Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 31

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
    મારી સાથે હમેંશા સારા રહેજો
    અને મને કૃપા આપતા રહેજો.
    હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
    મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
    મારો કિલ્લો બનો અને મને બચાવો.
દેવ મારા ખડક અને કિલ્લો છો,
    તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
    અને તે પર ચલાવો.
મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
    કારણ તમે મારો આશ્રય છો.
હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
    હે સત્યના દેવ યહોવા,
    તમે મારો ઉદ્ધાર કર્યો છે.
જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
    હું ફકત યહોવામાં ભરોસો કરું છું;
યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ
    તમે મારું સઘળું દુ:ખ જોયું છે,
    મારા આત્માની વ્યથા નિહાળી છે.
તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી,
    તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.
હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું,
    મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ,
    મારો પ્રાણ ક્ષીણ થાય છે.
10 મારા જીવનનો અંત આવે છે.
    ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે.
મારા પાપોએ મારી શકિત હણી લીધી છે
    અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.
11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે,
    અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે.
મારા સબંધીઓને મારો ભય લાગે છે;
    તેથી તેઓ મને અવગણે છે.
    જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું;
    હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.
13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે.
    તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.

14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું
    મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
    મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
    અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
17 હે યહોવા, હું નિરાશ થઇશ નહિં;
    કારણકે મેં તમને પ્રાર્થના કરી છે.
દુષ્ટજનોને લજ્જિત કરી
    અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.
18 જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે
    અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.

19 જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે,
    તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે.
    અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.
20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો,
    અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો.
    તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે.
    જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.
22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે,
    વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.

23 હે યહોવાના સર્વ ભકતો,
    તમે તેમનાં પર પ્રેમ રાખો;
વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે,
    અને અભિમાનીને શિક્ષા કરે છે.
24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે.
    ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!

ગીતશાસ્ત્ર 35

દાઉદનું ગીત.

હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
    મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
    અને મારું રક્ષણ કરો.
ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
    મારા આત્માને ખાત્રીથી કહો કે,
    “તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”

જેઓ મારા જીવના તરસ્યા છે
    તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
    તેઓ રઝળી પડો અને પાછા હઠો.
તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
    અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
    યહોવાનો દૂત તેમની પાછળ પડો.
તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
    વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
    પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
    પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
પણ હું યહોવાથી આનંદિત થઇશ,
    અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
    “હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
    અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
    અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
    તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
    પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
    તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
    જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
    તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
    પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
    તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.

17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
    તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
    મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.

18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
    ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
    આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
    તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
    ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
    તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
    હવે તમે શાંત બેસી રહેશો નહિ;
    અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
    મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
    મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
    અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
    અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
    અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
    તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
    તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”

28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
    અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.

હાગ્ગાય 1

મંદિરના જીણોર્દ્ધાર માટે આહ્વાન

દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રબોધક હાગ્ગાય મારફત યહોવાનો સંદેશો આવ્યો. આ સંદેશો યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર, ઝરુબ્બાબેલની, તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆ માટે હતો. સૈન્યોનો દેવ યહોવા હાગ્ગાયને કહે છે કે, “આ પ્રજા કહે છે કે, મારું મંદિર ફરી બાંધવાનો સમય હજી આવ્યો નથી.”

ત્યારે પ્રબોધક હાગ્ગાય મારફતે યહોવાએ લોકોને કહેવડાવ્યું કે, “આ મંદિર હજી જર્જરીત અવસ્થામાં ઉજ્જડ પડી રહેલું છે, તે દરમ્યાન તમારે તમારા છતવાળાઁ રૂડાંરૂપાળાં મકાનોમાં રહેવાનો આ વખત છે શું? ‘તમારી શી દશા છે તેનો વિચાર કરો. આ સૈન્યોનો દેવ યહોવા કહે છે. તમે ઘણું વાવ્યું છે, પણ ઘેર તો થોડું જ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઇને નહિ, તમે પીઓ છો ખરા પણ પીવાથી તૃપ્ત થતા નથી; તમે વસ્ત્રો પહેરો છો, પણ કોઇમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.’”

સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “તમે જે રીતે ર્વત્યા છો અને તેનું જે પરિણામ આવ્યું છે, તેનો વિચાર કરો! અને પર્વતો પર જાઓ, લાકડાં લઇ આવો. અને મારા મંદિરને ફરી બાંધો. તેનાથી મને આનંદ થશે ત્યાં મારું સન્માન થશે.”

આ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ તો ખરા, મળ્યું થોડું; અને જ્યારે તમે ઘેર લઇ આવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શાથી? કારણ, મારું મંદિર ખંઢેર હાલતમાં પડ્યું છે ત્યારે તમે સૌ પોતપોતાના ઘરની ચિંતામાં પડ્યા છો. 10 તેથી જ હું આકાશમાંથી આવતી ઝાકળને રોકી રાખું છું અને તમને બહુ જ ઓછો પાક આપું છું.

11 “હકીકતમાં હું સપાટ પ્રદેશમાં અને પહાડી પ્રદેશમાં દુકાળ લાવ્યો છું. અનાજ, દ્રાક્ષો, તેલવૃક્ષો અને અન્ય પાક સુકાઇ જાય તેવો દુકાળ, તમે અને તમારાં પશુઓ નબળા પડી જશો અને તમારા તમામ પાકને તેની અસર થશે.”

નવા મંદિરનું કાર્ય આરંભ

12 ત્યારે ઝરુબ્બાબેલ અને યાજક યહોશુઆએ બાકીના લોકો સાથે મળીને તેમના દેવ યહોવાના તથા હાગ્ગાયનાં વચનો પર ધ્યાન આપ્યું. તેઓએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ અને તેમનો ભય રાખ્યો.

13 પછી યહોવા દેવે તેમના સંદેશાવાહક હાગ્ગાય દ્વારા ફરીથી સંદેશો મોકલીને કહ્યું કે, “હું તમારી સાથે છું, હું તમને આશીર્વાદ આપીશ.”

14 ત્યારે યહોવા દેવે યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલનું તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું; 15 પછી દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની ચોવીસમી તારીખે તેઓએ આવીને પોતાના સૈન્યોનો દેવ, યહોવાના મંદિરનું કામ શરૂ કરી દીધું.

પ્રકટીકરણ 2:18-29

થુવાતિરામાંની મંડળીને ઈસુનો પત્ર

18 “થુવાતિરામાંની મંડળીના દૂતને આ લખ કે:

“દેવનો પુત્ર એક છે જેની આંખો અગ્નિની જવાળા જેવી છે. અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે તમને જે કહે છે તે આ છે.

19 “તું જે કરે છે તે હું જાણું છું. હું તારો પ્રેમ તારો વિશ્વાસ, તારી સેવા અને તારી ધીરજને જાણું છું. તે પ્રથમ જે કર્યું તેનાથી હમણાં તેં વધારે કર્યું છે તે પણ હું જાણું છું. 20 છતાં પણ મારે તારી વિરુંદ્ધ આટલું છે કે; તું ઈઝબેલ નામની સ્ત્રીને તેની ઈચ્છા મુજબ કરવા દે છે. તે કહે છે કે તે એક પ્રબોધિકા છે. પણ તે મારા લોકોને તેના ઉપદેશ વડે ભમાવે છે. ઈઝબેલ મારા લોકોને વ્યભિચારનું પાપ કરવાને તથા મૂતિર્ઓના નૈવેદ ખાવા માટે દોરે છે. 21 મેં તેને પસ્તાવો કરવા તથા પોતાના પાપમાંથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પરંતુ તે પસ્તાવો કરવા ઈચ્છતી નથી.

22 “અને તેથી હું તેને પીડાની પથારીમાં પાડીશ. અને બધા લોકો જેઓ તેની સાથે વ્યભિચાર કરે છે તેઓ ખૂબ સહન કરશે. તે જે કંઈ કરે છે તેનાથી તેઓ અટકશે નહિ, તો હવે હું આ કરીશ. 23 હું તેના છોકરાને પણ મારી નાખીશ. પછી બધી જ મંડળીઓ જાણશે કે મન તથા અત:કરણનો પારખનાર હું છું. અને હું તમારામાંના દરેકને તમે જે કામ કયુ છે તેનો બદલો આપીશ.

24 “પણ તમે બીજા લોકો જેઓ થુવાતિરામાં તેનાં બોધને અનુસર્યા નથી અને જેઓ શેતાનના ઉંડા મર્મોનો જે દાવો કરે છે, તેને જેઓ શીખ્યા નથી તે તમોને હું આ કહું છું કે: હું તમારા પર બીજો બોજો મૂક્તો નથી. 25 ફકત હું આવું નહી ત્યાં સુધી તમારી પાસે જે છે તેને વળગી રહો.

26 “પ્રત્યેક વ્યકતિ જે વિજય મેળવે છે અને હું ઈચ્છું છું તે કામો અન્ત સૂધી ચાલુ રાખે છે તેને હું અધિકાર આપીશ. હું તે વ્યક્તિ ને રાષ્ટ્રો પર અધિકાર આપીશ: 27 લોખંડના દંડથી તે તેઓ પર શાસન કરશે. માટીનાં વાસણની જેમ તેમના તે ટૂકડે ટૂકડા કરશે.[a] 28 આ તે જ અધિકાર છે જે મેં મારા પિતા પાસેથી પ્રાપ્ત કર્યો છે. હું તે વ્યક્તિ ને પ્રભાતનો તારો પણ આપીશ. 29 પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાભળવું જોઈએ.

માથ્થી 23:27-39

27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે. 28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો.

29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!

33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.

35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.

યરૂશાલેમના લોકો પર ઈસુનો ખેદ

(લૂ. 13:34-35)

37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’(A) એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International