Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 97

યહોવા શાસન કરે છે.
    હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
    સુખી થાઓ!
તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
    ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
અગ્નિ તેમની આગળ ચાલે છે
    અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
    તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
    પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
    અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.

મૂર્તિઓનું પૂજન કરનારા
    અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
    અને યહોવાની ઉપાસના કરશે.
હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
    તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
    અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
    તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
    તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
    જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
    અને તેનાં પવિત્ર નામને માન આપો!

ગીતશાસ્ત્ર 99-100

યહોવા રાજ કરે છે,
    પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
    સમગ્ર પૃથ્વી કાપો.
સિયોનમાં યહોવા મહાન છે
    તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
તેઓ તમારા મહાન
    અને ભયાવહ નામની સ્તુતિ કરો;
    તે પવિત્ર છે.
સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
    તમે ભલાઇનું સર્જન કર્યુ છે
    અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
આપણા દેવ યહોવા મોટો મનાવો,
    અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
    અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
    સહાયને માટે યહોવાને વિનંતી કરી;
    ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
    તેઓ તેમને આપેલા તેના આદેશો
    અને કાયદાને અનુસર્યા.
હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
    જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
    તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
    પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
    કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.

આભારસ્તુતિનું ગીત.

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
    તેમની સમક્ષ આવો.
અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
    તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
    આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
    અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
    આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
કારણ, યહોવા ઉત્તમ છે,
    તેમની કૃપા સર્વકાળ છે;
    અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.

ગીતશાસ્ત્ર 94-95

હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
    હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
હે પૃથ્વીના ન્યાયાધીશ,
    ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
    કેટલી વધારે?
તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
    અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
    અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
    અનાથની હત્યા કરે છે.
તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
    યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”

હે મૂર્ખ લોકો,
    ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
    તમે ક્યારે ડાહ્યાં થશો?
જે કાનનો ઘડનાર છે,
    તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
    તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
    દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
    કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!

12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
    તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
    દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
    અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
    અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.

16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
    દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
    તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
    ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
    પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.

20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
    પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
    તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
    અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
    અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
    યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
    આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
    અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
કારણ, યહોવા મહાન દેવ છે;
    તે સર્વ દેવો પર મહાન રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
    અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
    પણ બનાવી તેમના તે માલિક છે.
આવો આપણે તેને ભજીએ અને નમીએ;
    ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
કારણ તે આપણા દેવ છે,
    આપણે તેના ચારાના લોક
    અને તેના હાથના ઘેટાં છીએ.

આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
    દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
    પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
    પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
    તે લોકો અવિનયી છે.
    તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
    કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
    તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

Error: Book name not found: 1Macc for the version: Gujarati: પવિત્ર બાઈબલ
પ્રકટીકરણ 21:1-8

નવું યરૂશાલેમ

21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.

મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”

તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”

રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

માથ્થી 17:14-21

ઈસુ બિમાર છોકરાને સાજો કરે છે

(માર્ક 9:14-29; લૂ. 9:37-43)

14 ઈસુ અને તેના શિષ્યો લોકો પાસે પાછા ગયા. એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેને ઘુંટણીએ પડી પ્રણામ કર્યા. 15 માણસે કહ્યું, “હે પ્રભુ, મારા દીકરા પર દયા રાખ કારણ કે તેને વાઈનો રોગ છે અને તે ખૂબ પીડાય છે. ઘણીવાર તે અજ્ઞિમાં પડે છે તો ઘણીવાર તે પાણીમા પડે છે. 16 મારા દીકરાને તારા શિષ્યો પાસે લાવ્યો પરંતુ તેઓ તેને સાજો કરી શક્યા નહિ.”

17 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે એવા લોકો છો જેમને વિશ્વાસ નથી અને તમે ભટકેલ છો, ક્યાં સુધી તમારી સાથે મારે રહેવું જોઈએ? ક્યાં સુધી હું તમારું સહીશ? એ છોકરાને મારી પાસે લાવો.” 18 પછી ઈસુએ તે ભૂતને તેના શરીરમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો અને તરત જ તે ભૂત ચાલ્યું ગયું. અને તે જ ઘડીએ તે છોકરો સાજો થઈ ગયો હતો.

19 પછી ઈસુ પાસે શિષ્યો એકલા જ આવ્યા, તેમણે કહ્યું, “અમે એ છોકરાના શરીરમાંથી ભૂતને કાઢવાના બધા જ પ્રયત્ન કર્યા પણ અમે તે કરી શક્યા નહિ. શા માટે અમે તેને બહાર હાંકી કાઢી ન શક્યા?”

20 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે ન કરી શક્યા કારણ કે, તમારો વિશ્વાસ અલ્પ છે. હું તમને સત્ય કહું છું કે જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ હશે તો પછી તમે પર્વતને પણ કહી શકશો કે, ‘તું અહીથી ખસીને પેલી જગ્યાએ જા અને તે જશે, તમારા માટે કશું જ અશક્ય હશે નહિ.’ [21 ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ એ પ્રકારનો આત્મા (ભૂત) ચાલ્યો જાય છે.]”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International