Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.
1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.
2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
4 તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
5 તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.
10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
લઇને તમને મળવા આવશે.
13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.
16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.
1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2 કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
અને આપણા શાસન નીચે મૂકે છે.
4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6 દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9 ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
દેવ સવોર્ચ્ચ છે.
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
2 કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
3 તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
8 આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.
16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; જ્ઞાની અને મૂર્ખ બંન્ને મૃત્યુ પામશે અને આવનાર દિવસોમાં બન્ને ભૂલાઇ જશે.
શું ખરેખર આનંદ સત્યજીવનમાં છે?
17 તેથી હવે હું જીવનને ધિક્કારું છું. દુનિયા પર થતાં કાર્યો મને કષ્ટદાયક લાગ્યાં, તે સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાં જેવું છે.
18 જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે. 19 કોઇ કહી શકશે ખરું કે મારો વારસ જ્ઞાની થશે કે મૂર્ખ? છતાં જેના માટે મેં આ દુનિયામાં પરિશ્રમ કર્યો અને મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તેનો ધણી તે બનશે. પરંતુ આ પણ વ્યર્થતા છે.
20 તેથી મેં દુનિયા પર જે સર્વ કામો માટે પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે હું નિરાશ થઇ ગયો. 21 મનુષ્ય પોતાના જીવનમાં ડાહપણ, જ્ઞાન તથા કુશળતાથી પોતાના કામ કરે, પણ એ સર્વ એક દિવસ એવી વ્યકિતના હાથમાં જશે જેણે તેના માટે કઇ કામ કર્યું નથી. કોઇ પણ જાતની કિંમત ચૂકવ્યાં વિના તે વારસ બને છે.આ વ્યર્થતા છે અને સાથે અન્યાય છે.
22 પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું પ્રાપ્ત થાય છે? 23 કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.
24 તેથી આખરે હું આ નિર્ણય પર આવ્યો છું કે માણસે સંતોષથી ખાવું, પીવું અને પોતાના દૈનિક કામમાં આનંદ માણવો, તેનાં કરતાં વધારે સારું બીજું કશું નથી. પછી મને ખ્યાલ આવ્યો કે આ પ્રમાણે વસ્તુઓ દેવ જ બનાવે. 25 પરંતુ દેવની કૃપા વિના કોણ ખાઇ શકે અથવા સુખ ભોગવી શકે? 26 જે લોકો દેવને પ્રસન્ન કરે છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે અતિ ભારે પરિશ્રમ આપે છે તેથી તે સંગ્રહ કરે અને ધનવાન બને, અને જેઓ દેવને પ્રસન્ન કરે છે તેઓને માટે તે ધન મૂકીને જાય, અહીં પણ આપણે વ્યર્થ તથા નિરર્થક હવામાં બાચકાં ભરવા જેવું કરીએ છીએ.
18 ત્રણ વરસ પછી હું યરૂશાલેમ ગયો; મારે પિતરને મળવું હતું. હું પિતર સાથે 15 દિવસ રહ્યો. 19 હું પ્રભુના ભાઈ યાકૂબ સિવાય, બીજા કોઈ પ્રેરિતોને મળ્યો નહિ. 20 દેવ જાણે છે કે આજે હું જે લખુ છું, તે અસત્ય નથી. 21 પાછળથી હું સિરિયા અને કિલકિયાના પ્રદેશોમાં ચાલ્યો ગયો.
22 યહૂદિયામાંની ખ્રિસ્તની મંડળીઓ પહેલા કદી મને મળી નહોતી. 23 તેઓએ માત્ર મારા વિષે આ સાંભળ્યું હતું કે: “આ માણસ આપણને ખૂબ સતાવતો હતો. પરંતુ હવે તે લોકોને તે જ વિશ્વાસ વિષે વાત કહે છે કે જેનો એક વખત નાશ કરવાનો તેણે પ્રયત્ન કરેલો.” 24 આ વિશ્વાસીઓએ મારા કારણે દેવની સ્તુતિ કરી.
અન્ય પ્રેરિતો દ્વારા પાઉલનો અંગીકાર
2 14 વરસ પછી, હું ફરીથી યરુંશાલેમ ગયો. હું બાર્નાબાસ સાથે ગયો, અને તિતસને મેં જોડે લીધો. 2 હું ગયો કારણ કે દેવે મને બતાવ્યું કે મારે જવું જોઈએ. હું તે લોકો પાસે ગયો જેઓ વિશ્વાસીઓના અગ્રેસર હતા. જ્યારે અમે એકલા હતા ત્યારે, મેં આ લોકોને જે સુવાર્તાનો ઉપદેશ હું બિનયહૂદીઓને આપતો હતો તેના વિષે કહ્યું. આ લોકો મારું કાર્ય સમજે એવી મારી ઈચ્છા હતી, કે જેથી મારું ભૂતકાળનું કાર્ય અને અત્યારે જે કાર્ય હું કરું છુ તે નિરર્થક ન જાય.
3-4 તિતસ મારી સાથે હતો. તિતસ ગ્રીક છે. પરંતુ આ નેતાઓએ તિતસને પણ સુન્નત માટે દબાણ ન કર્યુ. અમારે આ સમસ્યાની ચર્ચા કરવાની જરૂર હતી, કારણ કે છુપી રીતે કેટલાએક જૂઠા ભાઈઓ અમારા સમૂહમાં ઘૂસી ગયા હતા. ખ્રિસ્ત ઈસુ તરફથી અમારી જે સ્વતંત્રતા હતી તે વિષે શોધી કાઢવા જાસૂસની જેમ તેઓ ઘૂસી ગયા હતા. 5 પરંતુ તે જૂઠા ભાઈઓ જે માંગતા હતા, તેવી કોઈ પણ બાબત અંગે અમે સહમત થયા નહિ! તમારા માટે સુવાર્તાનુ સત્ય સતત રહે તેવું અમે ઈચ્છતા હતા.
6 તે લોકો જે મહત્વના દેખાતા હતા, તેઓએ હું જે સુવાર્તાનો ઉપદેશ આપતો હતો તેને બદલ્યો નહોતો. (તેઓ “મહત્વના” હતા કે નહિ તે મારે માટે કોઈ બાબત ન હતી. દેવ સમક્ષ સર્વ સમાન છે.) 7 પરંતુ આ આગેવાનોએ જોયું કે પિતરની જેમ દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે. યહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે પિતરને આપ્યું હતું. પરંતુ બિનયહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે મને સોપ્યું હતું. 8 વે પિતરને પ્રેરિત તરીકે કામ કરવાની શક્તિ આપી હતી. પરંતુ જે લોકો યહૂદી નથી તેમના માટે હું પ્રેરિત છું, 9 યાકૂબ, પિતર, અને યોહાનને આગેવાનો તરીકે ગણવામાં આવ્યા છે. તેઓએ જોયું કે દેવે મને આ વિશિષ્ટ કૃપા (દાન) આપી છે. તેથી તેઓએ મારો અને બાર્નાબાસનો સ્વીકાર કર્યો. પિતર, યાકૂબ, અને યોહાને કયું કે, “પાઉલ અને બાર્નાબાસ, તમે જે લોકો યહૂદી નથી તેઓની પાસે જાઓ તેની સાથે અમે સહમત છીએ. અમે યહૂદીઓ પાસે જઈશું.” 10 તેઓએ અમને માત્ર એક કામ કરવાનું કહ્યું કે દરિદ્રી લોકોને મદદ કરવાનું યાદ રાખો અને આ છે જે હું ખરેખર કરવા ઈચ્છુ છું.
ઈસુ વતનમાં પાછો ફર્યો
(માર્ક 6:1-6; લૂ. 4:16-30)
53 જ્યારે ઈસુએ દૃષ્ટાંતો દ્વારા પોતાનો ઉપદેશ પૂરો કર્યા પછી ત્યાંથી ચાલી નીકળ્યો. 54 ઈસુ જ્યાં ઉછરીને મોટો થયો હતો ત્યાં ગયો અને લોકોને તેમના સભાસ્થાનમાં ઉપદેશ આપવા લાગ્યો. અને લોકો આશ્ર્ચર્યમુગ્ધ થયા અને કહ્યું, “આ માણસને આવું ડહાપણ અને ચમત્કાર કરવાનું પરાક્રમ કયાંથી પ્રાપ્ત થયું?” 55 આ તો એક સુથારનો દીકરો છે. તેની મા મરિયમ તરીકે ઓળખાય છે. તેના ભાઈઓને યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તરીકે આપણે ઓળખીએ છીએ. 56 તેની બહેનો પણ અહીં જ રહે છે, તો આ માણસમાં આટલું બધું ડહાપણ અને આ બધું કરવાનું સાર્મથ્ય કયાંથી આવ્યાં? 57 એથી એ લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ.
એટલે ઈસુએ લોકોને કહ્યું, “પ્રબોધકને પોતાના ગામ કે પોતાના ઘર સિવાય બધે જ સન્માન મળે છે.” 58 તે લોકો ઈસુમાં વિશ્વાસ કરતાં ન હતા, તેથી તેણે ત્યાં ઘણાં પરાક્રમી કાર્યો બતાવ્યા નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International