Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 25

દાઉદનું ગીત.

હે યહોવા, મારી જાતને તને સોપું છું.
    હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
    તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
    મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
    પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
    તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.

હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
    તમારા રસ્તા વિષે મને શીખવો.
મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
    તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
    હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
    મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
    તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.

યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
    અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
    અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
    તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.

11 હે યહોવા, મારા પાપ તો ઘણાં છે,
    તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.

12 યહોવાથી ડરે એવા માણસો કયાં છે?
    શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે;
    તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
14 જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે.
    તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે,
    કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.

16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો.
    હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
17 મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે.
    હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
18 મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો,
    અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ;
    તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો.
    મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
21 મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો.
    કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
22 હે યહોવા, હવે તમે ઇસ્રાએલને
    સર્વ સંકટોમાંથી છોડાવો.

ગીતશાસ્ત્ર 9

નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.

હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ;
    અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ.
    સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે
    અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
    તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને,
    અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે.
    અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે.
    અને સદાકાળ માટે નાશ પામ્યા છે.
    જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.

પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે;
    અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે
    અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
    તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.

10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
    કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.

11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
    ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
    તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
    લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
    મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
    તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
    અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
    તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
    તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
    પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
    યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
    ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
    ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
    જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

ગીતશાસ્ત્ર 15

દાઉદનું ગીત.

હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
    તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
જે સાધુશીલતા પાળે છે,
    જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
    તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
    અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
    જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
    પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
    તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
    જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.

આમોસ 7:1-9

દર્શનમાં તીડો

યહોવા દેવે મને આ દ્રશ્ય બતાવ્યું: પ્રથમ લણણી પછી પહેલો પાક રાજાને કર તરીકે અપાતો, જ્યારે બીજો પાક ફૂટી નીકળતો. યહોવાએ તીડનું[a] સર્જન કર્યું. તે તીડો ખેતર પરનું ઘાસ ખાઇ ગયા ત્યારે મે કહ્યું, “હે સૈન્યોનો દેવ યહોવા અમને માફ કરો. આ પછી ઇસ્રાએલીઓ કેવી રીતે જીવતા રહી શકે? કેમકે તેઓ નાના છે તે માટે.”

તેથી યહોવાને આ વિષે પશ્ચાત્તાપ થયો; તેમણે મને કહ્યું, “હું તે થવા દઇશ નહિ.”

દર્શનમાં અગ્નિ

સૈન્યોનો દેવ યહોવાએ મને આ બીજું દ્રશ્ય બતાવ્યું: સૈન્યોનો દેવ યહોવા અગ્નિપરીક્ષા કરવા બોલાવતાં હતાં. તેણે મોટા સાગરને સૂકવી નાખ્યો અને જમીનને ભસ્મિભૂત કરી દીધી. ત્યાં મેં કહ્યું, “હે યહોવા દેવ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ. તમે જો તેઓની વિરૂદ્ધ થાઓ તો તેઓ પાસે બીજી કઇ આશા છે? ઇસ્રાએલ ઘણું નાનું છે.”

યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો, યહોવા દેવ કહે છે, “એ પણ થશે નહિ.”

દર્શનમાં ઓળંબો

પછી યહોવાએ મને દ્રશ્ય બતાવ્યું. પોતે હાથમાં ઓળંબો પકડીને ભીંત પાસે ઊભા છે. દીવાલની સપાટી માપવા માટે ઓળંબો વપરાય છે. યહોવાએ મને પુછયું, “આમોસ, તને શું દેખાય છે?”

મેં કહ્યું, “એક ઓળંબો.”

યહોવાએ કહ્યું, “હું મારા લોકોની આ ઓળંબાથી પરીક્ષા લઇશ, હું તેઓના ખોટા કાર્યોની સજા આપ્યા વગર જવા દઇશ નહિ. ઇસહાકનાઁ વંશજોના થાનકો ખેદાનમેદાન થઇ જશે. ઇસ્રાએલનાઁ પવિત્રસ્થાનો ખંડેર થઇ જશે. યરોબઆમના વંશને હું તરવારને ઘાટ ઉતારીશ.”

પ્રકટીકરણ 1:1-8

યોહાન આ પુસ્તક વિષે કહે છે

આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. હવે ટૂંક સમયમાં શું બનવાનું છે, તે તેના સેવકોને દર્શાવવા દેવે ઈસુને તે અંગેની માહિતી આપી. ખ્રિસ્તે પોતાના સેવક યોહાનને આ વાતો બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો. યોહાને જે કઈ જોયું હતું તે વિષે જણાવ્યું. ઈસુ ખ્રિસ્તે યોહાન સમક્ષ જે પ્રગટ કયુ તે સત્ય છે. તે તો દેવ તરફ સંદેશ છે. જે વ્યક્તિ દેવ તરફથી મળેલ આ સંદેશના વચનો વાંચે છે, તેઓને ધન્ય છે. અને જે લોકો આ સંદેશ સાંભળે છે અને તેમાં લખેલું છે તે પ્રમાણે કરે છે તેઓને પણ ધન્ય છે. હવે વધુ સમય બાકી રહ્યો નથી.

યોહાન મંડળીઓ માટે ઈસુના સંદેશાઓ લખે છે

આસિયા[a] પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન:

જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી; અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે.

ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા; ઈસુએ આપણને એક રાજ્ય તથા તેના પિતા દેવની સેવાને અર્થ યાજકો બનાવ્યા. ઈસુનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ પર્યંત હોજો! આમીન.

જુઓ, ઈસુ વાદળાંસહિત આવે છે! પ્રત્યેક વ્યક્તિ જેઓએ તેને વીધ્યો[b] છે તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરની બધી જ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આ બનશે જ! આમીન.

પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગા[c] છું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”

માથ્થી 22:23-33

ઈસુને પકડવાની કેટલાંક સદૂકીઓની ચાલ

(માર્ક 12:18-27; લૂ. 20:27-40)

23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું. 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. 25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો. 26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું. 27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?”

29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી. 30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય. 31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે? 32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(A) પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”

33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International