Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 106

યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
    તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
    તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
    અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.

હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
    ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
    તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
    હું હર્ષનાદ કરું.
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
    અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી
    અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ,
અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા,
    તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

તો પણ, પોતાના નામની માટે
    અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો,
    અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10 તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા;
    અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
    તેઓમાંનો એકેય બચ્યો નહિ.

12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો
    અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.
13 તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા;
    તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.
14 રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા,
    અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!
15 યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી;
    પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.
16 તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી,
    તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.
17 તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન,
    અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ.
18 આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો,
    અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.
19 તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો;
    અને એ મૂર્તિની પૂજા કરી.
20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા,
    ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!
21 આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો
    વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!
22 તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો
    અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”

23 યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા,
    દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો.
અને મૂસાએ તેમને રોક્યા,
    જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.[a]

24 તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો;
    અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.
25 તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી,
    ને યહોવાની વાણીનો અનાદર કર્યો.
26 તેથી યહોવાએ રેતીનાં રણમાં
    તેમને મારી નાખવા સમ લીધા.
27 તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે,
    અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.

28 પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા;
    એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા
    અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.
29 યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા;
    તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
30 ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી;
    તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.
31 પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્
    તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.

32 મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા;
    મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું.
33 તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં;
    અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.

34 યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી;
    તેઓએ તેમનો નાશ કર્યો નહિ.
35 પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા;
    અને તેઓના દુષ્ટ માર્ગો અપનાવ્યા.
36 તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી;
    અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.
37 વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ
    અને દીકરીઓના બલિદાનો આપ્યાં.
38 તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિર્દોષ લોહી વહેવડાવ્યું;
    અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ,
    આમ દેશ લોહીથી ષ્ટ થયો.
39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા;
    કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
40 તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો;
    અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41 તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં;
    અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને,
    તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43 યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી;
    છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ;
    અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44 તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી,
    અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45 યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
    અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46 જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં,
    દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47 હે યહોવા અમારા દેવ, અમને તાર;
    પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો;
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
    અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48 હે ઇસ્રાએલના દેવ યહોવા,
    અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ;
સર્વ લોકો આમીન કહો.

અને તમે યહોવાની સ્તુતિ કરો!

લેવીય 23:1-22

વિશેષ પવિત્ર ઉત્સવો

23 યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા.

વિશ્રામનો દિવસ

“છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે.

પાસ્ખાપર્વ

“પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે. આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ.

બેખમીર રોટલીનો ઉત્સવ

“એ મહિનામાં પંદરમાં દિવસથી બેખમીર રોટલીનો ઉત્સવ શરુ થાય છે. સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. આ પર્વના પ્રથમ દિવસે ધર્મસંમેલન રાખવું અને કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહિ. પર્વના સાતમાં દિવસે પણ તમાંરે ફરી ધર્મસંમેલન કરવું. રોજના કામ કરવાં નહિ અને પ્રથમ દિવસ અને છેલ્લા દિવસની વચ્ચેના દિવસોએ રોજ તમાંરે યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ માંટે અર્પણ લાવવું.”

પ્રથમ ફળનું પર્વ

યહોવાએ મૂસાને કહ્યું, 10 “ઇસ્રાએલીઓને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો ત્યારે તમાંરે પહેલા પાકનો પહેલો દાણાનો પૂળો તમાંરે સાબ્બાથના પછીના દિવસે યાજક પાસે લઈને આવવું. 11 યાજક સાબ્બાથના પછીના દિવસે પૂળો યહોવાને ઉપાસનાની જેમ ધરાવવો અને યહોવા તમાંરી ભેટ સ્વીકારશે.

12 “જે દિવસે તમે પૂળો ધરાવો તે દિવસે તમાંરે એક વર્ષનું ખોડખાંપણ વગરનું નર ઘેટું યહોવાને દહનાર્પણ તરીકે ધરાવવું. 13 તેની ઉપરાંત તમાંરે અગ્નિમાં ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોયેલો 16 વાટકા ઝીણો લોટ તથા પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષારસ લાવવો, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 14 તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે.

કાપણીનું પર્વ

15 “પચાસમાં દિવસનું પર્વ: વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળાની ભેટ ધરાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવાં. 16 સાતમાં આઠવાડિયા પછીના રવિવારે એટલે કે પચાસમાં દિવસે, તમાંરે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું: 17 તમાંરે તમાંરાં ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી 16 વાટકા લોટની બે રોટલી લાવવી. એ તમાંરા પાકના પ્રથમ દાણાનું યહોવાને અર્પણ છે.

18 “રોટલી ઉપરાંત યહોવાને દહનાર્પણરૂપે તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરનાં સાત ઘેટાંના બચ્ચા, એક વાછરડું, અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણ પણ હોવા જો ઈએ, જે અગ્નિમાં આહુતિ માંટેના અર્પણો છે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 19 તમાંરે એક બકરો પાપાર્થાર્પણ તરીકે, અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ધરાવવા.

20 “યાજકે તેમને નવા પાકના પહેલા દાણામાંથી બનાવેલી રોટલી સાથે યાજકના ભાગ તરીકે યહોવા સામે ઉપાસના સાથે ધરાવવા. એ યાજકને માંટેની યહોવાને ધરાવેલી ભેટ ગણાશે. 21 એ જ દિવસે તમાંરે ધર્મસંમેલન બોલાવવું. અને તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમાંરા વંશજોએ કાયમ માંટે આ નિયમ પાળવાનો છે.

22 “તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.”

2 થેસ્સલોનિકીઓ 2

અનિષ્ટ ઘટનાઓ ઘટશે

ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિષે અમારે કઈક કહેવાનું છે. જ્યારે આપણે તેની (ઈસુની) સાથે ભેગા થઈશું તે સમય વિષે અમારે તમને કહેવું છે. તમારા વિચારોમાં તમે જલ્દી બેચેન ના બની જતા કે ગભરાઈ ન જતા. જ્યારે તમે એમ સાંભળો કે પ્રભુના દિવસનું આગમન તો ક્યારનું થઈ યૂક્યું છે. કેટલીએક વ્યક્તિઓ પ્રબોધ કરતી વખતે કે સંદેશ આપતી વખતે આમ કહેશે. અથવા પત્રમાં તમે એમ પણ વાંચો કે કેટલાએક લોકો એમ દાવો કરે કે તમે કોઈ આત્મા, વચનથી કે, જાણે અમારા તરફથી આવ્યા છો. કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે તમને ભરમાવે નહિ. પ્રભુનો દિવસ જ્યાં સુધી ધર્મત્યાગ ન થાય ત્યાં સુધી આવશે નહિ. અને તે દિવસ જ્યાં સુધી વિનાશનો પુત્ર એટલે પાપનો માણસ પ્રગટ થશે નહિ. ત્યાં સુધી આવશે નહિ. જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.

મેં તમને અગાઉ જણાવેલું કે આવી ઘટનાઓ ઘટશે. યાદ છે? અને તમે જાણો છો કે હવે તે દુષ્ટ માણસને શું અટકાવી રહ્યું છે. અત્યારે તેને અટકાવવામાં આવ્યો છે જેથી કરીને યોગ્ય સમયે તે પ્રકટ (આવશે) થઈ શકશે. દુષ્ટતાની છૂપી તાકાત જગતમાં ક્યારની પ્રવર્તી રહી છે. પરંતુ એવી એક વ્યક્તિ છે કે જે દુષ્ટતાની છૂપી તાકાતને અટકાવી રહી છે. અને જ્યાં સુધી દુષ્ટ માણસને માર્ગમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને અટકાવવા સતત પ્રયત્નશીલ રહેશે. પછી તે દુષ્ટ માણસ પ્રગટ થશે (આવશે). અને પ્રભુ ઈસુ તે દુષ્ટ માણસનો તેની ફૂંક્થી સંહાર કરશે. પ્રભુ ઈસુ પોતાના આગમનના પ્રભાવથી તે દુષ્ટ માણસનો નાશ કરશે.

ષ્ટ માણસ શેતાનની તાકાત વડે આવશે. તેની પાસે ઘણી તાકાત હશે. અને તે સર્વ પ્રકારનાં ખોટા પરાકમો, ચિહનો, તથા ચમત્કારો કરશે. 10 દુષ્ટ માણસ દરેક પ્રકારના પાપરુંપ કપટ સાથે પ્રયુક્તિઓમાં જે લોકો ભટકી ગયેલા છે તેમને મૂર્ખ બનાવવા માટે ઉપયોગ કરશે. તે લોકો ભટકી ગયા છે કારણ કે તેઓએ સત્યને ચાહવાનો ઈન્કાર કરી દીધો. (જો તેઓએ સત્યને ચાહ્યું હોત, તો તેઓનું તારણ થઈ શકયું હોત.) 11 પરંતુ તે લોકોએ તો સત્યને ચાહવાનો અસ્વીકાર કર્યો, તેથી દેવે તેઓની તરફ તેઓને સત્યથી વેગળા દોરી જાય તેવું કઈક શક્તિશાળી મોકલ્યું છે. દેવ તેઓની તરફ તે તાકાત મોકલે છે જેથી કરીને જે સત્ય નથી તેનો જ તેઓ વિશ્વાસ કરે. 12 તેથી બધા લોકો કે જે સત્યમાં વિશ્વાસ ધરાવતા નથી તેઓ ગુનેગાર ગણાશે. તેઓએ સત્યમાં વિશ્વાસ કર્યો નહિ, અને દુષ્ટ કાર્યો કરવામાં તેઓએ આનંદ માણ્યો.

તારણ માટે તમારી પસંદગી થઈ છે

13 ભાઈઓ અને બહેનો, પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રારંભથી જ દેવે તારણ કરવા માટે તમારી પસંદગી કરેલ છે. તેથી અમે હમેશા તમારા માટે દેવની સ્તુતિ કરીએ છીએ. આત્મા દ્વારા તમને પવિત્ર કરવાથી અને સત્ય વિશ્વાસ વડે તમારું તારણ થયું છે. 14 તારણ પ્રાપ્ત કરવા માટે દેવે તમને તેડયા છે. અમે જે સુવાર્તાનો ઉપદેશ આપ્યા, તેના ઉપયોગથી તેણે (દેવે) તમને તેડયા છે. દેવે તમને તેડયા જેથી કરીને આપણા પ્રભુ ખ્રિસ્તના મહિમામાં તમે સહભાગી બની શકો. 15 તેથી, ભાઈઓ અને બહેનો, દઢ ઊભા રહો અને જે શિક્ષણ અમે તમને આપ્યું છે તેમાં વિશ્વાસ કરવાનું ચાલુ રાખો. અમારી વાણી અને તમારા પરના અમારા પત્રો દ્વારા અમે તમને તે બાબતો શીખવી છે.

16-17 અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને દેવ આપણો બાપ તમને દિલાસો આપે અને તમારા દરેક કાર્ય અને વાણીને પ્રોત્સાહિત કરી સક્ષમ બનાવે. દેવે આપણા પર પ્રેમ કર્યો છે. તેની કૃપા (દયા) દ્વારા નિરંતર જળવાઈ રહે તેવી એક આશા અને પ્રોત્સાહન તેણે આપણને પ્રદાન કર્યા છે.

માથ્થી 7:1-12

ઈસુ બીજાને દોષિત ન ઠરાવવા વિષે શિક્ષણ આપે છે

(લૂ. 6:37-38, 41-42)

“બીજાઓને દોષિત ન ઠરાવો, અને દેવ તમને દોષિત ઠરાવશે નહિ. તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

“જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય! ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ.

“જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે.

જે જોઈએ છે તેના માટે દેવને પ્રાર્થના કરો

(લૂ. 11:9-13)

“દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે.

“તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! 10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! 11 તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે.

અગત્યનો નિયમ

12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International