Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
2 યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
અને મારા પગલા સ્થિર કર્યા.
3 તેમણે આપણા દેવનું સ્તોત્ર,
મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
અને યહોવા પર ભરોસો રાખશે.
4 જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
5 હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
12 કારણ, મારા માથે સમસ્યાઓનો
ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
તેઓ ફજેત થાઓ
અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
માટે હવે વિલંબ ન કરશો.
નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.
1 હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
મારા મોઢાંની વાતો કાને ઘરો.
3 વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.
4 યહોવા દેવ, મને સહાય કરનાર છો,
મારા જીવનનો એજ આધાર છે.
5 યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.
6 હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
7 દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.
પ્રતિજ્ઞાનો પુત્ર ઈસહાક
15 દેવે ઇબ્રાહિમને કહ્યું, “સારાય જે તારી પત્ની છે એને હું નામ આપીશ. તેનું નામ સારા રહેશે. 16 હું તેને આશીર્વાદ આપીશ. હું તેને પુત્ર આપીશ અને તું પિતા બનીશ. તે ઘણી નવી દેશજાતિઓની માંતા થશે. એને પેટે પ્રજાઓના રાજા જન્મ ધારણ કરશે.”
17 પછી ઇબ્રાહિમે સાષ્ટાંગ નમસ્કાર કરીને દેવની ભકિત દર્શાવી. અને મનમાં હસ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, “હું તો 100 વર્ષનો વૃદ્વ છું. હું પુત્ર કેવી રીતે ઉત્પન્ન કરી શકું? અને સારા 90 વર્ષની વૃદ્વા છે, તે બાળકને જન્મ આપી શકે નહિ.”
18 પછી ઇબ્રાહિમે દેવને તેના કહેવાનો હેતુ પૂછયો, “શું ઇશ્માંએલ જીવતો રહે અને તારી સેવા કરે?”
19 દેવે કહ્યું, “ના, મેં કહ્યુંને કે, તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જરૂર અવતરશે. અને તારે તેનું નામ ઇસહાક પાડવું. હું તેની સાથે માંરો કરાર કરીશ અને તે તેના વંશજો માંટે પણ કાયમનો રહેશે.
20 “તેં મને ઇશ્માંએલની બાબતમાં પૂછયું, અને મેં તારી વાત સાંભળી. હું તેને આશીર્વાદ આપીશ, તેને ઘણાં સંતાનો થશે. તે મોટા બાર સરદારોનો પિતા થશે. અને હું તેનાથી એક મોટી પ્રજાનું નિર્માંણ કરીશ. 21 પરંતુ હું માંરો કરાર તો આવતે વર્ષે ઠરાવેલ સમયે સારા ઇસહાકને જન્મ આપશે તેની સાથે કરીશ.”
22 દેવે જયારે ઇબ્રાહિમ સાથે વાત કરવાની બંધ કરી ત્યારે તે એકલો જ રહ્યો કારણ કે દેવ તેની પાસેથી આકાશ તરફ ચાલ્યા ગયા. 23 દેવે કહ્યું હતું કે, તું તારા કુટુંબના બધા પુત્રોની તથા પુરુષોની સુન્નત કરાવજે. તેથી ઇબ્રાહિમે ઇશ્માંએલ તથા પોતાના ઘરમાં જન્મેલાં બધા તથા પૈસાથી ખરીદેલા બધા ગુલામોને એક સાથે બોલાવ્યા અને દેવના કહ્યા પ્રમાંણે બધા ગુલામોની સુન્નત કરાવી.
24 ઇબ્રાહિમની સુન્નત થઈ, ત્યારે તેની ઉંમર 99 વર્ષની થઈ હતી. 25 અને તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત થઈ ત્યારે તે 13 વર્ષનો થયો હતો. 26 ઇબ્રાહિમ તથા તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત એક જ દિવસે થઈ હતી. 27 તે જ દિવસે ઇબ્રાહિમના ઘરના તમાંમ પુરુષોની સુન્નત કરવામાં આવી હતી. તેના ઘરમાં જન્મેલા અને પરદેશીઓ પાસેથી પૈસા આપીને ખરીદેલા ઘરના બધા ગુલામોની સુન્નત પણ તેની સાથે કરવામાં આવી હતી.
11 તેમ જ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો ઘણીવાર અર્પણ કરતા. પરંતુ તે બલિદાનોથી પાપોને કદી દૂર કરી શક્યા નહિ. 12 પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો. 13 અને તેના દુશમનોને તેની સત્તા નીચે મૂકવામાં આવે તેથી ખ્રિસ્ત હવે ત્યાં રાહ જોઈ રહ્યો છે. 14 જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને ખ્રિસ્તે પોતાના એક જ બલિદાનથી બધા જ સમય માટે પરિપૂર્ણ કર્યા.
15 આ વિષે પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. તે પહેલા કહે છે:
16 “આ કરાર છે જે ભવિષ્યમાં હું મારા લોકો સાથે કરીશ એમ પ્રભુ કહે છે.
હું મારા નિયમો તેઓના હ્રદય પર લખીશ.
હું મારા નિયમો તેઓના મનમાં સ્થાપીશ.” (A)
17 પછી તે કહે છે:
“તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.”(B)
18 અને હવે સદાને માટે પાપ માફ થયાં છે ત્યારે પાપ મુક્તિ માટે અન્ય કોઈ અર્પણની જરુંર રહેતી નથી.
દેવની નજીક આવો
19 ભાઈઓ, તેણે આપણા માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, આપણે કોઈ પણ જાતના ભય વિના દાખલ થઈ શકીશું. 20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું. 21 દેવના ઘરમાં રાજ કરવા માટે આપણી પાસે એક મોટો યાજક નિમાયેલો છે. 22 આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ. 23 જે આશાઓમાં આપણે સંમત છીએ તેને આપણે મક્કમતાથી વળગી રહીએ, કારણ કે જેણે આપણને વચન આપ્યું છે તેનો સંપૂર્ણ ભરોસો આપણે કરી શકીએ છીએ.
એકબીજાને મદદરુંપ બનો
24 આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડો[a] નજીકને નજીક આવી રહ્યો છે.
ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)
6 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). 2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. 3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. 4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” 6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, 9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International