Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 45

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.

મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
    મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
    મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.

તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
    તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
    તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
    અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
    પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
    તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
    અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
    માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
    તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
    ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
    શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.

10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
    ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11     તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
    માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
    લઇને તમને મળવા આવશે.

13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
    તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
    તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
    કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
    ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.

16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
    તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
    પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.

ગીતશાસ્ત્ર 47-48

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
    આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
    રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
    અને આપણા શાસન નીચે મૂકે છે.
તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
    અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
    યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
    પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
    તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
    અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
    નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
    દેવ સવોર્ચ્ચ છે.

ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.

યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
    અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
    આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
    આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
તે નગરના મહેલોમાં
    દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
    અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
    જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
    ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
    અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
    તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
    આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.

હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
    પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
    તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
    અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
    અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
    તેના મહેલોની મુલાકાત લો;
    જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
    જે આપણને સદાય દોરી જશે.

ઝખાર્યા 2

યરૂશાલેમની માપણી

મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો. મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?”

ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.”

પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો. બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,

‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે
    તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’
કારણ, યહોવા કહે છે કે,
‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું
    મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.’”

દેવ પોતાના લોકોને ઘેર બોલાવે છે

યહોવા કહે છે;
“જાઓ, ઉત્તરના પ્રદેશમાંથી નાસી છૂટો.
    આકાશના ચાર વાયુની દિશાઓમાં મેં તમને ફેલાવી દીધા છે.
બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.”
સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે
    અને તમને લૂંટનારી પ્રજાઓ પાસે મોકલ્યા છે,
    કારણ, જે તમને અડે છે તે તેની આંખની કીકીને અડે છે.
જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ
    અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે,
અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો
    દેવ યહોવાએ મને મોકલ્યો છે.”

10 યહોવા કહે છે,
“સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ,
    હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું.
11 તે દિવસે ઘણી પ્રજાઓ
    યહોવાની સાથે સંબંધ બાંધશે,
અને તેઓ એની પ્રજા થશે
    અને યહોવા તેમની વચ્ચે વસશે,”
અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ
    મને તમારી પાસે મોકલ્યો છે.

12 અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે.
    અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે.
13 યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ,
    તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.

પ્રકટીકરણ 3:14-22

લાવદિકિયાંમાંની મંડળીને ઈસુનો પત્ર

14 “લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે:

“જે આમીન[a] છે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:

15 “તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય! 16 પણ તું માત્ર હૂંફાળો છે, નથી ગરમ કે નથી ઠંડો. તેથી હું મારા મુખમાંથી તને થૂંકી નાખીશ. 17 તું કહે છે કે તું શ્રીમંત છે. તું વિચારે છે કે તું ધનવાન બન્યો છે અને તને કશાની જરુંર નથી. પણ તને ખબર નથી કે તું ખરેખર કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો, અને નગ્ન છે. 18 હું તને સલાહ આપુ છું કે તું મારી પાસેથી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું વેચાતું લે. પછી તું સાચો શ્રીમંત થઈ શકીશ. હું તને આ કહું છું. ઊજળાં વસ્ત્રો જે છે તે ખરીદ. પછી તું તારી શરમજનક નગ્નતાને ઢાંકી શકીશ. હું તને આંખોમા આંજવાનું અંજન પણ ખરીદવાનુ કહું છું. પછી તું ખરેખર જોઈ શકીશ.

19 “હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર. 20 હું અહીં છું! હું બારણાં આગળ ઉભો રહીને ખબડાવું છું. જો કોઈ વ્યક્તિ મારી વાણી સાંભળે છે અને બારણું ઉઘાડે છે તો હું અંદર આવીશ અને તે વ્યક્તિ સાથે જમીશ અને તે મારી સાથે જમશે.

21 “જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને હુ મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. મારી સાથે પણ એમ જ હતું. મેં વિજય મેળવ્યો અને મારા બાપ સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું. 22 પ્રત્યેક વ્યક્તિ જે આ વાત સાંભળે છે. તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.”

માથ્થી 24:32-44

32 “અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 33 તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે. 34 હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે. 35 આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

સમય તો ફક્ત દેવ જાણે છે

(માર્ક 13:32-37; લૂ. 17:26-30, 34-36)

36 “પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે.

37 “નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે. 38 જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું. 39 જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે. 40 એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે. 41 આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે.

42 “એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી. 43 યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત. 44 એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International