Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 93

યહોવા રાજ કરે છે,
    ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
    કે તે અચળ રહેશે.
હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
    તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
    વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
    અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
    અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
    ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
    હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

ગીતશાસ્ત્ર 34

દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.

હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
    અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
    આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
    અને તેના નામનો મહિમા વધારીએ.
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
    તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
    તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
    અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
    અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
    જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
    કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
    પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
    “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
    અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
    ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
    શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
    તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
    ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.

17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
    અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
    જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
    પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
    તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
    અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
    યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.

એઝરા 10:1-17

લોકોની પોતાનાં પાપોની કબૂલાત

10 એઝરા દેવનાં મંદિર આગળ પગે પડીને રડતો રડતો પ્રાર્થના કરતો હતો અને અપરાધની કબૂલાત કરતો હતો, તે દરમ્યાન ઇસ્રાએલી સ્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઇ ગયું અને હૈયાફાટ રૂદન કરવા લાગ્યું. ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની વિધર્મી સ્ત્રીઓને પરણીને દેવનો અવિશ્વાસ કર્યો છે. તેમ છતાં ઇસ્રાએલીઓ માટે હજી આશા છે. હવે આપણે આપણા દેવ સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેમના પુત્રો સાથે હાંકી કાઢીશું. અમે આ પ્રમાણે તમારી અને દેવથી ડરીને ચાલનારા બીજાઓની સલાહ પ્રમાણે કરીશું. દેવના નિયમનું પાલન થવું જ જોઇએ. ઊઠો, આ કામ તમારું છે. અમે તમને ટેકો આપીશું. હિંમત રાખો અને કામ પાર ઉતારો.”

ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇસ્રાએલીઓને સમ ખવડાવ્યા કે અમો એ વચન પ્રમાણે જ કરીશું. તેથી તેઓએ સમ ખાધા. ત્યારબાદ એઝરાએ મંદિર સામેની તેની જગ્યા છોડી અને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. અને દેશવટેથી પાછા ફરેલા ઇસ્રાએલીઓએ દીધેલા છેહથી શોકમાંને શોકમાં અન્નજળ લીધા વગર તેણે ત્યાં જ રાત ગાળી. તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદામાં તથા યરૂશાલેમમાં તથા જેઓ બધાં બંધક બનાવાયા હતાં તે બધાંને યરૂશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું. અને ત્રણ દિવસમાં જે કોઇ આવી નહિ પહોચે તેની બધી માલમિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંધકોના સમૂહમાંથી દૂર કરવામાં આવશે આ આગેવાનો અને વડીલોનો નિર્ણય હતો.

આથી ત્રણ દિવસની અંદર યહૂદાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરૂશાલેમમાં ભેગા થયા અને નવમા મહિનાના વીસમાં દિવસે તેઓ બધા દેવના મંદિરનાં પ્રાંગણમાં બેઠા આ વાતના ભયના લીધે તેઓ બધાં ગંભીર અને મૂશળધાર વરસાદમાં થરથર ૂજતાં હતાં. 10 પછી યાજક એઝરાએ ઊભા થઇને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓને પરણીને યહોવાને છેહ દીધો છે, અને ઇસ્રાએલના અપરાધમાં વધારો કર્યો છે. 11 માટે હવે તમારા પિતૃઓના દેવ યહોવા આગળ પાપોની કબૂલાત કરો અને તેની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસતા અન્ય દેશોના લોકોથી અને તમારી વિધર્મી પત્નીઓથી અલગ થઇ જાઓ.”

12 ત્યારે આખી સભા મોટે સાદે બોલી ઊઠી, “જરૂર, તમે કહો તે પ્રમાણે અમારે કરવું જ જોઇએ. 13 પણ તમે લોકો ઘણા છો, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું પણ નથી; આ બાબતમાં અમે તો મોટું પાપ કર્યું છે. 14 આપણા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે, અને દરેક શહેરમાં તમારામાંના જેઓ વિધર્મી સ્ત્રીઓને પરણ્યા છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, જ્યાં સુધી આપણા પરથી આ કારણે ભભૂકી ઊઠેલો દેવનો કોપ ઉતરી ન જાય.”

15 કેવળ અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાહનો પુત્ર યાહઝયા એ વાતના વિરોધી થયા; અને તેમને લેવીઓ મશુલ્લામ તથા શાબ્બાથાયે ટેકો આપ્યો. બાકીના લોકોએ એનો સ્વીકાર કર્યો.

16 તેથી બંધકોએ પણ તે પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ તે તે કુટુંબના પ્રતિનિધિ તરીકે કેટલાંક કુટુંબના વડાઓને પસંદ કર્યા અને તેમનાં નામની યાદી બનાવી. દશમા મહિનાના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી 17 અને પહેલા મહિનાના પહેલા દિવસ સુધીમાં તેમણે વિધર્મી સ્ત્રીઓને પરણેલાં બધા માણસોની તપાસ પૂરી કરી.

પ્રેરિતોનાં કૃત્યો 24:10-21

પાઉલે કરેલો બચાવ

10 હાકેમે પાઉલને બોલવા માટે ઇશારો કર્યો. તેથી પાઉલે જવાબ આપ્યો. “નામદાર હાકેમ ફેલિકસ, હું જાણું છું કે આ દેશનો તું લાંબા સમય સુધી ન્યાયાધીશ રહ્યો છે. તેથી હું ખુશીથી મારો બચાવ મારી જાતે તારી સમક્ષ રજૂ કરું છું. 11 હું ફક્ત બાર દિવસ પહેલા જ યરૂશાલેમમાં ભજન કરવા ગયો. તું તારી જાતે જ શોધી શકે છે કે આ સાચું છે. 12 આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી. 13 આ યહૂદિઓ મારી સામે કોઇ આક્ષેપો સાબિત કરી શકે તેમ નથી. તેઓ હવે મારી વિરૂદ્ધ બોલે છે.

14 “પણ હું તને આ કહીશ. હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ, ઈસુના માર્ગના શિષ્યો તરીકે કરું છું. યહૂદિઓ કહે છે કે ઈસુનો સાચો માર્ગ નથી. પણ મને મૂસાના નિયમશાસ્ત્રમાં શીખવેલ પ્રત્યેક વાતોમાં વિશ્વાસ છે. અને પ્રબોધકોનાં પુસ્તકોમાં જે લખાણ છે તે બધી વસ્તુઓમાં પણ મને વિશ્વાસ છે. 15 યહૂદિઓને દેવમાં આશા છે તે જ આશા મને છે. અને યહૂદિઓમાં અહી બધાજ ન્યાયી, અન્યાયી પુનરુંત્થાન પામશે. 16 તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું. તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું.

17-18 “હું ઘણાં વર્ષોથી યરૂશાલેમથી દૂર હતો. તેથી હું મારા લોકો જે ગરીબ છે અને બલિદાનો અર્પણ કરે છે. તેમને લેવા પાછો આવ્યો છું. જ્યારે કેટલાએક યહૂદિઓએ મને મંદિરમાં જોયો ત્યારે હું આ કરતો હતો. મેં શુદ્ધિકરણનો ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં મારી આજુબાજુ કોઇ ટોળું ન હતું. અને મેં કોઇ જાતની ગરબડ ઊભી કરી ન હતી. 19 પણ આસિયાના કેટલાએક યહૂદિઓ ત્યાં હતા. તેઓએ અહીં તારી સમક્ષ ઊભા રહેવું જોઈએ. જો મેં ખરેખર કોઇ ખોટું કર્યુ હોય તો આસિયાના પેલા યહૂદિઓ જે છે તેણે મારા પર તહોમત મૂકવું જોઈએ. તેઓ ત્યાં હતા! 20 જ્યારે હું યરૂશાલેમમાં યહૂદિઓની ન્યાયસભામાં ઊભો હતો ત્યારે તેઓએ મારામાં કશું ખોટું જોયું હોય તો આ યહૂદિઓને અહીં પૂછો. 21 જ્યારે હું તેની આગળ ઊભો ત્યારે મેં એક વાત જરુંર કરી. મેં કહ્યું, ‘તુ આજે મારો ન્યાય કરે છે કારણ કે મને વિશ્વાસ છે કે લોકો મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે!’”

લૂક 14:12-24

તમને બદલો મળશે

12 પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે. 13 તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ. 14 તેથી તું ધન્ય થશે, કારણ કે આ લોકો તને કશું પાછું આપી શકે તેમ નથી. તેઓની પાસે કંઈ નથી. પણ જ્યારે સારા લોકો મૃત્યુમાંથી ઊભા થશે ત્યારે તને બદલો આપવામાં આવશે.”

મોટા ભોજન સમારંભ વિષે વાર્તા

(માથ. 22:1-10)

15 ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!”

16 ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં. 17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’ 18 પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું, ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’ 19 બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’ 20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’

21 “તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’

22 “તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’ 23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય. 24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International