Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 68

નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.

હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
    તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
    જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
    હા, સૌ અતિ આનંદ કરો.
દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
    જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
    જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
દેવ એકાકી લોકોને ઘર આપે છે.
    કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
    પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
    અને તમે વેરાન રણમાં કૂચ કરી.
દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
    અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
    અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
    હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
    લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
    અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
    અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”

14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
    તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
    બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
    કે જેને યહોવા પોતાને રહેવા
    માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
    અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
    તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
    તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
    યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
    કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
    અને તેઓજ સૌનું તારણ કરે છે.

20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
    યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
    તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
    પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
    અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”

24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
    તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
    તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
    ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
    કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
    યહૂદાના સરદારો, ઝબુલોન,
    નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.

28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
    તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
    રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
    રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
    અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
    કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
    અને યહોવાનું સ્તવન કરો.

33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
    એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
    તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
    તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
    ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.

તેમને ધન્ય હો!

ગીતશાસ્ત્ર 72

સુલેમાનનું ગીત.

હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
    અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
    તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
    આબાદી ને સમૃદ્ધિ લાવશે.
તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
    અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
    અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
જેમ ખેતરો પર વરસાદ પડે છે,
    વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
    અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
    અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
તેની સમક્ષ રણવાસીઓ નમશે,
    અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
    તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
    અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
    પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
    અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
    તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
    રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
    ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
    પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
    ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
    અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
    તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.

18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
    એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
    સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!

20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.

1 રાજાઓનું 19:9-18

એક ગુફામાં દાખલ થઈને તેણે ત્યાં રાત વિતાવી, અચાનક તેને યહોવાની વાણી સંભળાઈ;

તેમણે કહ્યું “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”

10 એલિયાએ કહ્યું, “હું સર્વસમર્થ દેવ યહોવાને સંપૂર્ણ રીતે સમર્પિત છું, ઇસ્રાએલના લોકોએ તમાંરા કરારનો ભંગ કર્યો છે, તમાંરી વેદીનો નાશ કર્યો છે અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે. હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા ઈચ્છે છે.”

11 યહોવાએ તેને જણાવ્યું, “બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે.” કારણ યહોવા ત્યાંથી પસાર થઇ રહ્યાં છે, પ્રચંડ પવન ફુંકાવા લાગ્યો, જે યહોવાની હાજરીમાં પર્વતને હલાવી શકે અને પથ્થરોને તોડી શકે એટલો શકિતશાળી હતો. પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા કંઈ એ ભૂકંપમાં નહોતા. 12 ભૂકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં સંપૂર્ણ શાંતિ હતી.

13 આ સાંભળતાં જ એલિયાએ પોતાના ઝભ્ભાથી મોં ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. ત્યાં એક અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”

14 તેણે ફરીથી જવાબ આપ્યો, “હું સંપૂર્ણરીતે સર્વસમર્થ દેવ યહોવાને અર્પણ થઇ ગયો છુ, ઇસ્રાએલના લોકોએ તમાંરો કરાર ફગાવી દીધો છે, તમાંરી વેદી તોડી પાડી છે, અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે, હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા માંગે છે.”

15 યહોવાએ તેને કહ્યું, “તું પાછો ફર, અને દમસ્કના રણ વિસ્તારમાં જા, ત્યાં જઈને અરામના રાજા તરીકે હઝાએલનો અભિષેક કર. 16 નિમ્શીના પુત્ર યેહૂનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર, અને અબેલ-મહોલાહના શાફાટના પુત્ર એલિશાને તારા પછીના પ્રબોધક તરીકે નિયુકત કર, 17 હઝાએલની તરવારથી જે કોઇ પણ છટકી ને ભાગી જશે યેહૂ તેને માંરી નાખશે, અને યેહૂની તરવારથી જે કોઇ પણ છટકીને ભાગી જશે તેને એલિશા માંરી નાખશે. 18 પરંતુ હજી પણ 7,000 એવા ઇસ્રાએલીઓ છે, જેઓ કદી બઆલને નમ્યા નથી કે નથી તેને તેની મૂર્તિને ચુમ્યાં.”

એફેસીઓ 4:17-32

તમારી જીવનપદ્ધતિ કેવી હોવી જોઈએ

17 પ્રભુનાં નામે હું તમને આ કહું છું. અને ચેતવું છું. જેઓ અવિશ્વાસુ છે તેમના જેવું જીવવાનું ચાલુ ન રાખો. 18 તેઓના વિચારોનું મૂલ્ય કશું જ નથી. તે લોકો કશું સમજતા નથી, તેઓએ કશું ય સાંભળવાની ના પાડી. અને તેથી તેઓ અજ્ઞાની છે, અને તેથી દેવ અર્પિત જીવન પણ તેમને મળ્યું નથી. 19 તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે. 20 પણ તમે ખ્રિસ્ત પાસેથી એ પ્રમાણે શીખ્યાં નથી. 21 મને ખબર છે કે તમે એના વિષે સાંભળ્યું છે, તમે તેનામાં એકરૂપ થયા છો, અને તમને સત્યનું શિક્ષણ મળ્યું છે, હા! ઈસુમાં સત્ય છે. 22 તમને પહેલાનું જીવન જીવતા અટકી જવાની, અને તમારું જૂનું માણસપણું વધુ ને વધુ અનિષ્ટ બનતું જાય છે. કારણ કે દુષ્કર્મો કરવાની ઈચ્છાથી લોકોને છેતરે છે. 23 અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. 24 અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો.

25 તેથી અસત્ય બોલતા તમારે અટકવું જ જોઈએ તમારે એકબીજા સાથે સત્યભાષી બનવું જોઈએ, કારણ કે આપણે બધા એ જ શરીરના અવયવો છીએ. 26 જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો. 27 શેતાનને રસ્તો ન આપો. જેથી તેનાથી તમે હારી જાઓ. 28 ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.

29 જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો. 30 અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે. 31 કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ. 32 એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.

યોહાન 6:15-27

15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.

ઈસુ પાણી પર ચાલે છે

(માથ. 14:22-27; માર્ક 6:45-52)

16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.

લોકો ઈસુને શોધે છે

22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.

ઈસુ, જીવનની રોટલી

25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”

26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International