Book of Common Prayer
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2 જે સાધુશીલતા પાળે છે,
જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5 તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.
1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
7 દેવ આપણને આશીર્વાદ આપશે,
પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
વિશ્વાસીઓનો ભાગ
32 વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા. 33 મહાન સાર્મથ્યથી પ્રેરિતોએ લોકોને કહ્યું કે પ્રભુ ઈસુ ખરેખર મૃત્યુમાંથી ઉઠ્યો છે. અને દેવે બધા વિશ્વાસીઓને ઘણા આશીર્વાદ આપ્યા હતા. 34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં. 35 તેઓએ પૈસા લાવીને પ્રેરિતોને આપ્યા. પછી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવામાં આવી.
36 વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો. 37 યૂસફની માલિકીનું એક ખેતર હતું. તેણે ખેતર વેચીને પૈસા લઈને તે પૈસા પ્રેરિતોને આપ્યા હતા.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
યરૂશાલેમમાં શાઉલ
26 પછી શાઉલ યરૂશાલેમમાં ગયો. તેણે શિષ્યોના સમૂહમાં જોડાઇ જવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ બધા તેનાથી ડરતા હતા. શાઉલ ખરેખર ઈસુનો શિષ્યો છે તે તેઓ માનતા ન હતા. 27 બાર્નાબાસે શાઉલને સ્વીકાર્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે પ્રેરિતોને કહ્યું, શાઉલે દમસ્કના રસ્તા પર પ્રભુને જોયો છે. બાર્નાબાસે પ્રેરિતોને સમજાવ્યું કે પ્રભુએ શાઉલ ને કેવી રીતે કહ્યું. પછી તેણે પ્રેરિતોને કહ્યું કે શાઉલે દમસ્કના લોકોને કોઇ પણ જાતના ભય વિના પ્રભુનો બોધ આપ્યો.
28 અને તેથી શાઉલ શિષ્યોની સાથે રહ્યો, તેણે સમગ્ર યરૂશાલેમમાં મુસાફરી કરી અને જરા પણ ભય વિના પ્રભુ વિષે બોધ આપ્યો. 29 શાઉલ વારંવાર યહૂદિઓ કે જે ગ્રીક બોલતા હતા તેમની સાથે બોલતો, તે તેઓની સાથે દલીલો પણ કરતો. પરંતુ તેઓ તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. 30 જ્યારે વિશ્વાસીઓએ આ સંદર્ભમાં સાંભળ્યું, તેઓ શાઉલને કૈસરિયાના શહેરમાં લઈ ગયા. કૈસરિયાથી તેઓએ શાઉલને તાર્સસના શહેરમાં મોકલ્યો.
31 ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International