Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “દૂરના ઓકમાં કબૂતર.” દાઉદનું મિખ્તામ, ગાથમાં પલિસ્તીઓએ તેને પકડ્યો તે વખતે લખાયેલું છે.
1 હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે
તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
2 મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે.
ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
3 જ્યારે મને બીક લાગશે ત્યારે
હું તમારો ભરોસો કરીશ.
4 હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું.
દેવ પર આધાર રાખું છું,
તેથી મને જરાપણ બીક નથી.
માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
5 મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે.
અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
6 તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે,
તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
7 યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો.
તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો.
8 તમે મારી બધી વેદના જોઇ છે.
તમે મારા આંસુઓથી જ્ઞાત છો.
તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે.
અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.
9 હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
10 હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ,
હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
11 મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી,
પછી માણસ મને શું કરનાર છે?
12 હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ,
હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
13 કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે,
તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે,
જેથી હું જીવનનાં અજવાળામાં
દેવની સામે જીવી શકું.
નિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત.
1 હે દેવ, મારા પર દયા કરો, કારણ,
મારો આત્મા તારા શરણ આપ્યો છે,
આ તોફાન શમી જાય ત્યાં સુધી
હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,
તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
3 તે આકાશમાંથી સહાય મોકલશે
અને મને બચાવશે.
જેઓ મને નુકશાન કરવા માગે છે
તેમનાથી મને ઉગારશે.
4 મારું જીવન જોખમમાં છે.
હું માનવભક્ષી સિંહોનાં જેવા
હિંસક દુશ્મનોથી ઘેરાયો છું.
તેમના દાંત તીર ને ભાલાં જેવા છે,
તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.
5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે;
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે;
જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.
7 હે દેવ! મારું હૃદય તૈયાર છે,
મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે.
હું દેવ સ્તોત્રો ગાઇશ.
8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,
હું પ્રભાતમાં વહેલો જાગીશ,
ને હું પરોઢને આવકાર આપીશ.
9 હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.
બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.
તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.
1 ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
2 ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
3 દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
5 ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
છતાંય તેનો સાદ સંભળાતો નથી.
6 હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
7 સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
8 તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.
10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો,
શત્રુ તરફના ભયથી મને ઉગારો.
2 દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે.
તેમનાથી મને છુપાવી દો.
3 તેઓએ તેમની જીભને તરવાર જેવી તીક્ષ્ણ બનાવી છે.
તેમનાં કડવાં શબ્દો તીર જેવાં છે, જે પાછા ખેંચાઇને વીંધવા માટે તૈયાર છે.
4 તેઓ જાડીમાં છુપાય છે અને નિર્દોષો ઊપર તેમનાં તીર ચલાવે છે.
તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે.
આમ કરતાં તેઓ ગભરાતા નથી.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે;
અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે:
“અમને અહીં જોનાર કોણ છે?”
6 તેઓ દુષ્ટકૃત્યો કરવા માટે યોગ્ય તકની ચતુરાઇથી રાહ જુએ છે;
તેઓનાં હૃદયનાં ઊંડાણમાં દુષ્ટ વિચારો
અને ખરાબ યોજનાઓ છે.
7 પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે,
અને એકાએક તેઓને વીંધી નાંખશે.
8 દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે.
અને તેઓ ઠોકર ખાશે;
જે કોઇ તેઓને જોશે
તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.
9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે.
અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે
અને દેવનાં અદ્ભૂત કાર્યો
વિષે બીજાઓને શીખવશે.
10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે.
તે દેવ પર આધાર રાખે છે.
અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.
નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.
1 હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
2 તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
3 અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
4 તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
5 હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
6 દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
7 તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
અને હા, તેઓ ગીતો ગાય છે.
અધિક સમસ્યાઓ
6 જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં દીવાલો ફરી બાંધી છે, અને તેમાં એક પણ બાકોરૂં રહ્યું નથી, ભલે આ સાચું હોય પણ જોકે તે વખતે હજી મેં દરવાજાને બારણાં ચઢાવ્યાં નહોતાં. 2 ત્યારે સાન્બાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે, “ચાલો આપણે ઓનોના મેદાનમાં એક દીવાલ વગરના નગરમાં સાથે મળીએ,” પરંતુ તેઓ મને નુકશાન પહોચાડવા માંગતાં હતા.
3 તેથી મેં તેઓની પાસે સંદેશાવાહક મોકલીને આ જવાબ આપ્યો કે, “હું એક મોટું ચણતર કામ કરવામાં રોકાયેલો છું. માટે મારાથી આવી શકાય તેમ નથી. હું જો તમને મળવા આવું તો કામ અટકી પડે. હું એવું શું કામ કરું?”
4 તેઓએ મને એ જ સંદેશો ચાર વખત મોકલ્યો અને દરેક વખતે મેં તેમને એ જ પ્રત્યુતર આપ્યો. 5 એટલે પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના સેવકને હાથમાં એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો; 6 તે આ પ્રમાણે હતો,
“પ્રજાઓમાં એવી અફવા ચાલે છે, ને ગેશેમ પણ કહે છે કે, તું અને યહૂદીઓ બળવો કરવાનું વિચારો છો, અને તે કારણથી જ તેં દીવાલની મરામત કરવા માંડી છે.” એમ પણ કહેવાય છે કે તું પોતે એમનો રાજા બનવાની ઇચ્છા રાખે છે. 7 અને યરૂશાલેમ વિષે તને માહિતી આપવા માટે અને યહૂદામાં રાજા છે તેમ કહેવા માટે તેઁ પ્રબોધક નીમ્યા છે. રાજા આ અફવા વિષે સાંભળશે. તેથી ચાલ, આપણે સાથે યોજના ઘડીયે.
“રાજાને આ અફવાની જાણ થયા વગર રહેવાની નથી. માટે આવો આપણે મળીને યોજના બનાવીએ.”
8 ત્યારે મેં તેને કહેવડાવ્યું કે, “તું જાણે છે કે તું જૂઠું બોલે છે. એ તો તારા મનની માત્ર કલ્પના જ છે.”
9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા, એમ વિચારીને કે તેમના હાથ ચણતરકામ અટકાવશે અને તે પૂરું નહિ થાય પણ “હે દેવ, મારા હાથ મજબૂત કરો.”
10 એ સમયે હું, દલાયાના પુત્ર શમાયાને ઘેર ગયો, દલાયા મહેટાબએલનો પુત્ર હતો. તે પોતાના જ ઘરમાં પૂરાયો હતો. તેણે કહ્યું:
“આપણે દેવનાં ઘરમાં, મંદિરની મધ્યમાં મળીએ અને આપણે મંદિરના બારણાં વાસી દઇએ, કારણકે તેઓ તને મારી નાખવા માટે આવનાર છે.”
11 ત્યારે મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઇએ? મારા જેવો માણસ જીવ બચાવવા મંદિરમાં ભરાય? હું નહિ જાઉં.”
12 પછી મને ખ્યાલ આવ્યો કે દેવે તેને મોકલ્યો ન હતો પણ ટોબીયાએ અને સાન્બાલ્લાટે એને મારી વિરૂદ્ધ ભવિષ્યવાણી કરવા મહેનતાણું આપીને રોક્યો. 13 મને ગભરાવા માટે શમાયાને ભાડે રાખ્યો હતો, જેથી હું પાપ કરું. અને તેને પરિણામે તેમને મારા નામને કલંક લગાડવાની અને મારી હાંસી ઉડાવવાની તક મળે.
14 હે મારા દેવ! ટોબિયાને ને સાન્બાલ્લાટને તેઓએ કરેલા કાર્ય પ્રમાણે તું યાદ રાખજે, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતા હતાં, તેઓને પણ યાદ રાખજે.
દીવાલનું સમારકામ સમાપ્ત
15 દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ મહિનાના પચીસમાં દિવસે પૂરું થયું. 16 જ્યારે અમારી આજુબાજુના અમારા શત્રુઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ અતિશય ઉદાસ થઇ ગયા અને તેમને આ વાત સમજાઇ કે આ કામ તો અમારા દેવની મદદથી જ પૂરું થયું છે.
17 તદઉપરાંત તે સમયે યહૂદાના ઉમરાવોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમજ ટોબિયાએ પણ તેમને પત્રો મોકલ્યાં હતા. 18 યહૂદાના ઘણા લોકોએ તેને વફાદાર રહેવાના સમ ખાધા હતા, કારણકે તે આરાહનો પુત્ર શખાન્યાનો જમાઇ હતો; અને તેનો પુત્ર યહોહાનાન બેરેખ્યાના પુત્ર મશુલ્લામની પુત્રી સાથે પરણ્યો હતો. 19 તેમણે મને તેના સુકૃત્યો વિષે કહ્યું હતું. અને પછી તેઓએ તેને તે સર્વ કહ્યું જે મેં તેમને કહ્યું હતું, અને મને ડરાવવા માટે ટોબિયાએ અનેક ધમકીઓ આપતા પત્રો મોકલ્યા હતા.
દૂત અને નાનું ઓળિયું
10 પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા. 2 દૂતે એક નાનું ઓળિયું રાખ્યું હતું. તે ઓળિયું તેના હાથમાં ખુલ્લું હતું. તે દૂતે તેનો જમણો પગ દરિયા પર અને તેનો ડાબો પગ ભૂમિ પર મૂક્યો; 3 તે દૂતે મોટા સાદે સિંહની ગર્જનાની જેમ પોકાર કર્યો; દૂતના પોકાર પછી સાત ગજૅના બોલી.
4 તે સાત ગજૅના જે બોલી તે લખવાનું મેં શરું કર્યું, પણ પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “તે સાત ગજૅનાએ જે કહ્યું તે લખીશ નહિ. તે વસ્તુઓ ને ગુપ્ત રાખ.”
5 પછી મે જે દૂતને જોયો તેણે સમુદ્ર પર અને જમીન પર ઊભા રહીને તેનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો. 6 તે જે સદાસવૅકાળ જીવંત છે તેના અધિકારથી તે દૂતે પ્રતિજ્ઞા કરી. તે દેવ એક છે જેણે પૃથ્વી અને પૃથ્વી પર જે બધું છે તે અને આકાશ તથા તેમાં જે કંઈ છે તે, સમુદ્રો, તથા તેમાં જે બધું છે તેનું સર્જન કર્યું. તે દૂતે કહ્યું કે, “હવે વધારે વિલંબ થશે નહિ! 7 તે દિવસોમાં જ્યારે તે સાતમો દૂત તેનુ રણશિંગડું વગાડવા માંડશે, ત્યારે દેવની ગુપ્ત યોજના પૂર્ણ થશે. આ યોજના એક તે સુવાર્તા છે જે દેવે તેના સેવકો એટલે પ્રબોધકોને કહી હતી.”
8 પછી મેં ફરીથી આકાશમાંથી તે જ વાણી સાંભળી. તે વાણીએ મને કહ્યું કે, “જા અને દૂતના હાથમાંથી જે ખુલ્લું ઓળિયું છે તે લે. આ તે દૂત છે જે સમુદ્ર પર તથા જમીન પર ઊભેલો છે.”
9 તેથી હું તે દૂત પાસે ગયો અને મને તે નાનું ઓળિયું આપવા કહ્યું. તે દૂતે મને કહ્યું કે, “આ ઓળિયું લે અને તેને ખા. તે તારા પેટમાં કડવું બનશે પણ તે તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.” 10 તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું. મેં તે ઓળિયું ખાધું. મુખમાં તેનો સ્વાદ મધ જેવો મીઠો લાગ્યો પણ મારા ખાધા પછી તે મારા પેટમાં કડવું લાગ્યું. 11 પછી મને કહેવામા આવ્યું હતું કે, “તારે ફરીથી ઘણી જાતિના લોકો, ઘણાં દેશો, ભાષાઓ અને રાજાઓ વિષે પ્રબોધ કરવો જોઈએ.”
ધઉં અને કડવા દાણાના દૃષ્ટાંતનો ખુલાસો
36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે. 38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે. 39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે.
40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. 41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે. 42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે. 43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International