Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 30

મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
    કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
    તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
    અને તમે મને સાજો કર્યો છે.
હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
    તમે મને કબરમાં પડવા દીધો નથી.

હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
    અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
    પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
    પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
    હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
હે યહોવા, તમે મારા પર કૃપા કરી
    મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
    તમે મને ભયભીત કર્યો છે.
હે યહોવા, મેં તમને પોકાર કર્યો
    અને મેં તમને વિનંતી કરી.
“હે યહોવા, હું મરી જઇશ તો
    તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
    તમારી સ્તુતિ કરી શકશે?
    શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
    મારી અરજીને સંભળો મને સહાય કરો.”

11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
    મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
    અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
    હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 32

દાઉદનું ગીત. માસ્કીલ.

જેના દોષને માફી મળી છે,
    તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
    તેને ધન્ય છે અને તે જ સુખી છે.
જેને યહોવા દોષિત ગણતા નથી,
    અને જેના આત્મામાં કંઇ કપટ નથી
    તે માણસ આશીર્વાદિત છે.

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
    તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
    અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
આખો દિવસ અને આખી રાત,
    તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
    તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
    મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
    અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.

તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
    ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
    પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
જીવનનાં સર્વ સંકટોમાં
    તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
    મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.

યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
    તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
    હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
    તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”

10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
    પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
    હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર 42-43

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
    અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
    તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
    તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
    હું શોક કરતો ફરૂં છું.
હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
    જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
તમે મારા અતિઆનંદ છો,
    તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
    હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
    તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
    તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
    અને મદદ માટે પ્રાર્થના કરીશ.

નીતિવચનો 25:15-28

15 લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.

16 જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ. 17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.

18 પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. 19 સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

20 ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.

21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ. 22 એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.

23 ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીખોર જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.

24 કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં અંદર રહેવાં કરતાં ધાબાના ખૂણામાં વાસ કરવો સારો છે.

25 દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે.

26 જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે.

27 વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.

28 જે વ્યકિત પોતાની જાત પર કાબૂ ધરાવતો નથી તે માણસ કોટ વગરના નગર જેવો છે.

1 તિમોથી 6:6-21

એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો. આ દુનિયામાં આપણે જ્યારે આવ્યા ત્યારે, આપણે કશુંય લીધા વગર ખાલી હાથે આવ્યા હતા. અને આપણે જ્યારે મરી જઈશું ત્યારે, આપણે કશુંય લઈ જઈ શકવાના નથી. તેથી આપણને જો પૂરતો ખોરાક અને કપડાં મળી રહે, તો તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. ધનવાન થવાની ઈચ્છા રાખતા લોકો પોતે જ પ્રલોભનોની જાળમાં પકડાય છે. તેઓને ઘણી બધી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા થાય છે, કે જે ચીજે તેઓને નુકસાન કે આઘાત આપનારી નીવડે છે. એ વસ્તુઓ લોકોને પાયમાલ કરીને તેઓનો સર્વનાશ આણે છે. 10 પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે.

તારે યાદ રાખવા જેવી કેટલીક બાબતો

11 પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ. 12 વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે. એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે. અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે. એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે. 13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.

17 દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે. 18 તું પૈસાદાર લોકોને સારાં કાર્યો કરવાનું કહે. સારાં કાર્યો કરીને સમૃદ્ધ થાય. તેઓ ભલું કરે. ઉત્તમ કાર્યો રુંપી સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ઉદાર તથા પરોપકારી થાય. 19 એવું કરીને તેઓ પોતાના માટે આકાશમાં એક ખજાનો સંગ્રહ કરશે. તે ખજાનો મજબૂત સ્તંભ બનશે – તે ખજાના ઉપર તેઓ તે ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકે.

20 તિમોથી, દેવે તારામાં વિશ્વાસ મૂકીને તને ઘણી વસ્તુઓ સોંપી છે. તે વસ્તુઓને તું સુરક્ષિત રાખજે. દેવ તરફથી આવતી ન હોય એવી મૂર્ખાઈ ભરી વાતો કરતાં લોકોથી તું દૂર રહેજે. સત્યની વિરૂદ્ધમાં દલીલો કરતાં લોકોથી તું દૂર રહેજે. તેઓ જેને “જ્ઞાન” તરીકે ઓળખાવે છે, તેનો તે લોકો ઉપયોગ કરે છે. પરંતુ ખરેખર તો તે જ્ઞાન નથી. 21 કેટલાએક લોકો એવું કહેતા હોય છે કે તેઓની પાસે એ “જ્ઞાન” છે. એ લોકોએ સત્ય વિશ્વાસ તજ્યો છે.

તમ સર્વ પર દેવની કૃપા થાઓ.

માથ્થી 13:36-43

ધઉં અને કડવા દાણાના દૃષ્ટાંતનો ખુલાસો

36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”

37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે. 38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે. 39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે.

40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. 41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે. 42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે. 43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International