Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1-4

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
    ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
    તમે મારું ગૌરવ છો;
    શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
    ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
    સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
    તેઓથી હું જરાય ડરીશ નહિ.

હે યહોવા, ઉઠો;
    મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
    કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

યહોવાની પાસે તારણ છે,
    લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.

તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.

એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

ગીતશાસ્ત્ર 7

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

ઉત્પત્તિ 2:4-25

માંનવ જાતિનો આરંભ

આ છે આકાશ અને પૃથ્વીનાં સર્જનનો ઈતિહાસ. જયારે દેવે પૃથ્વી અને આકાશ બનાવ્યાં. તે વખતે પૃથ્વી પર કોઇ વૃક્ષ કે, છોડ ન હતા. અને ખેતરોમાં કાંઈ જ ઊગતું ન હતું કારણ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો. અને વૃક્ષો અને છોડવાંઓની સંભાળ રાખનાર કોઈ મનુષ્ય પણ ન હતો.

પરંતુ પૃથ્વી પરથી ધૂમસ ઊચે ચઢતું હતું અને પૃથ્વીની બધી જ જમીનને તેણે ભીંજવી હતી. ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફૂંકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો. પછી યહોવા દેવે પૂર્વ દિશામાં એદનમાં એક બાગ બનાવ્યો અને તેમણે જે મનુષ્યનું સર્જન કર્યુ હતું તેને તે બાગમાં મૂકયો. યહોવા દેવે આ બાગમાં દરેક જાતનાં વૃક્ષો ઉગાડયાં, જે દેખાવમાં સુંદર હોય અને જેનાં ફળ ખાવામાં સારાં હોય. બાગમાં વચ્ચે જીવનનું વૃક્ષ અને સારાભૂંડાની સમજનું વૃક્ષ પણ ઉગાડયું.

10 એદનમાં થઈને એક નદી વહેતી હતી અને તે બાગને પાણી સીંચતી હતી. આ નદી આગળ જતાં ચાર નાની નદીઓ થઈ ગઈ. 11 પહેલી નદીનું નામ પીશોન છે તે હવીલાહના આખા પ્રદેશની ફરતે વહે છે. 12 (આ પ્રદેશમાં સોનું છે અને તે સોનું સારું છે. ત્યાં બદોલાખ અને અકીક પાષાણ પણ મળે છે.) 13 બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે. 14 ત્રીજી નદીનું નામ હીદેકેલ છે, જે આશ્શૂરની પૂર્વમાં વહે છે, અને ચોથી નદી તે ફ્રાત છે.

15 યહોવા દેવે તે માંણસને એદનના બગીચાને ખેડવા તથા તેનું રક્ષણ કરવા ત્યાં મૂકયો. તેનું કામ બાગમાં વૃક્ષો અને છોડવાં ઉગાડવાનું હતું. 16 યહોવા દેવે મનુષ્યને આજ્ઞા કરી કે, “તારે બાગમાંનાં કોઈ પણ વૃક્ષનાં ફળો ખાવાં. 17 પરંતુ તમે સારાનરસાની સમજ આપનારાં વૃક્ષનાં ફળ તારે ખાવાં નહિ, જો તું એ વૃક્ષનાં ફળ ખાઈશ તો તારું મૃત્યુ અવશ્ય તે જ દિવસે થશે.”

પહેલી સ્ત્રી

18 ત્યારે યહોવા દેવે કહ્યું, “હું સમજું છું કે, માંણસનું એકલા રહેવું તે સારું નથી, હું તેને માંટે એક યોગ્ય મદદ કરનાર બનાવીશ.”

19 તેથી યહોવા દેવે ભૂમિની માંટીમાંથી બધી જાતનાં જંગલી પ્રાણીઓ અને બધી જાતનાં આકાશનાં પક્ષીઓ બનાવ્યાં. યહોવા દેવે બધાં જ પ્રાણીઓને મનુષ્યની સામે લાવ્યાં અને તે એ મનુષ્ય તે બધાંનાં નામ પાડયાં. 20 મનુષ્ય પાળી શકે તેવાં પ્રાણીઓ, આકાશનાં બધાં જ પક્ષીઓ અને જંગલનાં બધાં જ પ્રાણીઓનાં નામ પાડયાં; મનુષ્યઓ અનેક પ્રાણી અને પક્ષી જોયાં પરંતુ મનુષ્ય પોતાને યોગ્ય મદદ કરનાર મેળવી શકયો નહિ. 21 તેથી યહોવા દેવે મનુષ્યને ગાઢ નિંદ્રામાં નાખ્યો. અને જયારે તે ઊંઘતો હતો ત્યારે તેના શરીરમાંથી એક પાંસળી કાઢીને તેની જગ્યાએ માંસ ભર્યું. 22 યહોવા દેવે મનુષ્યની પાંસળીમાંથી સ્ત્રીની રચના કરી. અને તે સ્ત્રીને મનુષ્યની પાસે લાવ્યા. 23 અને મનુષ્યે કહ્યું:

“બરાબર માંરા જેવી એક વ્યકિત.
    તેના હાડકાં માંરા હાડકામાંથી
    અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે.
તેણી ‘નારી’ કહેવાશે,
    કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.”

24 આ જ કારણે પુરુષ પોતાના માંતાપિતાને છોડી જાય છે અને પોતાની પત્ની સાથે રહીને તે બંન્ને એક દેહ બની જાય છે.

25 તે મનુષ્ય અને તેની પત્ની બન્ને નવસ્ત્રો હોવા છતાં શરમાંતાં નહોતા.

હિબ્રૂઓ 1

દેવનું પુત્ર દ્ધારા બોલવું

ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે.

દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે:

“તું મારો પુત્ર છે;
    અને આજથી હું તારો પિતા બનું છું.” (A)

દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે,

“હું તેનો પિતા હોઇશ,
    અને તે મારો પુત્ર હશે.” (B)

જ્યારે પ્રથમજનિત[a] ને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે,

“દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.” (C)

વળી દૂતો સંબંધી દેવ કહે છે કે:

“દેવ પોતાના દૂતોને વાયુ[b] જેવા બનાવે છે,
    અને દેવ તેના સેવકોને અગ્નિની જવાળા જેવા બનાવે છે.” (D)

પણ દેવ તેના પુત્ર વિષે કહે છે કે:

“ઓ દેવ, તારું રાજ્યાસન, સનાતન સદાય રહેશે.
    તું જગત પર ન્યાયી રાજ્યશાસન કરશે.
તું સત્યને ચાહે છે, અને ખોટાનો દ્ધેષ કરે છે.
    તેથી, દેવે, તારા દેવે તને મહા મોટો આનંદ આપ્યો છે.
    અને બીજા કોઈ સાથીઓ કરતાં તને વધારે મહત્વનું સ્થાન આપ્યું છે.” (E)

10 દેવ એમ પણ કહે છે કે,

“હે પ્રભુ, શરૂઆતમાં તેં પૃથ્વીનું સર્જન કર્યુ.
    અને આકાશ તારા હાથની કૃતિ છે.
11 આ બધીજ વસ્તુઓ નષ્ટ થઈ જશે, બધીજ વસ્તુઓ ફાટેલા જૂનાં વસ્ત્રો જેવી ર્જીણ થઈ જશે.
    પણ તું કાયમ રહે છે.
12 તું તેઓને એક વસ્ત્રની જેમ વાળી લેશે.
    અને તેઓ વસ્ત્રની જેમ બદલાઇ પણ જશે.
પરંતુ તું બદલાશે નહિ,
    તું સદાકાળ એવોને એવો જ રહેશે.” (F)

13 દેવે પોતાના દૂતને આ કદી નથી કહ્યું કે:

“જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ તળે કચડી ના નાખું
    ત્યાં સુધી તું મારી જમણી બાજુ બિરાજમાન થા.” (G)

14 બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.

યોહાન 1:1-18

ખ્રિસ્ત જગતમાં આવે છે

જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.

ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો. યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે. યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.

10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ. 11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ. 12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.

14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે. મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.’”

16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા. 17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં. 18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International