Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 87

કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.

તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
    યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.

જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
    મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
વળી સિયોન વિષે કહેવાશે કે:
    “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
    દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
    જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.

વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
    “મારું સર્વસ્વ તારામાં છે.”

ગીતશાસ્ત્ર 90

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
    અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારાં બધાં પાપો,
    અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
    અને તે બધાં તમે જોઇ શકો છો.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
    નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
    કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
    કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
    અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
    જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.

ગીતશાસ્ત્ર 136

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
    કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
    કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

ઉત્પત્તિ 29:1-20

યાકૂબને છળતો લાબાન

29 પછી યાકૂબે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો, તે પૂર્વના લોકોના પ્રદેશમાં પહોંચ્યો. યાકૂબે એક નજર કરી, તો ત્યાં તેણે વગડામાં એક કૂવો જોયો. અને કૂવા પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાને પાણી પીવડાવવામાં આવતું હતું. એક મોટા પથ્થરથી કૂવાનું મોઢું ઢાંકેલું હતું. અને જયારે બધાં ઘેટાં ભેગાં થઈ જતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના મોં પરથી પથ્થર હટાવતા હતા. પછી બધાં ઘેટાં તેનું પાણી પી શકતાં હતાં. જયારે બધાં ઘેટાં પાણી પી લેતાં એટલે ઘેટાંપાળકો કૂવાના મોં પર ફરીથી પથ્થર ઢાંકી દેતા.

યાકૂબે ઘેટાંપાળકોને પૂછયું, “ભાઈઓ, તમે લોકો કયાંથી આવો છો?”

તેઓએ જવાબ આપ્યો, “અમે હારાનના છીએ.”

પછી યાકૂબે પૂછયું, “શું તમે લોકો નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?”

ગોવાળિયાઓએ કહ્યું, “અમે લોકો તેને ઓળખીએ છીએ.”

પછી યાકૂબે પૂછયું, “તે કુશળ તો છે ને?”

તેઓએ કહ્યું, “તેઓ કુશળ છે. બધુ જ સરસ છે. જુઓ, પેલી તેની પુત્રી રાહેલ તેનાં ઘેટાં સાથે આવી રહી છે.”

યાકૂબે કહ્યું, “જુઓ, હજુ દિવસ છે અને સૂર્યાસ્ત થવાને હજુ ધણી વાર છે. રાતને માંટે ઢોરોને એકઠાં કરવાનો વખત થયો નથી. તેથી તેને પાણી પાઈને ફરીથી મેદાનમાં ચરવા માંટે જવા દો.”

પરંતુ તે ઘેટાંપાળકે કહ્યું, “જયાંસુધી બધાં ઘેટાંનાં ટોળાં ભેગા થાય નહિ ત્યાં સુધી અમે એમ કરી શકીએ નહિ, બધા ટોળાં ભેગાં થાય તે પછી જ કૂવાના મુખ પરથી પથ્થર હઠાવીશું અને બધા ઘેટાં પાણી પીશે.”

યાકૂબ ઘેટાંપાળકો સાથે વાત કરતો હતો ત્યારે જ રાહેલ પોતાનાં પિતાનાં ઘેટાં સાથે આવી. (રાહેલનું કામ ઘેટાં ચારવાનું હતું.) 10 રાહેલ લાબાનની પુત્રી હતી. લાબાન રિબકાનો ભાઈ હતો. અને રિબકા યાકૂબની માંતા હતી. જયારે યાકૂબે રાહેલને જોઈ, ત્યારે તેણે કૂવા પરનો પથ્થર હઠાવ્યો અને ઘેટાંઓને પાણી પાયું. 11 પછી યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો. 12 પછી યાકૂબે રાહેલને જણાવ્યું કે, હું તારા પિતાના પરિવારનો છું અને રિબકાનો પુત્ર યાકૂબ છું. એટલે રાહેલ દોડતી ઘરે ગઈ અને પિતાને આ બધી વાત કરી.

13 લાબાને પોતાની બહેનના પુત્ર યાકૂબના સમાંચાર સાંભળ્યા, તેથી તે ભાણેજને મળવા માંટે દોડયો. અને તેને ભેટી પડયો, ચુંબન કરવા લાગ્યો અને પોતાને ઘેર લઈ આવ્યો. યાકૂબે જે કાંઈ થયું હતું તે બધુંજ લાબાનને કહી સંભળાવ્યું.

14 પછી લાબાને કહ્યું, “આશ્ચર્ય! તમે અમાંરા પરિવારના છો!” તેથી યાકૂબ લાબાન સાથે એક મહિના સુધી રહ્યો.

લાબાનનો યાકૂબ સાથે દગો

15 એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?”

16 લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ “લેઆહ” અને નાનીનું નામ રાહેલ હતું.

17 રાહેલ સુંદર હતી અને લેઆહની આંખો સૌમ્ય હતી.[a] 18 યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “જો તમે તમાંરી નાની પુત્રી રાહેલને માંરી સાથે પરણાવો, તો હું તમાંરે માંટે સાત વર્ષ સુધી કામ કરીશ.”

19 લાબાને કહ્યું, “હું એને બીજા કોઈની સાથે પરણાવું તેના કરતાં તારી સાથે પરણાવું તે એના માંટે સારું છે. તેથી માંરી સાથે રહો.”

20 એટલા માંટે યાકૂબ ત્યાં રહ્યો. અને સાત વર્ષ સુધી લાબાન માંટે કામ કરતો રહ્યો. છતાં એ સાત વરસ તેને સાત દિવસ જેવા લાગ્યા, કારણ કે તે રાહેલને ખૂબ પ્રેમ કરતો હતો.

રોમનો 14

બીજા લોકોની ટીકા ન કરો

14 વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો. એક વ્યક્તિ એવું માને છે કે એને મન ફાવે તેમ તે કોઈપણ જાતનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ નિર્બળ વિશ્વાસ ધરાવનાર માણસ એવું માને છે કે તે ફક્ત શાકભાજી જ ખાઈ શકે છે. કોઈપણ જાતનો ખોરાક લેનાર માણસે એવું માની લેવું ન જોઈએ કે તે શુદ્ધ શાકાહારી વ્યક્તિ કરતાં વધારે સારો છે. અને ચુસ્ત શાકાહારી માણસે પણ એવું માનવું ન જોઈએ કે બધી જાતનો ખોરાક લેનાર માણસ ખોટો છે. કેમ કે દેવે તેનો પણ સ્વીકાર કર્યો છે. બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે.

કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે. અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે. ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ. બીજા દિવસો કરતાં અમુક જ દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું જ ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા એ ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. એ પણ દેવનો આભાર માને છે.

હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી. જો આપણે જીવીએ છીએ તો તે પ્રભુને ખાતર જ જીવીએ છીએ. અને જો આપણે મરીએ છીએ તો તે પણ પ્રભુને ખાતર જ. આમ, જીવતાં કે મરતાં આપણે પ્રભુનાજ છીએ.

તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય. 10 તો પછી ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર તમારા ભાઈ વિષે તમે શા માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધો છો? અથવા તો તમારા ભાઈ કરતાં તમે વધારે સારા છો, એમ તમે શા માટે વિચારો છો? આપણે બધાએ દેવના ન્યાયાસન આગળ ઉપસ્થિત થવાનું છે અને તે આપણા સૌનો ન્યાય કરશે. 11 હા, શાસ્ત્રમાં લખેલું છે:

“‘પ્રભુ કહે છે કે,
    પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે
    અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.’” (A)

12 આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે.

બીજા લોકો પાસે પાપ કરાવશો નહિ

13 આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે. 14 હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે.

15 જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે. 16 તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ. 17 દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે. 18 જે કોઈ વ્યક્તિ આ રીતે જીવન જીવીને ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પ્રસન્ન કરે છે. અને બીજા લોકો પણ એ વ્યક્તિનો સ્વીકાર કરે છે.

19 જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ. 20 જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય. 21 સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય.

22 આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે. 23 તે ખોરાક ખાવો યોગ્ય છે કે નહિ તેની ખાતરી કર્યા વગર જો કોઈ વ્યક્તિ તે ખાઈ લે તો તે પોતાની જાતને દોષિત માને છે. શા માટે? કારણ કે તે વ્યાજબી હતું એમ તેણે માન્યું નહોતું. અને જો કોઈ વ્યક્તિ જેમાં તેને વિશ્વાસ નથી કે તે સાચું છે અને તે કરે છે તો પછી તે પાપ છે.

યોહાન 8:47-59

47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”

ઈસુ પોતાના વિષે અને ઈબ્રાહિમ વિષે વાત કરે છે

48 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે કહીએ છીએ કે તું સમરૂની છે, અમે કહીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે. અને તને ગાંડો બનાવ્યો છે! અમે આ બાબત કહીએ છીએ ત્યારે શું અમે સાચા નથી?”

49 ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં કોઈ શેતાન પ્રવેશ્યો નથી. હું મારા પિતાને આદર આપું છું. પણ તમે કોઈ મારો આદર કરતા નથી. 50 હું મારી જાત માટે આદર મેળવવા પ્રયત્ન કરતો નથી. મને આદર અપાવવાની ઈચ્છા કરનાર ત્યાં એક જ છે. તે ન્યાય કરનાર છે. 51 હું તમને સત્ય કહું છું. જો કોઈ મારું વચન પાળે છે, તો પછી તે કદી મૃત્યુ પામશે નહિ.”

52 યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’ 53 શું તું ધારે છે કે તું અમારા પિતા ઈબ્રાહિમ કરતાં વધારે મહાન છે? ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. તું કોણ હોવાનો દાવો કરે છે?”

54 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી. જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે. અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે. 55 પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું. 56 તમારો પિતા ઈબ્રાહિમ ઘણો ખુશ હતો, કારણ કે જ્યારે હું આવ્યો તે દિવસ તેણે જોયો અને તે સુખી થયો.”

57 યહૂદિઓએ ઈસુને કહ્યું, “શું તેં ઈબ્રાહિમને જોયો છે? હજુ તો તું 50 વરસનો પણ થયો નથી.”

58 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.” 59 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International