Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 80

નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.

હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
    તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
    અમને પ્રકાશ આપો!
એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
    અમને તારવાને આવ.
હે દેવ, અમને તમે ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
હે સૈન્યોના યહોવા દેવ,
    ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
    અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
    અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
    જેથી અમારો ઉદ્ધાર થાય.

તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
    અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
    તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
    અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
    અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
    કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
    અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
    અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
    જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
    તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.

17 તમારા જમણા હાથે જે માણસ છે,
    અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
    અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

ગીતશાસ્ત્ર 77

નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
    મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
    મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
    જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
    મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
    પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
    હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
હું અગાઉના દિવસો
    અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
    હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
    ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
    શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
    શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?

10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
    અસ્વસ્થ કરે છે તે આ છે.”

11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
    અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
    અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
    તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
    તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
    તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.

16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
    અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
    વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
    વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
    અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
    તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
    તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

ગીતશાસ્ત્ર 79

નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
    અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
    અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
    અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
    ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
    તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
    તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
    જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
    અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
    અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
    અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
હે અમારા તારણના દેવ,
    અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
    હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
    અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
    “ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
    તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
    તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
    તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
    તમારા લોક તથા ચારાના ઘેટાઁ
    પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.

ઉત્પત્તિ 25:19-34

ઇસહાકનો પરિવાર

19 આ ઇસહાકની કથા છે. ઇબ્રાહિમનો એક પુત્ર ઇસહાક હતો. 20 ઇસહાકે 40 વર્ષની વયે રિબકા સાથે લગ્ન કર્યા. રિબકા પાદાનારામની વતની હતી. તે અરામના બથુએલની પુત્રી અને અરામના લાબાનની બહેન હતી. 21 તેની પત્નીને બાળકો થતાં ન હતા. આથી ઇસહાકે તેના માંટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ ઇસહાકની પ્રાર્થના સાંભળી અને માંન્ય રાખી અને રિબકા ગર્ભવતી થઇ.

22 જયારે રિબકા ગર્ભવતી હતી ત્યારે તેણીનાં ગર્ભમાં બે બાળકો થવાને કારણે તેણીએ સહન કર્યુ. ગર્ભમાં બાળકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં, એટલે તેણી બોલી, “માંરી સાથે આવું શું કામ બની રહ્યું છે?” તેણીએ યહોવાને પ્રાર્થના કરી. 23 ત્યારે યહોવાએ તેને કહ્યું,

“તારા પેટમાં
    બે પ્રજાઓ છે,
બે પરિવારોના રાજા તમાંરામાંથી જ થશે.
    જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ,
એકબીજા કરતાં વધારે બળવાન થશે;
    મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”

24 પૂરા દિવસો થતા રિબકાએ બે જોડકાં બાળકોને જન્મ આપ્યો. 25 પ્રથમ જનીત બાળક તે લાલ હતો. તેના આખા શરીરે વાળ હતા, જાણે તેણે વાળનો ઝભ્ભો ન પહેર્યો હોય, આથી તેણીએ તેનું નામ એસાવ પાડયું. 26 જયારે બીજો બાળક જન્મ્યો ત્યારે તેના હાથે એસાવની એડી પકડેલી હતી, આથી તેનું નામ યાકૂબ પાડયું. એ પુત્રો જન્મ્યા, ત્યારે ઇસહાકની ઉંમર 60 વર્ષની થઈ હતી.

27 બાળકો મોટા થયાં ત્યારે “એસાવ” કુશળ શિકારી થયો, અને તે ખેતરોમાં રહેવાનું પસંદ કરતો. જયારે યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. અને તંબુઓમાં સ્થિર થઈને રહેતો હતો. 28 ઇસહાક એસાવને ખૂબ પ્રેમ આપતો, તે તેને ખૂબ વહાલો હતો. એસાવ શિકાર કરીને જે પશુને લાવતો તેનું માંસ તે ખાતો હતો. પરંતુ યાકૂબ રિબકાને વહાલો હતો.

29 એક વખત એસાવ શિકાર કરીને પાછો ફર્યોં. તે થાકેલો હતો, ને ભૂખથી પરેશાન હતો. યાકૂબ શાક રાંધી રહ્યો હતો. 30 તેથી તેણે યાકૂબને કહ્યું, “આ લાલ શાકમાંથી મને થોડું ખાવા માંટે આપ. મને ખૂબ ભૂખ લાગી છે.” (આથી તેનું નામ અદોમ પડયું)

31 પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું તારો જયેષ્ઠપણાનો હક્ક મને આપ.”

32 એસાવે કહ્યું, “હું ભૂખથી મરવા પડયો છું. જો હું મરી જઈશ તો માંરા પિતાનું ધન પણ મને મદદ કરી શકવાનું નથી. તેથી હું તને માંરો ભાગ આપીશ.”

33 પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું સમ લે કે, તું મને તે આપીશ.” તેથી એસાવે યાકૂબ આગળ સમ ખાધા. અને એસાવે પોતાના પિતાની મિલકતનો પોતાનો ભાગ યાકૂબને આપ્યો અને પોતાનો પ્રથમ પુત્રનો હક્ક પણ યાકૂબને વેચી દીધો. 34 પછી યાકૂબ એસાવને રોટલી અને મસૂરની દાળ આપી. પછી ખાધા-પીધા પછી તે ઊઠીને ચાલ્યો ગયો. આ રીતે એસાવે એ દશાર્વ્યુ કે, તે પોતાના પ્રથમ પુત્ર હોવાના હક્કની પરવા કરતો નથી.

હિબ્રૂઓ 13:1-16

13 તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે. જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.

સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:

“હું તને કદી મૂકી દઇશ નહિ;
અને તને તજીશ પણ નહિ.” (A)

તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે,

“પ્રભુ મને સહાય કરનાર છે;
    હું ડરીશ નહિ.
માણસ મને શું કરનાર છે?” (B)

તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે. તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી.

10 અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી. 11 યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા. 12 આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો. 13 આપણે પણ શહેરની બહાર એટલે કે છાવણીની બહાર તેની પાસે જવું જોઈએ. અને તેની સાથે તેણે જે દુ:ખ તથા અપમાન સહન કર્યા છે તે આપણે સ્વીકારીએ. 14 આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ. 15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 16 બીજાના માટે ભલું કરવાનું ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.

યોહાન 7:37-52

ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે

37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.

ઈસુની લોકો વિષે દલીલ

40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”

41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”

બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.

યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી

45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”

46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”

47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”

50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,

51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”

52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International