Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
6 જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
હું ફકત યહોવામાં ભરોસો કરું છું;
7 યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ
તમે મારું સઘળું દુ:ખ જોયું છે,
મારા આત્માની વ્યથા નિહાળી છે.
8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી,
તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.
9 હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું,
મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ,
મારો પ્રાણ ક્ષીણ થાય છે.
10 મારા જીવનનો અંત આવે છે.
ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે.
મારા પાપોએ મારી શકિત હણી લીધી છે
અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.
11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે,
અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે.
મારા સબંધીઓને મારો ભય લાગે છે;
તેથી તેઓ મને અવગણે છે.
જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું;
હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.
13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે.
તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.
14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું
મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
17 હે યહોવા, હું નિરાશ થઇશ નહિં;
કારણકે મેં તમને પ્રાર્થના કરી છે.
દુષ્ટજનોને લજ્જિત કરી
અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.
18 જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે
અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.
19 જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે,
તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે.
અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.
20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો,
અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો.
તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે.
જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.
22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે,
વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.
23 હે યહોવાના સર્વ ભકતો,
તમે તેમનાં પર પ્રેમ રાખો;
વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે,
અને અભિમાનીને શિક્ષા કરે છે.
24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે.
ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
2 તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
અને મારું રક્ષણ કરો.
3 ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
મારા આત્માને ખાત્રીથી કહો કે,
“તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”
4 જેઓ મારા જીવના તરસ્યા છે
તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
તેઓ રઝળી પડો અને પાછા હઠો.
5 તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
6 હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
યહોવાનો દૂત તેમની પાછળ પડો.
7 તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
9 પણ હું યહોવાથી આનંદિત થઇશ,
અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
“હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.
17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.
18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
હવે તમે શાંત બેસી રહેશો નહિ;
અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”
28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.
તેરાહના પરિવારની કથા
27 આ તેરાહના પરિવારની કથા છે. તેરાહને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાન જન્મ્યા હતાં. હારાન લોતનો પિતા હતો. 28 હારાન તેની જન્મભૂમિ કાસ્દીઓના “ઉર” નગરમાં મૃત્યુ પામ્યો. જયારે હારાન મૃત્યુ પામ્યો ત્યારે તેનો પિતા “તેરાહ” જીવતો હતો. 29 ઇબ્રામ અને નાહોર બંન્નેએ લગ્ન કર્યા. ઇબ્રામની પત્નીનું નામ સારાય હતું. અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. મિલ્કાહ હારાનની પુત્રી હતી. હારાનને યિસ્કાહ નામે બીજો એક પુત્ર હતો. 30 સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.
31 તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના “ઉર” નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. 32 તેરાહ 205 વર્ષ જીવ્યો પછી હારાનમાં અવસાન પામ્યો.
દેવે ઇબ્રામને બોલાવ્યો
12 યહોવાએ ઇબ્રામને કહ્યું,
“તું તારો દેશ, તારા સગાંસંબંધી,
અને તારા પિતાના પરિવારને છોડી દે
અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ.
હું તને એક મહાન રાષ્ટ બનાવીશ.
હું તારા નામને પ્રસિધ્ધ કરીશ.
લોકો તારા નામ દ્વારા
બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને
હું આશીર્વાદ આપીશ.
પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ.
પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
ઇબ્રામનું કનાન ગમન
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો. 5 ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં. 6 ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.
7 યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”
આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી. 8 તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી.
યાજક મલ્ખીસદેક
7 આ મલ્ખીસદેક શાલેમનો રાજા હતો તથા તે પરાત્પર દેવનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને ઈબ્રાહિમ પાછો આવી રહ્યો હતો, ત્યારે મલ્ખીસદેક તેને મળ્યો. અને મલ્ખીસદેક ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો. 2 ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો.
મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે. તેના બે અર્થ થાય છે પહેલો અર્થ, મલ્ખીસદેક એટલે “ભલાઈનો રાજા.” અને “શાલેમનો રાજા,” એટલે “શાંતિનો રાજા” પણ છે. 3 મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી, તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી, પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે.
4 આ મલ્ખીસદેકની મહાનતાને વિચાર કરો! ઈબ્રાહિમે યુદ્ધમાં જીતીને મેળવેલી તમામ સંપત્તિમાંથી દશમો ભાગ આપી દીધો. 5 નિયમશાસ્ત્ર કહે છે કે લોકો લેવી પુત્રમાંથી એટલે પોતાના ભાઈઓમાંથી બનેલા યાજકોને દશાંશ આપે. યાજકો અને લોકો પછી ભલે તે ઈબ્રાહિમના પરિવારના હોય તો પણ તેમની પાસેથી દશાંશ એકઠા કરે. 6 મલ્ખીસદેક લેવી કુટુંબનો નહોતો. છતાં તેને ઈબ્રાહિમ પાસેથી દશમો ભાગ મળ્યો. ઈબ્રાહિમે દેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા છતાં મલ્ખીસદેક તેને આશીર્વાદ આપ્યો. 7 આશીર્વાદ આપનાર વ્યક્તિ આશીર્વાદ પામનાર કરતાં વધુ મહાન હોય છે તે સર્વ કોઈ જાણે છે.
8 અહીં ર્મત્યે માણસો દશમો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે, તે લે છે. 9 વળી એમ પણ કહી શકાય કે, જે લેવીનો દશમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દશમો ભાગ આપ્યો. 10 કેમ કે જ્યારે મલ્ખીસદેક તેના પિતાને મળ્યો, ત્યારે લેવી હજી પોતાના પિતાની કમરમાં હતો.
11 હવે જો લેવીના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત. (જેના મારફત લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું) તો હારુંનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ એવો બીજો યાજક મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? 12 કારણ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલવાની અગત્ય છે. દેવ જ્યારે યાજકપદ બદલે છે ત્યારે તેને સંકળાયેલા નિયમો પણ બદલે છે. 13 જેના વિષે વાત કરવામાં આવી છે તે કોઈ બીજા કુળના છે. આ કુળની કોઈપણ વ્યક્તિ વેદીનો સેવક નહોતી. સિવાય કે લેવી કુળની વ્યક્તિ હોય. 14 કેમ કે તે સ્પષ્ટ છે કે આપણો પ્રભુ (ખ્રિસ્ત) યહૂદાના કુળમાં જન્મ્યો હતો. અને મૂસાના નિયમ પ્રમાણે યાજકપદની સેવા તેના કુટુંબને સોંપાયેલી નહોતી.
ઈસુ મલ્ખીસદેક સમાન યાજક
15 મેં જે કંઈ કહ્યું છે તેથી પણ વધારે સ્પષ્ટ થાય છે. કે મલ્ખીસદેક જેવો બીજો યાજક પ્રગટ થઈ રહ્યો છે. 16 એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો, પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે. 17 શાસ્ત્રોમાં એના વિષે કહેવામાં આવ્યું છે કે: “તું મલ્ખીસદેક હતો તેના જેવો જ સનાતન યાજક છે.” (A)
16 ઈસુએ તેને કહ્યું, “જા તારા પતિને બોલાવી લાવ અને પછી પાછી અહીં આવ.”
17 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પણ મારે પતિ નથી.”
ઈસુએ તેને કહ્યું, “તેં બરાબર કહ્યું છે કે તારે પતિ નથી. 18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”
19 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, હું જોઈ શકું છું કે તું એક પ્રબોધક છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”
21 ઈસુએ કહ્યું, “બાઈ, મારું માન! હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા (દેવ) નું ભજન નહિ કરશો. 22 તમે સમરૂનીઓ, તમે જે જાણતા નથી તેને ભજો છો. અમે યહૂદિઓ જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, યહૂદિઓમાંથી ઉદ્ધાર આવે છે. 23 હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે. 24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”
25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ આવે છે.” (મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે) “જ્યારે મસીહ આવશે ત્યારે તે આપણને બધું સમજાવશે.”
26 પછી ઈસુએ કહ્યું, “જે વ્યક્તિ હમણાં તારી સાથે વાત કરે છે. હું તે મસીહ છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International