Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.
1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
3 હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
4 તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
5 હું અગાઉના દિવસો
અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
6 તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
7 “શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
8 શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
9 અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?
10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
અસ્વસ્થ કરે છે તે આ છે.”
11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.
16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
“ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
તમારા લોક તથા ચારાના ઘેટાઁ
પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.
ઇસ્રાએલના લોકોનું પ્રાયશ્ચિત
9 એ જ મહિનાને ચોવીસમાં દિવસે ઇસ્રાએલી લોકો શોકકંથા પહેરીને અને માથે ધૂળ નાખીને ઉપવાસ કરવા ભેગા થયા. 2 તે બધાં જેઓના પૂર્વજ ઇસ્રાએલી હતા, તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઉભા થઇને પોતાના અને પોતાના પૂર્વજોના પાપ કબૂલ કર્યા. 3 અને તેઓએ ત્રણ કલાક સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્રનું પુસ્તક વાચ્યું; બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેમના યહોવા દેવની ઉપાસના કરી.
4 પછી આ લોકો લેવીઓના ઊંચા આસન પર ઊભા રહીને તેમના યહોવા દેવને મોટેથી વિનંતા કરી. તેમના નામ: યેશૂઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, તથા કનાની હતા.
5 ત્યારબાદ લેવીઓ, યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને તમારા યહોવા દેવની સ્તુતિ કરો!
“જે અનાદિ અને અનંત છે,
ધન્ય છે તારું મહિમાવંતુ નામ જે કોઇપણ ધન્યવાદ
અને પ્રશંસાની પરિસીમાથી પર છે.
6 તું જ એક માત્ર યહોવા છે,
તેં આકાશ અને સૌથી ઉંચુ સ્વર્ગ,
તારા, પૃથ્વી અને જે બધી વસ્તુ તેમાં છે,
અને સમુદ્ર અને તેમાં જે બધું છે,
તેં બધું બનાવ્યું. બધાંને જીવતા રાખ્યાં છે,
અને આકાશના તારાઓ પણ તને નમન કરે છે!
7 તું તે જ યહોવા દેવ છે કે,
જેણે ઇબ્રામને પસંદ કર્યો,
તેં જ તેને ખાલ્દીઓના ઉરમાંથી બહાર કાઢયો
અને તેં જ તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.
8 તેનું અંત:કરણ તારી પ્રત્યે વિશ્વાસુ જાણ્યુ;
તેં તેની સાથે એક કરાર કર્યો
અને તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝઝીઓનો, યબૂસીઓનો,
અને ગિર્ગાશીઓનો દેશ
તેનાઁ વંશજોને આપવાનું તેને વચન આપ્યું.
તું ન્યાયી હોવાથી તેઁ તારૂં વચન પાળ્યું છે.
9 તેં મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ જોયાં,
અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો;
10 તેં ફારુનને અને તેના બધા સેવકોને
અને તેની ભૂમિની બધી એંધાણીઓ
બતાવીને આશ્ચર્યો સર્જ્યા.
કારણ કે તું જાણતો હતો કે તેઓ અમારા પૂર્વજો
કરતા સારી રીતે વર્તતા હતાં અને સારા હતાં,
તેઁ તારા નામને પ્રતિષ્ઠિત કર્યુ જે આજ સુધી છે.
11 તેઁ તેઓની સામે સમુદ્રને વિભાજીત કર્યો.
જેથી તેઓ તેમાંથી કોરી જમીન પરથી જઇ શકે.
તેં તેઓની પાછળ પડેલાઓને ઊંડા સાગરમાં ફેંકી દીધા,
અને જેમ એક પથ્થરને વિશાળ સમુહમાં ફેકવામાં આવે.
12 તું દિવસે તેઓને વાદળના
સ્તંભ રૂપે દોરતો હતો,
અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે
તેમનો માર્ગ ઉજાળતો હતો.
13 તું સિનાઇ પર્વત પર પણ ઊતરી આવ્યો;
તું આકાશમાંથી તેઓની સાથે બોલ્યો;
તેં તેઓને સત્ય નિયમો સારી વિધિઓ
અને હિતકારી આજ્ઞાઓ આપી.
14 તેં તારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું,
અને તારા સેવક મૂસા મારફતે તેઓને માટે
તારી આજ્ઞાઓ વિધિઓ અને નિયમો જણાવ્યાં.
15 તેઓ ભૂખ્યા હતા ત્યારે
તેં તેઓને આકાશમાંથી રોટલી આપી.
તેઓ તરસ્યા હતા ત્યારે
તેં ખડકમાંથી પાણી વહેવડાવ્યું.
જે વતન તેં તેઓને આપવા માટે
વચન આપ્યું હતું તેમાં પ્રવેશ કરવા
તથા તેને જીતી લેવા
તમે તેઓને આજ્ઞા આપી.
16 પરંતુ તેઓ અને અમારા પૂર્વજો અભિમાની અને હઠીલા હતા
અને તેઓ અક્કડ થયા અને તેઓએ તારી આજ્ઞાઓની અવગણના કરી.
17 તેઓ સમક્ષ તેં જે ચમત્કારો કર્યા હતા,
તે ભૂલી જઇને તેમણે તારૂં કહ્યું કરવાની ના પાડી.
તેઓ અક્કડ થઇ ગયાં અને તેમણે મિસર જઇ ફરી
ગુલામી સ્વીકારવાનો વિચાર સુદ્ધાં કર્યો.
“પણ તું તો ક્ષમાશીલ, દયાળુ અને પ્રેમાળ દેવ છે;
તું ઝટ ક્રોધ કરતો નથી.
તારી કરૂણાનો પાર નથી;
તેથી તેં તેમનો ત્યાગ ન કર્યો.
18 હા, તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવી અને કહ્યું
‘આ અમારાં દેવ છે!’ જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા હતાં, આમ તેઓએ ઘણી દેવ નિંદા કરી.
19 છતાંય તેં અપાર કરૂણા બતાવી
તેઓને વગડામાં છોડી ન દીધાં,
દિવસે વાદળના સ્તંભે તેમને દોરવાનું
અને રાત્રે અગ્નિના સ્તંભે તેમના
ચાલવાના માર્ગને ઉજાળવાનું ચાલુ રાખ્યું.
20 વળી બોધ આપવા માટે તેં તારો ઉત્તમ આત્મા તેમને આપ્યો,
અને તેં તેમને શ્રેષ્ઠ આહાર પણ ખવડાવવાનું બંધ કર્યુ નહિ;
અને તેઓની તૃષા છીપાવવા તેં તેઓને જળ આપ્યું.
21 ચાળીસ વર્ષ સુધી તેં રણમાં તેમની સંભાળ લીધી,
તે સમય દરમ્યાન તેઓને કશાની ખોટ પડી નહોતી;
ન તેમનાં વસ્ત્રો ઘસાઇ ગયા કે
ના તેમના પગ ફૂલી ગયા.
22 તેં તેઓને રાજ્યો
તથા પ્રજાઓ આપ્યાઁ.
તેથી તેઓએ હેશ્બોનના રાજા સીહોન
તથા બાશાનના રાજા ઓગની ભૂમિ લઇ લીધી.
23 વળી તેં તેઓના વંશજોની આકાશના
તારાઓની જેમ વૃદ્ધિ કરી,
અને જે દેશ વિષે તેં તેઓના પૂર્વજોને કહ્યું હતું કે,
તેઓ તેમાં પ્રવેશ કરીને તેમની ભૂમિ પ્રાપ્ત કરશે,
તેમાં તું તેઓને લાવ્યો.
24 જ્યારે તેઓએ એ ભૂમિમાં પ્રવેશ કરીને એનો કબજો લીધો,
ત્યારે તેં ત્યાંના વતની કનાનીઓને
તેમની આગળ નમાવી દીધા અને ત્યાંના રાજાઓને
અને લોકોને તેમના હાથમાં જે કરવું હોય
તે કરવા સોંપી દીધા.
25 પછી તેઓએ કિલ્લાવાળાં નગરો
તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ લઇ લીધાં;
તેઓએ સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ટાંકાઓ, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ,
તથા પુષ્કળ ફળનાં વૃક્ષો તેઓના કબજામાં આવ્યાં;
તેથી તેઓ ધરાય ત્યાં સુધી ખાધું, આ
સર્વ સમૃદ્ધિઓથી તેઓ તૃપ્ત થયા,
અને હૃષ્ટપુષ્ટ થયાં અને તારી મહાન કૃપાથી આનંદ પામ્યા.
બાબિલોનનો વિનાશ
18 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2 તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:
“તેનો વિનાશ થયો છે!
તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે!
તે ભૂતોનું ઘર બન્યું.
તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે.
તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે.
તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
3 પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે.
પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે
અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.”
4 પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:
“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો,
જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ.
પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
5 તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે.
તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
6 તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે.
તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો;
તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
7 બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા,
તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો;
તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું.
હું વિધવા નથી,
હું કદી ઉદાસ થનાર નથી.’
8 તેથી એક દિવસમાં આ બધી
ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે.
તેનો અગ્નિથી નાશ થશે,
કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”
દેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો
(માર્ક 7:1-23)
15 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’(A) અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’(B) 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.
તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’”(C)
10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. 11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”
12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે. 14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”
15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”
16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે? 17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. 18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે. 19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે. 20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International