Book of Common Prayer
ભાગ પહેલો
(ગીત 1–41)
1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.
4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
1 બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”
4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
મારો માલિક તેમની મજાક કરે છે.
5 અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
6 યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”
7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
આજે હું તારો પિતા થયો છુ.”
8 તું મારી પાસે માગ,
એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
9 તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.
પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.
1 હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
2 “મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.
3 પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
તમે મારું ગૌરવ છો;
શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.
4 હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.
5 પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
તેઓથી હું જરાય ડરીશ નહિ.
7 હે યહોવા, ઉઠો;
મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.
8 યહોવાની પાસે તારણ છે,
લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.
નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
3 તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
અને યહોવા પર ભરોસો રાખો.
6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.
1 હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.
3 હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
4 અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
5 તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.
6 હે યહોવા, કોપ કરીને ઉઠો,
મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
7 હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
8 હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
9 હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.
10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.
14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
તે પોતાની ઉગ્રતાથી
પોતેજ ત્રાસ સહન કરશે.
17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
કારણ, તે ન્યાયી છે.
હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.
ઇસ્રાએલને સજા
6 યહોવા કહે છે: “ઇસ્રાએલના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તે ભૂલીશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેઓએ ન્યાયી લોકોને ચાંદીના બદલામાં વેચ્યા છે અને ગરીબોને બૂટની જોડીના બદલામાં વેચ્યા છે. 7 તેઓએ ગરીબોને ધૂળમાં પગતળે કચડ્યા છે. અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેવામાં આવ્યાં છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારું પવિત્ર નામ બગાડ્યું છે. 8 તેઓ વેદીની બાજુમાં ધીરેલા નાણાંની સુરક્ષા તરીકે લીધેલાં કપડાં પર સૂઇ જાય છે. અને તેઓના દેવના મંદિરમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.
9 “તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો.
10 “વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો. 11 મેં તમારા પુત્રોમાંથી અનેકને પ્રબોધકો અને નાઝીરીઓ બનાવ્યા. હે ઇસ્રાએલના લોકો, શું એ સાચું નથી?” આ હું યહોવા કહું છું. 12 “પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો; અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ. 13 જુઓ, જેમ ગાડું ભારને લીધે દબાઇ જાય છે, તેમ હું તમને તમારી જગ્યાએ જમીન પર દબાવી દઇશ. 14 અને ઝડપી દોડનારની દોડ નકામી જશે. બળવાનની તાકાત લુપ્ત થઇ જશે. અને જાણીતા નામાંકિત યોદ્ધાઓ પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ. 15 ધનુર્ધારીઓ તેઓની જમીન કબ્જામાં રાખી શકશે નહિ અને જેઓ ઝડપથી દોડી શકે છે તેઓ પોતાને બચાવવા ભાગી શકશે નહિ અને ઘોડેસવારો તેઓનો પોતાનો જીવ બચાવી શકશે નહિ. 16 યોદ્ધાઓમાનો સૌથી બહાદુર પણ તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” એમ યહોવા કહે છે.
1 ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેરિત સિમોન પિતર તરફથી તમને કુશળતા હો.
અમારામાં છે તેવો મૂલ્યવાન વિશ્વાસ જે બધા લોકોમા છે, તે સર્વને આપણા દેવ અને તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જોગ.
2 કૃપા અને શાંતિ વધુ ને વધુ પ્રમાણમાં તમને પ્રદાન થાઓ. તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થશે કારણ કે તમે ખરેખર દેવ અને આપણા પ્રભુ ઈસુને ઓળખો છો.
જેની આપણને આવશ્યકતા હોય તે બધું જ દેવે આપણને આપ્યું છે
3 ઈસુ દૈવી સાર્મથ્ય ધરાવે છે. તેના સાર્મથ્ય આપણને એ દરેક વાનાં આપ્યાં છે જેની આપણને જીવવા અને દેવની સેવા માટે આવશ્યકતા છે. આપણે તેને જાણીએ છીએ તેથી આપણી પાસે આ વાનાં છે. ઈસુએ તેના મહિમા અને સાત્ત્વિકતાથી આપણને બોલાવ્યા. 4 તેના મહિમા અને સાત્ત્વિકતાથી, ઈસુએ આપણને આપેલાં તે ઘણા મહાન અને સમૃદ્ધ દાનો પ્રદાન કર્યા અને તેથી મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યા છે જેથી તે દ્ધારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને દૈવી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
5 કારણ કે તમને આ આર્શીવાદો પ્રાપ્ત થયા છે, તેથી તમારે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો દ્ધારા આ બાબતોને તમારા જીવનમા ઉમેરવી જોઈએ: તમારા વિશ્વાસમાં ચારિત્ર ઉમેરો; 6 અને તમારા ચારિત્રમાં જ્ઞાન અને તમારા જ્ઞાનમાં સ્વ-નિયંત્રણ; અને તમારા સ્વ-નિયંત્રણમાં ધીરજ ઉમેરો અને તમારી ઘીરજમાં દેવની સેવા; 7 અને દેવ પ્રત્યેની તમારી સેવામાં તમારા ખ્રિસ્તમય ભાઇઓ-બહેનો માટે કરૂણા; અને ભાઈ-બહેનો માટેની કરૂણામાં પ્રેમ ઉમેરો. 8 જો આ બધી બાબતો તમારામાં હોય અને તે વિકાસ પામતી રહે, તો આ બાબતો તમને ક્યારેય નિરુંપયોગી બનવા દેશે નહિ. આ બાબતો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કદાપિ અયોગ્ય ઠરવા દેશે નહિ. 9 પરંતુ જો વ્યક્તિ પાસે આ બાબતો ન હોય, તો તે સ્પષ્ટપણે જોઈ શકતી નથી તે વ્યક્તિ અંધ છે. તે ભુલી ગઇ છે કે તે તેના ભૂતકાળના પાપોથી શુદ્ધ થયો હતો.
10 મારા ભાઇઓ અને બહેનો, પ્રભુએ તમને તેડ્યાં છે અને તેના બનવા માટે તમને પસંદ કર્યા છે. એવું દર્શાવવા વિશેષ પ્રયત્ન કરો કે જેથી સાબિત થાય કે ખરેખર તમે જ પ્રભુના પસંદ કરાયેલ અને તેડાયેલ લોકો છો. જો તમે આ બધી બાબતો કરશો તો તમે કદી ઠોકર ખાશો નહિ. 11 અને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં તમારું ઈષ્માભર્યુ સ્વાગત કરવામા આવશે. તે રાજ્ય સર્વકાળ છે.
ઈસુનો રાજાની માફક યરૂશાલેમમાં પ્રવેશ
(માર્ક 11:1-11; લૂ. 19:28-38; યોહ. 12:12-19)
21 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા. ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા. 2 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ. તમે ત્યાં પ્રવેશ કરશો, એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો, તેને છોડીને અહીં લઈ આવો. 3 જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.’”
4 પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું:
5 “સિયોનની દીકરી,
‘જો તારો રાજા તારી પાસે આવે છે,
તે નમ્ર છે તથા એક ગધેડા પર,
એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર
સવાર થઈન આવે છે.’”(A)
6 શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ. 7 શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો. 8 લોકોમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો ઈસુના માર્ગમાં બિછાવ્યાં. જ્યારે ઘણા લોકોએ વૃક્ષોની ડાળીઓ કાપીને તેના માર્ગમાં બીછાવી. 9 કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,
“દાઉદના દીકરાને હોસાન્ના!
‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’(B)
આકાશમાં દેવનો મહિમા થાઓ!”
10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?”
11 તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International