Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 69

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.

હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
    મારી રક્ષા કરો.
કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
    જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
    જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
    મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે,
    તેઓ મારા માથાના વાળથી વધારે છે;
    હું નિર્દોષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે.
તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે.
    કહે છે મેં વસ્તુઓ ચોરી હતી.
    તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો,
    અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય.
    હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
મેં તમારા માટે શરમ સહન કરી છે,
    ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
મારા ભાઇઓને મન હું પારકા જેવો છું,
    અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.
    જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે.
10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે.
11 જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે.
    અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
    તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
    મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
    મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
    સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
    અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
    તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
    હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો!
    મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.
19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા
    સહન કરવાં પડે છે.
    મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે.
20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે,
    અને હું લાંબુ જીવવા
માટે ખૂબ દુર્બળ બની ગયો છું.
    દિલાસો અને આરામ
બતાવનારની રાહ જોઇ
    પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.
21 ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું,
    ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને,
    અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
23 ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને,
    અને ભલે તેઓ અંધ બની જાય.
અને ભલે તેમની કમરો નબળી બને.
24 ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો,
    તમારો ક્રોધાજ્ઞિ તેઓને પકડી પાડો.
25 તેમનાં ઘરો ઉજ્જડ થાઓ,
    ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ.
26 કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે,
    અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.
27 તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે.
    તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો.
28 જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂઁસી નાખો,
    સારા લોકોનાં નામોની યાદીના પુસ્તકમાં તેમનાં નામો સાથે ન મૂકો.
29 પણ હે દેવ હું તો નિ:સહાય અને ઉદાસ છું;
    હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ.
30 પછી હું ગીત ગાઇને દેવના નામનું સ્તવન કરીશ,
    અને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ.
31 અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં
    તેમને વધુ આનંદ આપશે.
32 નમ્ર જનો તે જોઇને આનંદ પામશે,
    દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો.
33 કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે,
    અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી.
34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો;
    સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 કારણ, દેવ સિયોનને તારશે
    અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે;
તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
36     વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે,
    તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.

ગીતશાસ્ત્ર 73

ભાગ ત્રીજો

(ગીત 73–89)

આસાફના સ્તુતિગીત.

જેઓના હૃદય શુદ્ધ છે ઇસ્રાએલ પર;
    તેમના પર ખરેખર દેવ કૃપાવાન છે.
પરંતુ હું લગભગ લપસ્યો
    અને પાપ કરવા લાગ્યો,
કારણ જ્યારે મેં પેલા
    દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.
તેઓને જીવનપર્યંત મુશ્કેલી આવતી નથી,
    અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે.
તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી;
    અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે;
    તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.
તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા ઇચ્છે છે;
    તેને પ્રાપ્ત કરવાના માર્ગો હંમેશા શોધે છે.
તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે,
    તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે.
દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે,
    તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર.
10 તેથી દેવના લોકો પણ તેમની તરફ વળે છે
    અને તેઓ જે કહે તે સ્વીકારે છે.[a]
11 તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે?
    શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?”

12 દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે;
    અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે.
13 મે મારું હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિર્દોષ રાખ્યા છે;
    પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી.
14 કારણ હું આખો દિવસ પીડાયા કરું છું,
    અને દર સવારે મને શિક્ષા થાય છે.

15 પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત,
    તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત.
16 જ્યારે મેં તે સમજવા ઊંડો વિચાર કર્યો,
    ત્યારે મને લાગ્યું કે તે સમજવું મારે માટે બહુ કઠીન છે.
17 પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો,
    ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.
18 તમે તેઓને લપસણી જગાએ મૂકો છો,
    અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
19 તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે,
    અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે.
20 તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે,
    માનવ સ્વપ્નમાંથી જાગી વાસ્તવિકતા નિહાળે છે;
તેમ તેઓ જાગ્રત થશે,
    હે યહોવા સત્ય સબંધી નીશ્ચે.

21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો
    ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.
22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો;
    હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું.
    અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો;
    અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે;
    અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.
26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય,
    મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે
    જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે.
    અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે!
    મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે!
    હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

સભાશિક્ષક 11:9-12:14

યુવાનીમાં દેવની સેવા કરો

હે યુવાન, તારી યુવાવસ્થાનો આનંદ લે; અને તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર, યુવાવસ્થા અદભૂત છે! તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની ષ્ટિ પ્રમાણે તું ચાલ. પણ યાદ રાખ, તું જે કાઇ કરે, દેવ તેનો ન્યાય કરશે. 10 માટે તારા હૃદયમાંથી ગુસ્સો અને નિરાશાને દૂર કર. પણ તું પોતે જ અનિષ્ટથી દૂર રહેજે; કારણ કે યુવાવસ્થા વ્યર્થ છે.

યુવાનોને સલાહ

12 તારી યુવાવસ્થાના દિવસોમાં તું યહોવાનું સ્મરણ કર. તું જીવનનો આનંદ માણી શકે તેવાં ભૂંડા વર્ષો અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા યહોવાને ભૂલી જઇશ નહિ.

જ્યારે તારી આંખો ચંદ્ર, સૂરજ અને તારાઓ જોવા ખૂબજ નિર્બળ બનશે, અને જ્યારે વાદળો વરસાદ લઇ પાછા ફરશે ત્યારે તું તેમને યાદ કરી શકશે નહિ.

તે દિવસે જે ઘરનું નિયંત્રણ કરવાવાળાઓ ધ્રુજશે, બળવાન વાંકા વળી જશે, અને દળનારી સ્રીઓ થોડી હોવાથી તેમનો તોટો પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની ષ્ટિ ઝાંખી થઇ જશે. અને બજાર તરફના બારણા બંધ કરી દેવામાં આવશે; અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે. અને માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, ને સર્વ ગાનારી સ્ત્રીઓ શાંત થઇ જશે;

જે ઉંચે જાય છે તેને પડવાની બીક લાગશે. જે રસ્તા પર ચાલતો હશે તે ત્યાં જતા ડરશે. બદામનું ઝાડ ફાલશે. તીડ પોતે ધીમે ધીમે સાથે ઘસડાશે. બધી ઇચ્છાઓ મરી પરવારશે અને દરેક જણ પોતાના અનંત અનાદિ ઘેર જશે.

મૃત્યુ

તે દિવસે જીવનરૂપી રૂપેરી દોરી તૂટી જશે
    અને સોનેરી પ્યાલો ભાંગી જશે,
અને ગાગર ઝરા આગળ ફૂટી જશે,
    અને કૂવા ઉપર જ ગરગડી ભાંગી જશે;
અને તારી કાયા જેમ અગાઉ હતી
    તેવી જ પાછી ધૂળ થઇ જશે,
અને દેવે તને જે આપેલો
    તે આત્મા તેમની પાસે પાછો જશે.

તેથી સભાશિક્ષક કહે છે કે; વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ છે.

સમાપ્તિ

વળી સભાશિક્ષક સમજુ હતો; તેથી તેણે જે જાણ્યું તે સર્વને શીખવવા લાગ્યો; તે વિચાર કરીને ઘણા નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો. 10 સભાશિક્ષકે સત્ય વચનો, શોધી કાઢવાનો અને જે સત્ય હતા તે લખવાનો પ્રયત્ન કર્યો.

11 જ્ઞાની માણસનો ઉપદેશ પરોણીની અણીદાર ધાર જેવો છે અને સભાશિક્ષકોનાં ઉપદેશ કે જે માત્ર એક જ પાદરી દ્વારા આપવામાં આવેલાં છે, તે સજ્જડ જડેલા ખીલાની જેમ તેમનાં મનમાં ઠસી રહેશે. 12 પણ મારા પુત્ર, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઇ પાર નથી; તેમનો અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.

13 આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે. 14 કારણ કે આપણે ભલું કે ભૂંડુ જે કરીએ, તે સર્વનો એટલે પ્રત્યેક ગુપ્ત બાબતનો દેવ ન્યાય કરશે.

ગલાતીઓ 5:25-6:10

25 આપણને આપણું નવજીવન આત્માથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ. 26 આપણે ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહિ. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ. અને આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ.

એકબીજાને મદદરૂપ બનો

ભાઈઓ અને બહેનો, તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ. તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ. તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ. પરંતુ સાવધ રહેજો! તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો. તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો. જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને બીજા લોકો સાથે સરખામણી ના કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કૃત્યની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યુ છે તે વિષે તે ગર્વ લઈ શકે. દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.

જીવન ખેતરમાં કરેલી રોપણી જેવું છે

જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.

ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે. જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે, તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે. પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે, તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે. સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. 10 જ્યારે અન્યના લાભાર્થે કાંઈક કરવાની આપણને તક હોય, ત્યારે તેમ કરવું જોઈએ. પરંતુ વિશ્વાસીઓના પરિવાર માટે આપણે વધારે ખાસ ધ્યાન આપવું જોઈએ.

માથ્થી 16:21-28

ઈસુના મરણની આગાહી

(માર્ક 8:31–9:1; લૂ. 9:22-27)

21 પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે.

22 પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!”

23 ઈસુ પિતર તરફ ફર્યો અને કહ્યું, “અરે શેતાન, તું મારાથી દૂર ચાલ્યો જા; તું દેવની રીતે નહિ પણ માણસની રીતે વિચારે છે.”

24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ વ્યક્તિ મારી પાછળ આવવા માંગે છે તો તેણે પોતાની જાતને ભૂલી જઈ તેણે પોતાની વધસ્તંભ ઊઠાવીને મારી પાછળ ચાલવું પડશે. 25 જે માણસ પોતાનું જીવન બચાવવા ઈચ્છે, તે પોતાનું જીવન ગુમાવશે, પણ મારે લીધે જે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે. 26 જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે? 27 માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, તો તે સમયે તે પ્રમાણે તેનો બદલો આપશે. 28 હું તમને સત્ય કહું છું, અહીં ઊભેલામાંથી કેટલાક લોકો માણસના દીકરાને તેના રાજ્ય સાથે આવતો જુએ ત્યાં સુધી જીવતા રહેશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International