Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 41

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
    સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
    તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
    અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
    અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.

મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
    કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
    તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
    અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
    અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
    અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
    કે તે પથારીમાં પડ્યો છે
    ઓટલે પાછો ઊઠવાનો નથી.”
મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
    અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
    મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
    તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
    તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.

13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
    તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.

આમીન તથા આમીન.

ગીતશાસ્ત્ર 52

નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.

અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
    તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
    તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
    તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.

તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
    અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.

નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
    અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
    “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
    અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”

પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
    હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
    તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર 44

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
    જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
    તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
વિદેશીઓની પ્રજાને,
    તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
    તેઓને ત્યાં વસાવ્યા હતા.
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
    અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
    પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
    કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
હે દેવ, તમે મારા રાજા છો.
    આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
    અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
    પણ મારો બચાવ કરી શકશે નહિ.
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
    જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
    અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
    તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
    અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
    અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
    શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
    અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
    તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
    અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
    જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
    તોય અમે તમને ભૂલી નથી ગયા;
    ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
    અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
    અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
    અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
    યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
    તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
    હવે ઊંઘસો નહિ;
    અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
    તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
    અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
    અને તમારી કૃપાથી અમને બચાવી લો.

સભાશિક્ષક 2:1-15

આનંદ પ્રમોદની નિરર્થકતા

તેથી મેં મારી જાતને કહ્યું કે, “ચાલ ત્યારે, હવે ભરપૂર આનંદ કર, હવે હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે; પણ મને સમજાયું કે આ પણ નકામું કામ છે. મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?”

પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી તરબોળ કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ દુનિયા ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઇ ગ્રહણ કરું.

શું સખત પરિશ્રમથી આનંદ પ્રાપ્ત થાય છે?

પછી મેં મારે પોતાને માટે મોટાં કામો ઉપાડ્યાં. મે પોતાને માટે મહેલો બંધાવ્યાં અને દ્રાક્ષાવાડીઓ રોપાવી. મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી. મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય. મેં પુરુષ નોકરો અને સ્ત્રી નોકરો ખરીદ્યાઁ. મારા ઘરમાંજ જન્મેલાં ગુલામો પણ મારી પાસે હતા. અગાઉ થઇ ગયેલા રાજાઓ પાસે હોય તેનાથીય ઘણાં વધારે ઢોરઢાંખરાં મારી પાસે હતાં.

મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

આ રીતે હું બળવાન અને શકિતશાળી થયો. અને જેઓ યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયા હતાં તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો; મારા જ્ઞાને મને આ બાબતો કરવા માટે શકિતમાન કર્યો. 10 મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો.

11 ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા તે પર, અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સઘળું વ્યર્થ તથા હવામાં બાચકાં ભરવા જેવું દેખાયું અને દુનિયા ઉપર મને કઇં લાભ દેખાયો નહિ.

જ્ઞાન આનો જવાબ હોઇ શકે

12 હવે મેં જ્ઞાની, ગાંડપણ અને મૂર્ખતાના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ શરું કર્યો. જ્યારે એક રાજાની જગ્યાએ બીજો રાજા આવે છે તો નવા રાજાએ કાંઇ નવું કરવાનું નથી. દરેક વસ્તુ બધી પહેલેથીજ કરી લીધેલી હોય છે. 13 પછી મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રે છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઇ થી શ્રે છે. 14 કારણ કે જ્ઞાની માણસ જોઇ શકે છે જ્યારે મૂર્ખ દ્રષ્ટિહીન છે, તો પણ મેં જોયું કે જ્ઞાની અને મૂર્ખ, બંનેના પરિણામ સરખાજ આવે છે.

15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ, ત્યારે મને તેનાં કરતાં વધારે બુદ્ધિમાન હોવામા શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, એ પણ નિરર્થક છે.

ગલાતીઓ 1:1-17

પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો. ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંની[a] મંડળીઓને કુશળતા પાઠવું છું.

હું પ્રાર્થના કરું છુ કે આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રતિ સૌમ્ય રહેશે અને તમને શાંતિ પ્રદાન કરશે. આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી. તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.

માત્ર એક જ સાચી સુવાર્તા છે

થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો. વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે. તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે. અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ! મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.

10 હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.

પાઉલની સત્તા દેવ તરફથી છે

11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ સર્જીત નથી. 12 માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.

13 તમે મારા પાછલા જીવન વિષે સાંભળ્યુ છે. હું યહૂદી ધર્મ પાળતો હતો. મેં દેવની મંડળીને ખૂબ સતાવી છે. મેં મંડળીનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. 14 મારી ઉમરના બીજા યહૂદીઓ કરતાં હું યહૂદી ધર્મની વધારે પ્રગતિ કરી રહ્યો હતો. બીજા યહૂદીઓ કરતા તે પરંપરાને અનુસરવા મેં વધારે પ્રયત્ન કર્યો છે.

15 પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો 16 કે તેના દીકરા (ઈસુ) વિષેની સુવાર્તા હું બિનયહૂદી લોકોને કહું. તેથી દેવે મને તેના દીકરા વિષે દર્શાવ્યું. જ્યારે દેવે મને બોલાવ્યો ત્યારે મેં કોઈ પણ માણસની સલાહ કે મદદ લીધી નહોતી. 17 હું યરૂશાલેમમાં પ્રેરિતોને મળવા નહોતો ગયો. આ લોકો મારા પહેલા પ્રેરિતો હતા. પરંતુ રાહ જોયા વગર, હું અરબસ્તાન ગયો. પાછળથી હું દમસ્ક શહેરમાં પાછો ફર્યો.

માથ્થી 13:44-52

ધન ભંડાર અને મોતીની વાર્તા

44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.

45 “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે. 46 એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું.

માછલીની જાળની વાર્તા

47 “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી. 48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી. 49 સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે. 50 દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.”

51 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે આ બધી બાબતો સમજો છો?”

શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.”

52 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International