Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 120-127

મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.

મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
    અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
    તમે મારા આત્માને બચાવો.

હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
    તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
    અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
    અને કેદારનાં તંબુઓમાં વસું છું.
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
    હું ધરાઇ ગયો છું.
જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
    હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
    મને સહાય ક્યાંથી મળે?
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
    યહોવા પાસેથી મને સહાય મળે છે.
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
    તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
    અને નિદ્રાવશ થતો નથી.
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
    યહોવા તમારા રક્ષક છે.
સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
    અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
    યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
    તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

મંદિરે ચઢવાનું ગીત.

યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
    મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
ફરી એક વખત યરૂશાલેમ
    એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
    અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
    લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
    જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
    અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
    તારામાં શાંતિ થાઓ.
યહોવા અમારા દેવના મંદિરને માટે
    હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

મંદિર ચઢવાનું ગીત.

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
    તેઓને કદી હલાવામાં આવશે નહિ
    તેઓ સદાકાળ ટકી રહેશે.
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
    તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
    નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.

હે યહોવા, જેઓ સારાઁ છે;
    અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
    લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.

ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

મંદિરે ચઢવા માટેનું ગીત.

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
    ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
    ત્યારે વિદેશીઓએ કહ્યું,
    “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
    જેથી અમે આનંદ પામીએ છીએ.

હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
    અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
    તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
    તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.

સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.

જો યહોવા ઘર ન બાંધે તો;
    બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
    ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
    સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
    પ્રત્યેકને આરામ આપે છે.

બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
    તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો તો;
    બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
    જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
    કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

નાહૂમ 1:1-13

આ પુસ્તક એલ્કોશીમાં રહેતા નાહૂમને નિનવેહ પર આવી રહેલા વિનાશ વિષે દેવે આપેલું સંદર્શન છે:

નિનવેહ પર યહોવાનો પ્રકોપ

યહોવા ઇર્ષાળું દેવ છે.
    તેઓ ક્રોધે ભરાઇને
    બદલો લેનાર દેવ છે.
તે પોતાના શત્રુઓ પર વૈર વાળે છે.
    તે પોતાના શત્રુઓ પર કોપાયમાન રહે છે.
યહોવા ગુસ્સે થવામાં ધીમા છે.
    તેમની પાસે મહાન શકિત છે.
અને તે ચોક્કસપણે ગુનેગારોને
    દંડ્યા વગર જવા દેતા નથી.
પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં
    થઇને યહોવાનો માર્ગ જાય છે.
    વાદળો તેના પગની રજ છે.
તે સાગરને ધમકાવે છે અને મહાસાગરો સૂકવી દે છે.
    તે નદીઓ સૂકાવીને રેતીમાં ફેરવી દે છે;
બાશાન અને કામેર્લના લીલાંછમ પ્રાંતો સૂકાઇ જાય છે;
    લબાનોનનાં ફૂલો કરમાઇ જાય છે.
તેમને કારણે પર્વતો ધ્રુજે છે.
    ને ડુંગરો ઓગળી જાય છે.
તેમની સામે પૃથ્વી ધ્રુજે છે,
    દુનિયા અને તેમાં વસતા
    બધા જીવો હાલી ઊઠે છે.
યહોવાના રોષ આગળ કોણ ટકી શકે?
    તેના ક્રોધનો તાપ કોણ સહી શકે?
તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે
    અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.
યહોવા ભલા છે;
    મુશ્કેલીના સમયમાં તે આપણને આશ્રય આપે છે!
    તેને શરણે આવનારનું તે ધ્યાન રાખે છે.
પરંતુ તે પોતાના શત્રુઓનો પ્રચંડ
    ઘસમસતા જળપ્રલયથી સંપૂર્ણ નાશ કરે છે;
    અને તેઓને અંધારામાં ધકેલી દે છે.
હે નિનવેહ, યહોવા વિરૂદ્ધ તમે શું ષડયંત્ર રચો છો?
    તે તમારો સંપૂર્ણ નાશ કરી નાખશે.
    તું બીજીવાર મુશ્કેલી ઊભી નહિ કરી શકે.
10 કાંટા વચ્ચે અટવાયેલાની જેમ,
    જેઓ પીધેલા છે તેની જેમ,
અને સંપૂર્ણ રીતે કરમાયેલા,
    લણી લીધેલા ખેતરની જેમ હશે
    તોપણ તેઓને તે ભરખી જશે.

11 યહોવાની વિરૂદ્ધ દુષ્ટ યોજના કરનાર તમારામાંથી એક બહાર આવે.
    તે દુષ્ટ સલાહકાર છે.
12 યહોવા પોતાના લોકોને કહે છે,
“તમારા શત્રુઓ ગમે તેવા બળવાન
    અને અસંખ્ય હશે તેમ છતાં તેનો નાશ થશે.
    તેમનું નામોનિશાન નહિ રહે.
મેં તમને શિક્ષા કરી છે છતાઁ
    હું હવે તમને સજા નહિ કરું!
13 અને હવે હું તમારી સાંકળી તોડી નાખીશ
    અને આશ્શૂરના રાજાની ગુલામીના
    બોજમાંથી તમને મુકત કરીશ.”

1 પિતર 1:13-25

પવિત્ર જીવન માટે આહવાન

13 તેથી સેવા માટે તમારા મન તૈયાર કરો, અને તમારી જાતને નિયંત્રણમાં રાખો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમને પ્રાપ્ત થનાર કૃપા પર તમારી પૂર્ણ આશા રાખો. 14 ભૂતકાળમાં તમે આ બધું સમજ્યા નહિ, તેથી તમે ઈચ્છતા હતા તેવા દુષ્ટ કાર્યો તમે કર્યા, પરંતુ હવે તમે દેવના આજ્ઞાંકિત છોકરાં છો. તેથી ભૂતકાળમા જીવતા હતા તેવું ન જીવશો. 15 પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે. 16 પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે પવિત્ર થાઓ, કારણ કે હું પવિત્ર છું.” (A)

17 તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો. 18 તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ. 19 તમે તો ખ્રિસ્તના અમૂલ્ય રક્ત થી ખરીદાયા છો કે જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે. 20 આ જગતની રચના પહેલા ખ્રિસ્તની પસંદગી થઇ હતી. પરંતુ આ અંતિમ સમયમાં તમારી માટે જગતમાં ખ્રિસ્ત પ્રગટ થયો છે. 21 ખ્રિસ્ત થકી તમે દેવમા વિશ્વાસ કરો છો. દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો અને તેને મહિમા બક્ષ્યો. તેથી તમારો વિશ્વાસ અને તમારી આશા દેવમાં છે.

22 હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો. 23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે. 24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,

“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે.
    અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે.
    અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” (B)

અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.

માથ્થી 19:13-22

ઈસુ બાળકોને આવકારે છે

(માર્ક 10:13-16; લૂ. 18:15-17)

13 પછી લોકો તેમનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં જેથી ઈસુ તેમનાં માથે હાથ મૂકી આશીર્વાદ દે અને તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ તેના શિષ્યોએ તેમને ધમકાવ્યાં. 14 પછી ઈસુએ કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ, કારણ કે આકાશનું રાજ્ય જે નાના બાળકો જેવા છે એમના માટે છે.” 15 બાળકો પર હાથ મૂક્યા પછી ઈસુએ તે જગ્યા છોડી.

ધનવાન માણસે ઈસુને અનુસરવા ના પાડી

(માર્ક 10:17-31; લૂ. 18:18-30)

16 એક માણસ ઈસુ પાસે આવ્યો અને પૂછયું, “હે ઉપદેશક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?”

17 ઈસુએ ઉત્તર આપ્યો, “શું સારું છે એવું મને શા માટે પૂછે છે? ફક્ત દેવ સારો છે. પરંતુ જો તારે અનંતજીવન જોઈતું હોય તો દેવની આજ્ઞાનું પાલન કર.”

18 માણસે પૂછયું, “કઈ આજ્ઞાઓ?”

ઈસુએ ઉત્તર આપ્યો, “‘તારે કોઈનુ ખૂન કરવું નહિં, તારે વ્યભિચારનું પાપ કરવું નહિં, તારે કોઈની વસ્તુની ચોરી કરવી નહિં, તારે કોઈનામાં જૂઠી સાક્ષી આપવી નહિ. 19 તારે તારા માતા પિતાને માન આપવું,’(A) અને ‘પોતાના પર જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ બીજા લોકોને પણ કર.’”

20 યુવાને ઈસુને કહ્યું, “મેં આ બધી જ વાતોનું પાલન કર્યુ છે, હવે મારે શું કરવાનું બાકી છે?”

21 ઈસુએ ઉત્તર આપ્યો, “જો તારે પૂર્ણ થવું હોય તો, પછી જા, તારી પાસે તારું પોતાનું જે કંઈ છે તે વેચી દે, પૈસા ગરીબોને આપી દે, તું જો આ વધુ કરીશ તો આકાશમાં તારો કિંમતી ખજાનો ભેગો થશે, પછી ચાલ, મારી સાથે આવ!”

22 આ સાંભળીને તે યુવાન માણસ ઘણો દુ:ખી થયો હતો. કારણ કે તે ઘણો પૈસાદાર હતો. તે પૈસા તેની પાસે જ રાખવા ઈચ્છતો હતો તેથી તે ચાલ્યો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International