Book of Common Prayer
આસાફનું માસ્કીલ.
1 મારા લોકો, મારો નિયમ સાંભળો;
મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
2 હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ,
અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
3 જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે;
જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4 યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો,
તેમનું પરાક્રમ અને આશ્ચર્યકર્મો
આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ;
આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
5 કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો
અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો,
તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો
કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.
6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.
7 જેથી તેઓ સહુ દેવનો આશા રાખે,
અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ,
અને તેમની આજ્ઞાઓને પાળે.
8 વળી તેઓ પોતાના
પિતૃઓ જેવા હઠીલા, બંડખોર,
અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ
સોંપવાનો નકાર કરનાર ન થાય.
9 એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં
છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.
10 કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ;
અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11 તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ,
છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.
12 તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં;
દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.
13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં,
તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં.
તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત,
અગ્નિનાં પ્રકાશથી દોરતો.
15 તેમણે રણમાં ખડકને તોડીને,
ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું,
અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
17 તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું,
અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.
18 તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી,
દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.
19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું,
“શું રણમાં તે ભોજન મોકલી શકે?
20 તેમણે ખડકને લાકડી મારી ને,
પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે;
શું તે આપણને રોટલી આપી શકે છે?
અને તેમનાં લોકોને માંસ આપી શકે?”
21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા,
તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા
અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.
22 કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ,
અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.
23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી,
અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી;
અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25 તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો!
અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.
26 દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ
અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની
રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
28 તેમણે તેઓની છાવણી મધ્યે
અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.
29 લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું,
યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.
30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ,
અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.
31 પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો,
અને તેમણે ઇસ્રાએલમાં જેઓ સૌથી વધુ શકિતશાળી હતા તેમને મારી નાખ્યાં,
તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં,
અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 દેવે તેઓના વ્યર્થ જીવનનો
અંત આપત્તિઓ સાથે કર્યો.
34 જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા,
ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.
35 ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે,
અને પરાત્પર દેવ તેઓના તારક છે.
36 પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી,
અને પોતાની જીભે તેની સમક્ષ જૂઠું બોલ્યા.
37 તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા;
તેઓ કરારને વફાદાર નહોતા.
38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો;
તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો;
અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ,
પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
કે તેઓ બીધા નહિ,
પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં.
ફેંકનાર[a] તરફ પાછા ફરતાં,
વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
તેમનો ક્રોધ અતિ વધારે હતો.
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.
લોકોની ફરિયાદો
11 લોકો પોતાની હાડમાંરીઓની ફરિયાદો યહોવા સમક્ષ કરવા લાગ્યા. યહોવા તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયો. યહોવાનો અગ્નિ છાવણીના છેવાડેના લોકો વચ્ચે ભડભડી ઊઠયો અને તેનો છેડો બળી ગયો. 2 લોકોએ મૂસાને સહાય માંટે પોકાર કરી, તેથી તેણે લોકો માંટે યહોવાને પ્રાર્થના કરી તેથી અગ્નિ શાંત થઈ ગયો. 3 ત્યારબાદ તે જગ્યાનો વિસ્તાર તાબએરાહ નામે પ્રચલિત થયો. કારણ, ત્યાં યહોવાનો અગ્નિ તે લોકોની વચ્ચે ભડભડી ઊઠયો હતો.
સિત્તેર વડીલો
4 ઇસ્રાએલીઓ સાથેના કેટલાક લોકો સારું સારું ખાવાના લાલચુ હતા; તેઓને મિસરનો ખોરાક યાદ આવ્યો. ઇસ્રાએલીઓમાં પણ અસંતોષ વધતાં તેઓએ રોદણાં રડવા લાગ્યા. “અરે! અમને ખાવા માંટે માંસ કોણ આપશે? 5 મિસરમાં તો અમે મફતમાં મજાથી માંછલીઓ ખાતા હતા, ત્યાં તો કાકડી, તડબૂચ, ડુંગળી, પ્યાજ અને લસણ પણ મળતાં હતા! 6 અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.” 7 માંન્નાનું કદ ધણાના દાણા જેટલું હતું. તેનો રંગ પીળાશ પડતો ધોળો હતો. 8 લોકો ખેતરમાં ફરીને માંન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી લેતા અને લોટ બનાવીને તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા. 9 એનો સ્વાદ મોવણ નાખેલી ભાખરી જેવો લાગતો. રાતના સમયે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માંન્ના પણ પડતું.
10 મૂસાએ બધા લોકોને પોતપોતાના તંબુના બારણા આગળ ઊભા રહીને રોદણાં રડતા સાંભળ્યા. યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠતા મૂસા પણ ભારે ચિંતામાં પડયો. 11 મૂસાએ યહોવાને કહ્યું, “તમે માંરી આવી ભૂંડી દશા શા માંટે કરી? તમને દ્વિધા થાય એવું મે શું કર્યુ છે? સમગ્ર ઇસ્રાએલી લોકોની જવાબદારી લેવા તમે મને કેમ પસંદ કર્યો? 12 શું હું તેઓનો પિતા છું? શું તે બધાં માંરાં બાળકો છે? તમે તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તમે, કોઈ ધાવણા બાળકને છાતીએ વળગાડીને લઈ જાય તેમ તેઓની સંભાળ રાખવાનું કાર્ય મને શા માંટે સૌપ્યું છે? 13 આ બધા લોકોને માંટે મને માંસ કયાંથી મળી શકે? તેઓ રૂદન કરીને મને કહે છે, ‘અમને માંસ આપો.’ પણ માંરે આ લોકો માંટે માંસ લાવવું કયાંથી? 14 હવે હું એકલો આ સમગ્ર પ્રજાનો ભાર સહન કરવા અસમર્થ છું. 15 જો માંરી પાસેથી તમે આ બધું કામ કરાવવા માંગતા હો, તો કૃપા કરીને હમણા જ મને માંરી નાખો; તમે માંરા ઉપર ભલાઈ કરતા હો, તો મને આગળ પણ દુઃખ ન જોવા દેતા.”
16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના સિત્તેર વડીલોને માંરી સમક્ષ મુલાકાત મંડપ આગળ લઈ આવ જેઓને વિષે તને ખાતરી હોય, અને ત્યાં તારી સાથે ઊભા રહેવાનું તેઓને કહે. 17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”
18 યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોને આ પ્રમાંણે કહે; દેહ શુદ્ધ કરી આવતીકાલને માંટે તૈયાર થાઓ, તમને માંસ ખાવા મળશે, તેઓને એ પણ કહે કે, યહોવાએ તમને રડતાં અને ફરિયાદ કરતાં સાભળ્યાં છે કે, ‘અમને માંસ કોણ આપશે? અમે મિસરમાં જ સારા હતાં!’ તે તમને માંસ આપશે, ને તમે તે જમશો. 19 એક દિવસ કે બે દિવસ નહિ, પાંચ, દશ કે વીસ દિવસ નહિ, 20 પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.’”
21 મૂસાએ કહ્યું, “અત્યારે અહીં માંરી સાથે 6,00,000 પુરુષો કૂચ કરી રહ્યા છે, ‘અને તમે એમને એક આખા મહિના સુધી માંસ આપવાનું વચન આપો છો?’ 22 અરે! અમે અમાંરાં બધાં જ ઘેટાં બકરાં તથા ઢોરઢાંખર કાપીએ, તો પણ તેમાંથી આટલું બધું માંસ મળી શકે નહિ. દરિયાની બધી માંછલીઓ પકડીએ તો પણ તે પૂરી પડે નહિ.” 23 યહોવાએ મૂસાને કહ્યું, “માંરી શક્તિ તો અમર્યાદિત છે, તૂં હમણાં જ જોશે કે, માંરું વચન સાચું સાબિત થાય છે કે નહિ.”
16 આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને. 17 દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.”(A)
સઘળા પાપી છે
18 સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે. 19 દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે.
20 દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.
21 આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો. 22 લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા. 23 અવિનાશી દેવના મહિમાને બદલે, પૃથ્વી પરના માનવો જેવી મૂર્તિઓ બનાવીને લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. પશુ, પક્ષી અને નાગો જેવી વસ્તુઓ દ્વારા લોકો દેવના મહિમાનો વેપાર કરવા લાગ્યા.
24 માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ. 25 દેવ વિષેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યુ તે દેવની સેવા-ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ સર્જીત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા ખરેખર તો લોકોએ ઉત્પન્નકર્તાની સર્વકાળ સ્તુતિ કરવી. આમીન.
ઈસુ તેના મરણ વિષે કહે છે
(માર્ક 9:30-32; લૂ. 9:43-45)
22 જ્યારે ઈસુ અને તેના શિષ્યો ગાલીલમાં ભેગા મળ્યા ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સુપ્રત કરાશે. 23 એ માણસો માણસના દીકરાને મારી નાખશે, પરંતુ ત્રીજા દિવસે તે મરણમાંથી ઊભો થશે.” તે સાંભળી શિષ્યો ખૂબજ દુ:ખી થયા.
ઈસુ કર ભરવા વિષે શીખવે છે
24 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. જે કર ઉઘરાવતા હતા તે લોકો પિતર પાસે આવ્યા અને કહ્યું, “શું તમારા ઉપદેશક બે ડ્રાકમાં[a] જેટલો પણ મંદિરનો કર આપતા નથી?”
25 પિતરે ઉત્તર આપ્યો, “હા, ઈસુ તે આપે છે.”
પછી આ વિષે ઈસુને વાત કરવા પિતર ઘરમાં ગયો. પરંતુ તે કાંઈ કહે તે પહેલા ઈસુએ તેને પૂછયું, “પિતર તને શું લાગે છે? રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે પછી પરદેશીઓ પર કર નાખે છે?”
26 પિતરે કહ્યું, “પરદેશીઓ પર.”
ઈસુએ કહ્યું, “તો પછી પોતાના દીકરાઓને કર ભરવાનો ના હોય. 27 પણ આપણે કર ઉઘરાવનારાઓને ગુસ્સે કરવા નથી. તું સરોવરના કાંઠે જા અને એક માછલી પકડ, પહેલી માછલી પકડી તેનું મોં ખોલજે, તેના મોઢામાંથી તને ચાર ડ્રાકમા મળશે એ સિક્કો લઈને કર ઉઘરાવનાર પાસે જજે અને તારો અને મારો કર તેમને આપી દેજે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International