છે. 22 ઈસુ ખ્રિસ્તમાં જે લોકો વિશ્વાસ રાખશે તેમના ઉદ્ધાર માટે દેવ તેમને ન્યાયી બનાવશે. જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસુ છે, એવા સૌ લોકોનો ઉદ્ધાર દેવ કરશે. 23 સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે. 24 દેવની કૃપાથી લોકોને દેવ સાથે ન્યાયી બનાવાય છે. અને તે વિનામૂલ્ય ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જે આપણને પાપમાંથી મુક્ત કરે છે તેના દ્વારા આ પરિપૂર્ણ થાય છે. 25 દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા. 26 અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે.
27 તો પછી પોતાના માટે વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. નિયમશાસ્ત્ર જે કામની અપેક્ષા રાખે છે તેને અનુસરવાથી નહિ પણ વિશ્વાસના માર્ગે કે જેમાં વડાઈનો સમાવેશ થયેલ નથી. 28 તો એવું કેમ હશે? કારણ કે આપણે માનીએ છીએ કે નિયમ મુજબ મનુષ્યો જે કઈ કરે છે તેને લીધે નહિ, પરંતુ દેવમાં વિશ્વાસ દ્વારા જ દેવ આપણને ઉદ્ધારને યોગ્ય બનાવે છે. લોકો નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ વિશ્વાસથી ન્યાયી ઠરે છે. 29 માત્ર યહૂદિઓનો જ દેવ નથી, બિન-યહૂદિઓનો પણ તે દેવ છે. 30 દેવ માત્ર એક જ છે અને તે યહૂદિઓને તેમજ બિનયહૂદિઓને એમના વિશ્વાસના આધારે ન્યાયી ઠરાવશે. 31 તેથી આપણે વિશ્વાસના માર્ગને અનુસરવાથી, નિયમશાસ્ત્રથી દૂર રહીને કાર્ય કરતા નથી. ના! તેને બદલે અમે તો નિયમશાસ્ત્રને તેનું યોગ્ય સ્થાન આપીએ છીએ.
ઈસુ બાળકોને આવકારે છે
(માર્ક 10:13-16; લૂ. 18:15-17)
13 પછી લોકો તેમનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં જેથી ઈસુ તેમનાં માથે હાથ મૂકી આશીર્વાદ દે અને તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ તેના શિષ્યોએ તેમને ધમકાવ્યાં. 14 પછી ઈસુએ કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ, કારણ કે આકાશનું રાજ્ય જે નાના બાળકો જેવા છે એમના માટે છે.” 15 બાળકો પર હાથ મૂક્યા પછી ઈસુએ તે જગ્યા છોડી.
ધનવાન માણસે ઈસુને અનુસરવા ના પાડી
(માર્ક 10:17-31; લૂ. 18:18-30)
16 એક માણસ ઈસુ પાસે આવ્યો અને પૂછયું, “હે ઉપદેશક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?”
17 ઈસુએ ઉત્તર આપ્યો, “શું સારું છે એવું મને શા માટે પૂછે છે? ફક્ત દેવ સારો છે. પરંતુ જો તારે અનંતજીવન જોઈતું હોય તો દેવની આજ્ઞાનું પાલન કર.”
18 માણસે પૂછયું, “કઈ આજ્ઞાઓ?”
ઈસુએ ઉત્તર આપ્યો, “‘તારે કોઈનુ ખૂન કરવું નહિં, તારે વ્યભિચારનું પાપ કરવું નહિં, તારે કોઈની વસ્તુની ચોરી કરવી નહિં, તારે કોઈનામાં જૂઠી સાક્ષી આપવી નહિ. 19 તારે તારા માતા પિતાને માન આપવું,’(A) અને ‘પોતાના પર જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ બીજા લોકોને પણ કર.’”
20 યુવાને ઈસુને કહ્યું, “મેં આ બધી જ વાતોનું પાલન કર્યુ છે, હવે મારે શું કરવાનું બાકી છે?”
21 ઈસુએ ઉત્તર આપ્યો, “જો તારે પૂર્ણ થવું હોય તો, પછી જા, તારી પાસે તારું પોતાનું જે કંઈ છે તે વેચી દે, પૈસા ગરીબોને આપી દે, તું જો આ વધુ કરીશ તો આકાશમાં તારો કિંમતી ખજાનો ભેગો થશે, પછી ચાલ, મારી સાથે આવ!”
22 આ સાંભળીને તે યુવાન માણસ ઘણો દુ:ખી થયો હતો. કારણ કે તે ઘણો પૈસાદાર હતો. તે પૈસા તેની પાસે જ રાખવા ઈચ્છતો હતો તેથી તે ચાલ્યો ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International