Book of Common Prayer
દાઉદનું ગીત.
1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
3 યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4 ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
5 તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
6 તેઓ પેઢીના લોકો છે
તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
હે પ્રાચીન પ્રવેશદ્વારો,
ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
8 તે ગૌરવવાન રાજા કોણ છે?
એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.
9 હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.
1 હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
2 તમારા આંગણામાં આવવા માટે
મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
7 તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
9 હે દેવ, અમારી ઢાલને જુઓ;
તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
જે રાખે છે ભરોસો તમારા ઉપર.
અર્થવિહિન જીવનનો અનુભવ
6 મેં આ દુનિયામાં બીજી જાતનું દુ:ખ નિહાળ્યું છે, જે ઘણા લોકોને અસર કરે છે. 2 દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે!
3 જો કોઇ મનુષ્યને 100 સંતાનો હોય અને તે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેના મૃત્યુ પછી તેને કોઇ યાદ ન કરે; તો હું કહું છું કે, એના કરતાં તો તે મરેલો જ જન્મ્યો હોત તો વધારે સારું હતું. 4 આવા બાળકનો જન્મ વ્યર્થ અને અંત અંધકારમય હોય છે; તેને નામ પણ અપાતું નથી. 5 વળી તેણે સૂર્યના દર્શન પણ કર્યા નથી, અને તેણે કશું જાણ્યું પણ નથી; છતાં પણ તેની દશા પેલા વૃદ્ધ અને દુ:ખી માણસ કરતાં સારી છે. 6 જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં બમણું હોય, અને છતાંય તે કઇં સુખ ભોગવે નહિ; તો તેનો અર્થ શો? શું છેવટે બધાં એક જ ઠેકાણે નથી જતાઁ?
7 ડાહ્યાં અને વિશેષમાં મૂર્ખા, સર્વ કોઇ પોતાના પેટ માટે શ્રમ કરે છે. છતાં પેટનો ખાડો કદી પૂરાતો નથી. 8 વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને શું વધારે લાભ મળે છે? છતાં એક ગરીબ માણસ જીવનની મુશ્કેલીઓ સામે કેમ ચાલવું તે કેવી રીતે જાણે? 9 આ ભટકતી ઇચ્છાઓ કરતાં આપણી પાસે જે હોય તેમાં સંતોષ માનવો તે વધારે ઇષ્ટ છે; એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
10 જે કાંઇ બની રહ્યું છે તેનું પહેલેથી ભૂતકાળમાં વર્ણન થઇ ગયું એ જાણીતું છે કે લોકો, તેઓ કરતા કોઇ વધારે બળવાન હોય તો જીરવી શકતા નથી. 11 વધારે બોલવાથી બોલેલું અર્થહીન થઇ જાય છે, તો બોલવું જ શા માટે?
12 કારણ કે મનુષ્ય છાંયડાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનનાં સર્વ દિવસોમાં તેને માટે શું ઇષ્ટ છે તે કોણ જાણે છે? કારણ કે કોઇ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?
9 બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો. 10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. 11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું. 12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. 13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”
14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”
15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!” 16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું. 17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?
કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં. 18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”
19 પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે. 20 ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.” 21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”
22 તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.” 23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.
બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.
પૈસામાં વિશ્વાસ ન રાખો
32 “ઓ નાની ટોળી, તમે ડરશો નહિ, તમારા પિતા તમને રાજ્ય આપવા ઈચ્છે છે. 33 તમારી પાસે જે વસ્તુઓ છે તે વેચી દો અને જેઓને જરૂર છે તેઓને તે પૈસા આપી દો. આ જગતની સંપત્તિ સદા રહેતી નથી. તેથી જે સંપત્તિ સતત રહે તે મેળવો. તમારી જાત માટે આકાશમાં ખજાનો પ્રાપ્ત કરો. તે ખજાનો સદા રહેશે. આકાશમાંના ખજાનાને ચોરો ચોરી શકતા નથી, અને કીડા તેનો નાશ કરી શકતા નથી. 34 જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે.
હંમેશા તૈયાર રહો
(માથ. 24:42-44)
35 “તૈયાર થાઓ, પૂર્ણ પોષાક પહેરો, તમારા દીવા સળગતા રાખો. 36 લગ્ન સમારંભમાંથી ઘેર પાછા આવતા ધણીની રાહ જોતાં સેવકો જેવા થાઓ. ધણી આવે છે અને ટકોરા મારે છે. દાસો ધણી માંટે બારણું ઉઘાડે છે. 37 એ દાસોને ધન્ય છે કારણ કે જ્યારે તેઓનો ધણી ઘરે આવે છે અને તે જુએ છે કે તેના દાસો તૈયાર છે અને તેની વાટ જુએ છે. હું તમને સત્ય કહું છું, ધણી તેની જાતે કામ માટે કપડાં પહેરશે અને દાસોને મેજ પાસે બેસવા કહેશે. પછી ધણી તેમની સેવા કરશે. 38 પેલા દાસોને મધરાત પછી મોડેથી તેઓના ધણીની આવવાની રાહ જોવી પડે. તેઓનો ધણી જ્યારે આવે છે, ત્યારે તેઓને રાહ જોતા જોઈને તે આનંદ પામે છે.
39 “આ યાદ રાખો, ઘરનો ધણી જો જાણતો હોત કે ક્યા સમયે ચોર આવશે તો પછી ધણી ચોરને તેના ઘરમાં ઘૂસવા દેત નહિ. 40 તેથી તમે પણ તૈયાર રહો! માણસનો દિકરો તમે ધાર્યુ નહિ હોય તેવા સમયે આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International