Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.
1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
માટે તમારો આભાર માનીએ છીએ.
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.
4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
ઘમંડ કરીને ડંફાસ ન મારો.”
6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે,
અને બીજાને ઊંચો કરે છે.
8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.
1 યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
2 તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.
4 દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
ને ચિર નિંદ્રાવશ થયા છે;
અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
6 હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
7 દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
9 હે દેવ, તમે ન્યાય કરવા માટે
તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.
11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
દાઉદનું ગીત.
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
શા માટે મારે કોઇનાથી ડરવું?
2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
“મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર
મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
બિનયહૂદીઓ સાથેના લગ્ન-વિરૂદ્ધ એઝરાનો બોધ
9 પરંતુ આ બધું પૂરું થયા પછી કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા ને કહ્યું, “ઇસ્રાએલના લોકો, યાજકો અને લેવીઓએ પોતાની જાતને દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદી પાડી નથી. તેઓએ કનાનીઓ, હિત્તીઓ, પરિઝિઝઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના ઘૃણાપાત્ર રીત રિવાજો અને માર્ગો અપનાવ્યા છે. 2 તેમણે આ લોકોની સ્ત્રીઓને પોતાની અને પોતાના પુત્રોની પત્ની તરીકે સ્વીકારી છે; આમ પવિત્ર લોકોની પ્રદેશના લોકો સાથે ભેળસેળ થઇ ગઇ છે. આ પાપ કરવાવાળામાં આગેવાનો અને અમલદારો જ પહેલા છે.” 3 મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢયાં અને હું અતિશય સ્તબ્ધ થઇ બેસી ગયો. 4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇસ્રાએલના દેવના વચનોથી જેઓ ધૂજતા હતા. તે સર્વ મારી પાસે ભેગા થયા; સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઇને બેસી રહ્યો.
5 સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઇને બેઠો હતો ત્યાંથી ઊઠયો અને મારાં ફાટેલા ઝભ્ભા અને ઉપરણાં સાથે જ ઘૂંટણિયે પડી, મારા દેવ યહોવા તરફ હાથ લંબાવી હું બોલ્યો,
6 “હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે. 7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે; અમે અમારા રાજા તથા અમારા યાજકોએ અમારા પાપોને કારણે અમારી જાતને અન્ય દેશોના રાજાઓને હવાલે કરી દીધી છે અને અમે તરવારને, બંદીવાસને, લૂંટફાટને અને બેઆબરૂને વશ થયા છીએ અને અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે અમે એ જ બેહાલ દશામાં છીએે.
8 “પરંતુ ટૂંકા સમય માટે તમે, અમારા દેવે અમારા પર કૃપા કરીને અમારામાંથી કેટલાંકને ઉગારી લીધા છે અને આ પવિત્ર ભૂમિમાં અમને આશ્રયસ્થાન આપ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમારી ગુલામ દશામાં તમે અમારામાં નવા પ્રાણ પૂર્યા છે: 9 કારણ, અમે તો ગુલામ છીએ; તેમ છતાં અમારી ગુલામ દશામાં પણ તમે અમને ભૂલી નથી ગયા, અને તમે ઇરાનના રાજાના હૃદયમાં અમારા માટે દયા જગાડી છે અને તેમણે અમને જીવતદાન તો આપ્યું જ છે, ઉપરાંત અમારા દેવના મંદિરનો જીણોર્દ્ધાર કરી ફરી બાંધવાની પરવાનગી આપી છે, અને યહૂદામાં અને યરૂશાલેમમાં અમને દીવાલ આપી છે.
10 “હવે, હે અમારા દેવ, અમે તમને શું કહીએ? કારણકે અમે ફરીથી તમારી આજ્ઞાઓ પાળી નથી અને તમારાથી દૂર ભટકી ગયા છીએ. 11 દેવે, તેમના સેવકો પ્રબોધકો મારફત અમને ચેતવ્યા હતા કે, જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે ત્યાંના રહેવાસીઓના ભયંકર રીતરિવાજને લીધે તદૃન અશુદ્ધ થયેલી છે અને એક છેડાથી બીજા છેડા સુધી તેમાં વ્યાપેલી અશુદ્ધિઓને લીધે ષ્ટ થયેલી છે. 12 માટે તમારી પુત્રીઓને તેમના પુત્રો સાથે પરણાવશો નહિ. તેઓએ અમને કહ્યું હતું, અને તમારા પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવશો નહિ; અને એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, એ ભૂમિની ઉત્તમ ઉપજને માણી શકશો, અને તમારા વંશજોને એ સદાકાળ માટે વારસામાં આપતા જશો.
13 “અમારાઁ દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કઇ વીત્યું છે, તે સર્વ ને માટે, હે યહોવા અમારા દેવ, જેટલી થવી જોઇએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે. 14 છતાં અમે તમારા હુકમોનો અનાદર કરીને ફરી આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીશું? તો પછી શું તું અમારા પર કોપાયમાન થઇને અમારો એવો વિનાશ નહિ કરશે કે કઇ પણ અથવા કોઇ પણ ન બચે?
15 “હે ઇસ્રાએલના દેવ યહોવા, તું ન્યાયી છે તેથી જ અમે આજે છીએ એટલા ઊગરવા પામ્યા છીએ. અમે અપરાધીઓ તમારી સમક્ષ ઊભા છીએ, જુઓ. અમારા અપરાધને કારણે અમને તમારી સમક્ષ આવવાનો કોઇ અધિકાર નથી.”
પ્રાણી પરની સ્રી
17 સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. આ દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે. 2 પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”
3 પછી તે દૂત મને આત્મામાં રણમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને લાલ પ્રાણી પર બેઠેલી જોઈ. તે પ્રાણી તેના પર લખાયેલા ઈશ્વરનિંદક નામોથી ઢંકાયેલું હતું. તે પ્રાણીને સાત માથાં અને દસ શિંગડા હતા. 4 તે સ્ત્રીએ જાંબલી અને લાલ રંગના વસ્ત્રો પહેર્યાં હતા. તે સોનાનાં અલંકારો અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી. તેના હાથમાં સોનાનું પ્યાલું હતું. આ પ્યાલું ભયંકર વસ્તુઓ અને તેનાં અશુદ્ધ વ્યભિચારનાં પાપોથી ભરાયેલું હતું. 5 તેના કપાળ પર એક શીર્ષક (નામ) લખાયેલું હતું, આ શીર્ષકનો ગુપ્ત અર્થ છે. જેનું લખાણ આ પ્રમાણે હતું:
હે મહાન બાબિલોન
વેશ્યાઓની માતા
અને પૃથ્વી પરની દુષ્ટ બાબતોની માતા
6 મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી. તેણે સંતોનું લોહી પીધેલું હતું જે લોકો ઈસુમાંના તેઓના વિશ્વાસ વિષે કહેતા હતા તે લોકોનું લોહી તેણે પીધું હતું.
જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે હું અતિશય આશ્ચર્ય પામ્યો. 7 પછી તે દૂતે મને કહ્યું કે, “તું શા માટે આશ્ચર્ય પામે છે? હું તને આ સ્ત્રીનો અને જે પ્રાણી પર તે સવારી કરે છે, તે સાત માથા અને દસ શિંગડાંવાળા પ્રાણી નો મર્મ કહીશ. 8 તું જે પ્રાણી જુએ છે તે એક વખત જીવતું હતું પણ તે પ્રાણી હમણા જીવતું નથી. પણ તે પ્રાણી જીવતુ થશે તે અસીમ ઊંડાણમાંથી બહાર નીકળશે અને વિનાશના માર્ગે જશે. પૃથ્વી પર જે લોકો રહે છે. તે આશ્ચર્ય પામશે. કારણ કે તે એક વખત જીવતું હતું, હમણા તે જીવતું નથી. પણ ફરીથી આવશે. પણ આ તે લોકો છે કે જેમના નામો દુનિયાના આરંભથી જીવનનાં પુસ્તકમાં લખેલા નથી.
9 “તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે. 10 રાજાઓમાંના પાંચ તો મરી ગયા છે. રાજાઓમાંનો એક હમણાં જીવે છે. અને તે એક જે હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે, તે ફક્ત થોડો સમય જ રહેશે. 11 તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે.
12 “તે દસ શિંગડાંઓ જે તમે જોયાં તે આ દસ રાજાઓ છે. જેઓને હજુ તેઓનું રાજ્ય મળ્યું નથી. પણ તેઓ એક કલાક માટે તે પ્રાણી સાથે શાસન કરવા અધિકાર મેળવશે. 13 આ રાજાઓમાંના બધા દસ નો હેતુ એક જ છે અને તેઓ તેઓની સત્તા અને અધિકાર તે પ્રાણીને આપશે. 14 તેઓ હલવાનની સાથે યુદ્ધ કરશે. પરંતુ હલવાન તેઓને હરાવશે. કારણ કે તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. તે તમને પોતે પસંદ કરેલા અને વિશ્વાસી જેઓને તેણે બોલાવ્યા છે તેઓના વડે તેને હરાવશે.”
ઈસુ સરોવરના પાણી પર ચાલ્યા
(માર્ક 6:45-52; યોહ. 6:16-21)
22 પછી ઈસુએ તેના શિષ્યોને હોડીમાં જવાનું કહ્યુ અને કહ્યું, “તમે સરોવરની પેલે પાર જાઓ, હું થોડી વારમાં આવુ છું.” ઈસુ ત્યાં રોકાયો અને લોકોને કહ્યું, “તમે ઘેર જાઓ.” 23 ઈસુએ લોકોને વિદાય આપી અને ટેકરી પર એકલો પ્રાર્થના કરવા ગયો ત્યારે ખૂબજ મોડું થઈ ગયું હતું અને ઈસુ એકલો જ ત્યાં હતો. 24 આ વખતે હોડી કિનારાથી ખૂબજ દૂર હતી અને મોજાઓથી ડામાડોળ થઈ રહી હતી કારણ કે તેની સાથે સખત પવન ફૂંકાતો હતો.
25 સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો. 26 ઈસુને પાણી પર ચાલતો આવતો જોઈને શિષ્યો ભયભીત થયા અને બૂમો પાડવા લાગ્યા કે, “આ ભૂત છે!”
27 ઈસુ તરત જ બોલ્યો: “ચિંતા ન કરો! એ તો હું જ છું! ડરો નહિ.”
28 ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુ, જો એ તું જ છે, તો તું મને પાણી પર ચાલીને તારી પાસે આવવા કહે.”
29 ઈસુએ કહ્યું, “પિતર, તું આવ.”
પછી પિતર હોડીમાંથી ઉતરી પાણી પર ચાલતો ઈસુ તરફ જવા લાગ્યો. 30 પણ જ્યારે પિતર પાણી પર ચાલતો હતો ત્યારે તેણે સખત પવન ફૂંકાતો જોયો અને તે ડરી ગયો. તે ડૂબવા લાગ્યો અને બૂમ પાડી ઊઠ્યો, “હે પ્રભુ, મને બચાવ!”
31 તરત જ ઈસુએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, “તારો વિશ્વાસ ઘણો ઓછો છે. અને તેં શા માટે શંકા કરી?”
32 ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા. 33 તેના જે શિષ્યો હોડીમાં હતા તેઓએ તેને નમન કર્યુ અને કહ્યું, “તું ખરેખર દેવનો દીકરો છે.”
ઈસુએ માંદા માણસોને સાજા કર્યા
(માર્ક 6:53-56)
34 સરોવર પાર કરી, તેઓ ગન્નેસરેતને કિનારે ઉતર્યા. 35 લોકોએ જાણ્યું કે ઈસુ આવ્યો છે, તે તેના આગમનના સમાચાર તેઓએ આખા પ્રદેશમાં પ્રસરાવ્યા, અને બધાજ માંદા લોકોને ઈસુ પાસે લાવવા એકબીજાને કહ્યું અને લોકો ઈસુ પાસે બધાજ માંદા માણસોને લાવ્યા. 36 અને માંદા લોકો ઈસુને આજીજી કરવા લાગ્યા કે ફક્ત તારા ઝભ્ભાની કિનારને અડકવા દે. જેટલા લોકોએ તેના ઝભ્ભાને સ્પર્શ કર્યો તે બધાજ સાજા થઈ ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International