Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 118

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
    તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
    પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
    તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
    યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
    યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.

10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
    પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
    પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
    પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
    હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
    પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

યશાયા 19:19-25

19 તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે. 20 એ મિસર દેશમાં સૈન્યોનો દેવ યહોવાની એંધાણી અને સાક્ષીરૂપ બની રહેશે. તેઓ જ્યારે જુલમગારના અન્યાયથી ત્રાસીને યહોવાને ધા નાખશે ત્યારે તેમને એક તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે,

21 યહોવા મિસરીઓને પોતાનો પરચો બતાવશે અને પછી મિસરીઓ તેને પ્રેમ કરશે; અને યહોવાને બલિદાન તથા અર્પણો આપીને તેની ઉપાસના કરશે; અને યહોવાને વચનો આપીને અને તેને પરિપૂર્ણ કરીને તેને પ્રસન્ન કરશે. 22 યહોવા મિસર પર ઘા કરશે. અને પછી ઘાને રૂઝવશે, મિસરીઓ યહોવા તરફ વળશે અને તે તેમની અરજ સાંભળી તેમના ઘા રૂઝવશે.

23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી ધોરી માર્ગ હશે અને આશ્શૂરના લોકો મિસર અને મિસરના લોકો આશ્શૂર આવશે અને મિસરના અને આશ્શૂરના લોકો ભેગા ઉપાસના કરશે. 24 તે દિવસે મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઇસ્રાએલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઇ જશે. 25 સૈન્યોના દેવ યહોવા તેમને એમ કહીને આશીર્વાદ આપશે કે, “મારી પ્રજા મિસર, મારા હાથનું સર્જન આશ્શૂર અને મારું પોતાનું વતન ઇસ્રાએલ, સુખી રહો!”

રોમનો 15:5-13

ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,

“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
    અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (A)

10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:

“દેવના માણસોની સાથે સાથે સૌ
    બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (B)

11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:

“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
    અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (C)

12 અને યશાયા પ્રબોધક કહે છે:

“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
    તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
    અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (D)

13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.

લૂક 19:11-27

દેવ જે આપે તેનો ઉપયોગ કરો

(માથ. 25:14-30)

11 ઈસુ યરૂશાલેમ પાસે ફરી મુસાફરી કરીને આવ્યો. કેટલાએકે વિચાર્યુ કે દેવનું રાજ્ય જલ્દી પ્રગટ થશે. 12 ઈસુએ લોકોનો આ વિચાર જાણ્યો. તેથી તેણે તેઓને આ વાર્તા કહેવાની ચાલુ રાખી. “એક કુલીન માણસ પોતાના માટે રાજ્ય મેળવીને રાજા બનવા માટે પાછો આવવા દૂર દેશમાં ગયો. પછી તે માણસે પોતાને ઘરે પાછા ફરીને તેના લોકો પર શાસન કરવા માટે યોજના કરી. 13 પછી તેણે પોતાના ચાકરોમાંથી દસ જણને બોલાવ્યા. તેણે દરેક ચાકરને પૈસાની થેલી આપી. તે માણસે કહ્યું કે, ‘હું પાછો આવું ત્યાં સુધી આ પૈસા વડે વ્યાપાર કરો.’ 14 પણ રાજ્યના લોકો તે માણસને ધિક્કારતા હતા. તેથી લોકોએ એક સમૂહને તે માણસની પાછળ બીજા દેશમાં મોકલ્યા. બીજા દેશમાં આ સમૂહે કહ્યું કે, ‘અમે આ માણસ અમારો રાજા થાય એમ ઈચ્છતા નથી!’

15 “પરંતુ તે માણસ રાજા થયો. જ્યારે તે ઘેર પાછો ફર્યો, તેણે કહ્યું, ‘જે ચાકરો પાસે મારા પૈસા હતા તેઓને બોલાવો. હું જાણવા માગું છું કે તે પૈસા વડે તેઓ કેટલું વધારે કમાયા.’ 16 પહેલા ચાકરે આવીને કહ્યું, ‘સાહેબ, તેં મને આપેલી એક થેલી વડે હું દશ થેલી પૈસા[a] કમાયો!’ 17 રાજાએ ચાકરને કહ્યું, ‘સરસ! તું મારો ચાકર છે. હું જોઈ શકું છું કે હું નાની વસ્તુઓ માટે તારો વિશ્વાસ કરી શકું. તેથી મારા શહેરોમાંથી દશ શહેરો પર તારો અધિકાર રહેશે!’

18 “બીજો ચાકર આવ્યો અને કહ્યું કે; ‘સાહેબ, તારી પૈસાની એક થેલીમાંથી હું પાંચ થેલી કમાયો.’ 19 રાજાએ આ ચાકરને કહ્યું, ‘તું પાંચ શહેરોનો અધિકારી થઈ શકીશ.’

20 “પછી બીજો એક ચાકર અંદર આવ્યો અને રાજાને કહ્યું કે, ‘સાહેબ, આ રહી તારી પૈસાની થેલી. મેં તેને કપડાંના ટુકડામાં લપેટીને છુપાવી રાખી હતી. 21 મને તારી બીક લાગતી હતી કારણ કે તું શક્તિશાળી છે. હું જાણું છું કે તું બહું કડક છે. તું જે તારું નથી તે પણ માગી લે છે; અને જ્યાં તેં વાવ્યું નથી તેની ફસલ લણી લે તેવો છે.’

22 “પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું કે, હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું. 23 જો તે સાચું હોય તો, તેં મારા પૈસા સાહુકારને ત્યાં (બેંકમાં) મૂક્યા હોત. પછી હું જ્યારે પાછો આવું ત્યારે, મારા પૈસાનું થોડું વ્યાજ મળ્યું હોત.’ 24 પછી જે માણસો ત્યાં ઊભા હતા તેઓને રાજાએ કહ્યું કે, ‘આ ચાકર પાસેથી પૈસાની થેલી લઈ લો અને જે ચાકર પૈસાની દશ થેલી કમાયો છે તેને તે આપો.’

25 “તે માણસોએ રાજાને કહ્યું કે, ‘પણ સાહેબ, તે ચાકર પાસે પૈસાની થેલી તો અત્યારે જ છે!’

26 “રાજાએ કહ્યું કે, ‘જે માણસ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરે છે તે વધારે મેળવે છે. પણ જે વ્યક્તિ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરતો નથી. તેની પાસેથી બધું જ લઈ લેવામાં આવે છે. 27 હવે મારા દુશ્મનો ક્યાં છે? ક્યાં છે એ લોકો જે હું તેઓનો રાજા થાઉં તેમ તેઓ ઈચ્છતા નહોતા? મારા દુશ્મનોને અહી લાવો અને તેઓને મારી નાખો. હું તેઓને મરતા જોઈશ!’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International