Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 61-62

નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
    અને મારી અરજી પર ધ્યાન આપો.
જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
    ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
    તેથી તે પર તમે મને લઇ જજો.
તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
    મને મારા શત્રુઓથી બચાવે છે!
હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
    અને તારી પાંખોના આશ્રયે રહીશ.

હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
    જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
    તે આવનાર પેઢીઓ સુધી જીવે.
તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
    તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
    અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.

નિર્દેશક માટે. યદૂથૂનની રીત મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.

દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે.
    મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું,
    કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે;
    સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?

જે વ્યકિત નમી ગયેલી ભીંત
    કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે,
તેના ઉપર તમે સર્વ માણસો
    ક્યાં સુધી આક્રમણ કરશો?
તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે
    પાડી દેવા ચાહે છે;
તેઓ જૂઠથી હરખાય છે,
    અને મુખેથી આશીર્વાદ આપે છે,
    પરંતુ હૃદયથી શાપ આપે છે.

મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
    અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
    કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
    હું ઉથલાઇ જનાર નથી.
ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
    મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
    અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
    આપણા સૌનો આશ્રય દેવ છે.

ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
    દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
    અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
    લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
    તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
    “સાર્મથ્ય દેવ પાસે છે.”

12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
    તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.

ગીતશાસ્ત્ર 68

નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.

હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
    તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
    જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
    હા, સૌ અતિ આનંદ કરો.
દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
    જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
    જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
દેવ એકાકી લોકોને ઘર આપે છે.
    કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
    પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
    અને તમે વેરાન રણમાં કૂચ કરી.
દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
    અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
    અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
    હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
    લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
    અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
    અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”

14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
    તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
    બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
    કે જેને યહોવા પોતાને રહેવા
    માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
    અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
    તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
    તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
    યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
    કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
    અને તેઓજ સૌનું તારણ કરે છે.

20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
    યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
    તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
    પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
    અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”

24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
    તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
    તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
    ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
    કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
    યહૂદાના સરદારો, ઝબુલોન,
    નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.

28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
    તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
    રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
    રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
    અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
    કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
    અને યહોવાનું સ્તવન કરો.

33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
    એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
    તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
    તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
    ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.

તેમને ધન્ય હો!

ઉત્પત્તિ 21:1-21

સારાના પુત્ર ઇસહાકનો જન્મ

21 યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી. સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું. સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું. અને દેવની આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરાવી.

જયારે ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક જન્મ્યો ત્યારે એની ઉંમર 100 વર્ષની થઈ હતી. અને સારાએ કહ્યું, “દેવે મને સુખનાં દિવસ આપ્યા છે. જે કોઈ વ્યકિત આ સાંભળશે તે પણ માંરી સાથે પ્રસન્ન થશે. કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.”

ઘરમાં વિપત્તિઓનાં વાદળ

હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી. પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો. 10 તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”

11 આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો. 12 પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે. 13 પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.”

14 તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.

15 થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું. 16 હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી.

17 દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ, 18 ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.”

19 પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.

20 બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો. 21 તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું.

હિબ્રૂઓ 11:13-22

13 આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ. 14 આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે. 15 જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત. 16 પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે.

17-18 દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી. જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઇબ્રાહિમે વિશ્વાસથી ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં ને જેને કહેવામાં આવ્યું હતું કે, ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. 19 ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.

20 વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો. 21 વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી.

22 વિશ્વાસના કારણે જ યૂસફે પોતાના અંતકાળે ઇજીપ્તના ઇસ્ત્રાએલના લોકોના છૂટા પડવાની વાત કરી, અને તેના શબ વિષે સૂચનો કર્યા.

યોહાન 6:41-51

41 યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.” 42 યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું’?”

43 પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો. 44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે. 46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.

47 “હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે. 48 હું રોટલી છું જે જીવન આપે છે. 49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. 50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ. 51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International