Book of Common Prayer
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
“તમે મારા માલિક છો.
મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
“એવાં સ્રી પુરુષના સંગમાંજ
મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
અને મારો આત્મા પણ ખુશ છે;
તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
શેઓલને સોંપશો નહિ.
તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
2 હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
તમે સત્યને જોઇ શકો છો.
3 તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
4 મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
અને મારો પગ કદી લપસ્યો નથી.
6 હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
અને તેનો જવાબ આપો.
7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
8 તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
9 મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.
13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
તેઓને પાડી નાખી પરાજીત કરી દો
અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.
15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.
નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.
1 હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 દેવ, તમે પવિત્ર છો.
તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
અને મને તુચ્છ ગણે છે.
7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
“તે જરૂર તને ઉગારશે કારણ
તે તને ખૂબ પસંદ કરે છે.”
9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 જેમ પાણી વહી જાય તેમ,
મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે;
અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે!
તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે
અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.
19 હે યહોવા, મારાથી દૂર ન જશો.
હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 મને આ તરવારથી બચાવો,
મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 મને સિંહોના જડબામાંથી બચાવો.
તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.[a]
22 હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ.
હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
જ્ઞાનનું સ્તવન
8 જ્ઞાન બોલાવે છે
અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
2 ડુંગરની ટોચે,
રસ્તે ઘાટે, ચોરેચૌટે
3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા
આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:
4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું;
હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
5 હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો,
અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું.
અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
7 હું સાચું જ બોલીશ,
જૂઠાને હું ધિક્કારું છું.
8 મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે,
હું તમને જૂઠ્ઠું કે ગેર માર્ગે દોરનારું નહિ બોલું.
9 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે.
અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 રૂપાને બદલે મારી સલાહ લો
અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે.
એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.
જ્ઞાન શું કરે છે
12 “હું જ્ઞાન છું,
વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે,
અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
13 યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું,
અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ,
અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
14 મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે.
મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
15 મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે
અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે
અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું.
અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 ધન અને સન્માન મારા હાથમાં છે.
મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે.
અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
20 હું સદાચારને માર્ગે ચાલું છું,
મારો રસ્તો ન્યાયનો છે.
21 મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું
અને તેમના ભંડારો ભરપૂર કરું છું.
1 દેવની પસંદગી પામેલ બાઈ[a] તથા તેનાં છોકરાં જોગ લખિતંગ વડીલ:
હું તમને બધાને સત્યમાં પ્રેમ કરું છું. અને એ બધા લોકો જે સત્યને જાણે છે તે બધા પણ તમને પ્રેમ કરે છે. 2 સત્યના કારણે અમે તમને પ્રેમ કરીએ છીએ-તે સત્ય જે આપણામા રહે છે. આ સત્ય આપણી સાથે સદાકાળ રહેશે.
3 આપણા પર દેવ પિતા અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની કૃપા, દયા અને શાંતિ રહેશે. આપણે આ આશીર્વાદો સત્ય અને પ્રેમ દ્વારા પ્રાપ્ત કરીશું.
4 તમારા કેટલાંએક બાળકો વિશે જાણીને હું ઘણો ખુશ હતો. હું ખુશ છું કે પિતાએ આપણને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ સત્યના માર્ગ ચાલે છે. 5 અને હવે, વહાલી બાઈ, હું તને કહું છું: આપણે બધાએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આ નવી આજ્ઞા નથી. તે એ જ આજ્ઞા છે જે આરંભથીજ આપણને મળી છે. 6 અને પ્રેમનો અર્થ એ છે કે જે રીતે જીવન જીવવાની આપણને આજ્ઞા કરી છે તે પ્રમાણે જીવવું. અને આ દેવની આજ્ઞા છે તમે પ્રેમનું જીવન જીવો. આ આજ્ઞા તમે આરંભથી સાંભળી છે.
7 હમણા જગતમાં ઘણા જૂઠા ઉપદેશકો છે. આ જૂઠા ઉપદેશકો ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો અને માણસ થયો તે સ્વીકારવાની ના પાડે છે. જે વ્યક્તિ આ સત્ય સ્વીકારવાની ના પાડે છે તે જૂઠો ઉપદેશક અને ખ્રિસ્તનો દુશ્મન છે. 8 સાવધ રહો! તમે જે કામ કર્યું છે તે બધાનો બદલો ગુમાવશો નહિ. સાવધ રહો, જેથી તમે તમારા બધાં પ્રતિફળ પામશો.
9 પ્રત્યેક વ્યક્તિએ ફક્ત ખ્રિસ્તે આપેલા ઉપદેશનેજ અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ઈસુએ આપેલા બોધને બદલે છે, તો પછી તે વ્યક્તિ પાસે દેવ નથી. પણ જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તના બોધને અનુસરવાનું ચાલુ રાખે છે, તો તે વ્યક્તિને પિતા (દેવ) અને પુત્ર બંને મળે છે. 10 જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, પરંતુ આ બોધ લાવતો નથી, તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ. તેને આવકારો નહિ. 11 જો તમે તેને સ્વીકારો છો તો, તમે તેના દુષ્ટ કામોમાં મદદ કરો છો.
12 મારી પાસે તમને કહેવાનું ઘણુ છે. પરંતુ મારી ઈચ્છા કાગળ અને શાહીનો ઉપયોગ કરવાની નથી. તેને બદલે, તમારી મુલાકાત કરવાની હું આશા રાખું છું. પછી આપણે ભેગા મળીને વાતો કરી શકીશું, જે આપણને વધારે આનંદિત બનાવશે. 13 તારી બહેનનાં બાળકો જે દેવની પસંદગી પામેલ છે તે તમને તેઓનો પ્રેમ મોકલે છે.
કેટલાક યહૂદીઓ ઈસુની ટીકા કરે છે
(માર્ક 2:23-28; લૂ. 6:1-5)
12 તે સમયે, ઈસુ વિશ્રામવારે પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાંથી જતો હતો. તેના શિષ્યો ભૂખ્યા થયા હતા. તેથી તેઓ અનાજના કણસલાં તોડી ખાવા લાગ્યા. 2 ફરોશીઓએ આ જોયું અને તેમણે ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો શાસ્ત્રના નિયમનો ભંગ કરે છે. અને અનાજના કણસલાં તોડે છે જે વિશ્રામવારે કરવાની મનાઈ છે.”
3 ઈસુએ તેમને કહ્યું, “શું તમે વાંચ્યું છે કે જ્યારે દાઉદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાઉદે શું કર્યુ હતું? 4 દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો? 5 શું મૂસાના નિયમશાસ્ત્રમાં તમે કદીયે વાચ્યું નથી? વિશ્રામવારે ફરજ પાલન કરનારા યાજકો નિયમનો ભંગ કરે અને છતાં પણ તેમને દોષિત ગણાવતા નથી? 6 હું તમને કહું છું, અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે. 7 શાસ્ત્રો કહે છે, ‘મારે પ્રાણીના યજ્ઞો નથી જોઈતા; પણ હું લોકોમાં દયા ચાહું છું’ તમે જો શાસ્ત્રોના આ શબ્દોના સાચા અર્થો સમજતા હોત તો જેઓ નિર્દોષ છે, તેઓને દોષિત ન ઠરાવત.
8 “આ માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
ઈસુ માણસના અપંગ હાથને સાજો કરે છે
(માર્ક 3:1-6; લૂ. 6:6-11)
9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો. 10 ત્યાં સભાસ્થાનમાં એક વ્યક્તિ હતી જેનો હાથ અપંગ હતો. તેથી લોકોએ ઈસુને પૂછયું, “શું નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે કોઈને સાજો કરવો એ શું યોગ્ય ગણાય?”
11 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ખાડામાં પડી ગયું હોય તો શું તમે તેને પકડી ખાડામાંથી બહાર નહિ કાઢો? 12 ઘેટાં કરતાં મનુષ્ય વધારે મૂલ્યવાન છે, માટે વિશ્રામવારે ભલાઈનાં કામ કરવાની નિયમશાસ્ત્ર અનુસાર મંજૂરી હોય છે.”
13 પછી ઈસુએ પેલા માણસને કહ્યું, “તારો હાથ મને જોવા દે.” તે માણસે પોતાને હાથ ઈસુ પાસે ધર્યો કે તરત જ તેનો હાથ બીજા હાથ જેવો થઈ ગયો. 14 ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાની યોજના બનાવી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International